મુખ્ય સમાચાર
News of Saturday, 29th January 2022

યુપી ચૂંટણી જંગઃ સપા- બસપાને ઓબીસી અને મુસ્‍લિમો પર તો કોંગ્રેસને મહિલાઓ ઉપર વધુ વિશ્વાસ

લખનૌઃ ઉત્તરપ્રદેશ વિધાનસભાની ચૂંટણી નજીક આવી રહી છે. ત્‍યારે કોંગ્રેસ, સપા, બસપા અને આપના દળોએ ઉમેદવારોની જાહેરાત કરી દીધી છે.
સમાજવાદી પાર્ટીએ યૂપી વિધાનસભા ચૂંટણી માટે પોતાનું ત્રીજૂં લીસ્‍ટ જાહેર કરી દીધું છે. જેમાં અન્‍ય પક્ષોને છોડીને આવેલ તમામ નેતાઓને ટીકિટ આપી છે. પાર્ટીએ આ લીસ્‍ટમાં ૧૦ મુસ્‍લિમ, ૮ યાદવો અને ૭ બ્રાહ્મણોને ટિકિટ આપી છે. પૂજા પાલને ચાયલ સીટ પરથી ટિકિટ મળી છે, તો દરિયાબાદથી અરવિંદ સિંગ ગોપને ઉમેદવાર બનાવવામાં આવ્‍યા છે. બસપા છોડીને આવેલ લાલજી વર્માને કટેહરીથી તો રામઅચલ રાજભરને અકબરપુરથી ટિકિટ મળી છે. ત્‍યાં જ બીજેપી છોડીને આવેલ દારા સિંહ ચૌહાણને ઘોસીથી ટિકિટ મળી છે. બાંસડીહથી રામગોવિંદ ચૌધરી, આઝમગઢથી દુર્ગા પ્રસાદ યાદવ, ફૂલપુરવઈથી રમાકાન્‍ત યાદવ, કાજલ નિષાદને કેમ્‍પિયરગેંજથી ટિકિટ આપવામાં આવી છે.  
કોંગ્રેસનું ૮૯ ઉમેદવારોની  યાદીમાં ૩૭ મહિલા ઉમેદવાર
કોંગ્રેસે ૮૯ ઉમેદવારોનું ત્રીજું લીસ્‍ટ જાહેર કર્યું છે. આ ત્રીજા લીસ્‍ટમાં પાર્ટીએ ૮૯ ઉમેદવારોમાંથી ૩૭ મહિલાઓને ટિકિટ આપી છે. તેમાં કેટલાક પ્રમુખ નામ છે પૂનમ કંબોજને બેહટ, અકબરી બેગમને બિજનૌર, બાલા દેવી સૈનીને નૂરપુર, દારખ્‍શા અહસન ખાનને કુદરંકી, સરોજ દેવીને હાથરસ, છવિ દાર્ષ્‍ણયને સિકંદરા રાવ, દિવ્‍યા શર્માને અમરપુર, તારા રાજપુરને મરહારા, નિલમ રાજને જાલેસર, ભૌનગાંવ, ફરહ નઈમને શેખપુર, ઉલ્‍કા સિંહને બિથરી ચૈનપુર, મમતા વર્માને હરગામ, અનુપમા દ્વિવેદીને લહરપુર, ઉષા દેવીને મહમૂદાપુર, કમલા રાવતને સિચૌલી, સુનિતા દેવીને ગોપામઉ, આકાંક્ષા વર્માને સાંડી, નીલમ શાકયને તિરવા, સ્‍નેહલતા ઘોરેને ભરતના, સુમન વ્‍યાસને રસૂલબાદથી ટિકિટ આપવામાં આવી છે.
બસપાએ યાદીમાં  સૌથી વધુ મુસ્‍લિમ ઉમેદવારોને ટિકિટ આપી
માયાવતીએ ગુરૂવારે વિધાનસભા ચૂંટણી માટે પોતાના ઉમેદવારોની જાહેરાત કરી છે. આ લીસ્‍ટમાં પહેલાથી જ જાહેર કેટલાક ઉમેદવારોને ટિકિટમાં સંશોધન કરવામાં આવ્‍યું છે. ધામપુર સીટથી પહેલા કમાલ અહમદને ટિકિટ આપવામાં આવી હતી, જેને આજે બદલી અને તેમના સ્‍થાને મૂલચંદ ચૌહાણને પોતાના નવા ઉમેદવાર બનાવ્‍યાછે. બરેલીની કુંદરકી વિધાનસભા સીટથી હાજી ચાંદ બાબૂ મલિકના સ્‍થાને નવા ઉમેદવાર મોહમ્‍મદ રિઝવાનને બનાવવામાં આવ્‍યા છે. બસપાએ અત્‍યાર સુધીમાં ૧૧૭ ઉમેદવારોના નામની જાહેરાત કરી છે. પાર્ટીએ અત્‍યાર સુધીમાં સૌથી વધુ ૪૧ મુસ્‍લિમ ઉમેદવારોને ટિકિટ આપી છે.


 

(2:30 pm IST)