મુખ્ય સમાચાર
News of Saturday, 29th January 2022

કોલેજમાં એકપણ દિવસ ગયા વગર અસામાજીક તત્વો કાયદાની ડીગ્રી મેળવી રહ્યા છે : સુપ્રિમ કોર્ટ

આંધ્ર - કર્ણાટકમાં અનેક સ્થળે કાયદાના વર્ગો ગાય - ભેંસના તબેલામાં લાગે છે નિરીક્ષણ જરૃરી : કાયદાના શિક્ષણની ખાડે ગયેલી ગુણવત્તાથી કોર્ટે ચિંતા વ્યકત કરી

નવી દિલ્હી તા. ૨૯ : ૪ એપ્રિલ, ૨૦૨૧ના રોજ ભારતના નવા મુખ્ય ન્યાયાધીશ એન વી રમન્નાએ દેશમાં કાયદાના શિક્ષણની હલકી ગુણવત્તા અંગે કહ્યું હતું કે, દેશમાં દર વર્ષે લો કોલેજોમાંથી ડીગ્રી લઇને બહાર નિકળતા દોઢ લાખ વિદ્યાર્થીઓમાંથી ૨૫ ટકાથી પણ ઓછા આ વ્યવસાયમાં આવવા યોગ્ય છે. આના માટે દેશમાં મોટી સંખ્યામાં કાનુની અભ્યાસ કરાવનારી ઘટીયા સંસ્થાઓ જવાબદાર છે જે ફકત નામની જ લો કોલેજ છે.
જસ્ટીસ સંજય કિશન અને જસ્ટીસ એમ એમ સુંદરેશની બેંચે બાર કાઉન્સીલ ઓફ ઇન્ડીયાના વકીલને કહ્યંુ કે, તમારી પ્રવેશ પરિક્ષાને જુઓ. તમે ધોરણો ઘટાડવાનું જાળવી રાખ્યું છે, ત્યારે ગુણવત્તા પર નિયંત્રણ રાખવાની જરૃર છે. પ્રવેશ પરીક્ષાની ગુણવત્તા ઘટાડો નહીં. તમે ચાર્ટર્ડ એકાઉન્ટન્ટસ માટેની સંસ્થા તરફ જુઓ. તેઓ પ્રવેશ અને ગુણવત્તા પર કેટલું નિયંત્રણ રાખે છે. આ બાબતે કંઇક કરવાનો સમય તમારા માટે આવી ગયો છે.
બેંચે કહ્યું કે, એવા પણ ઉદાહરણો છે કે લોકો લો કોલેજમાં ગયા વગર જ ડીગ્રીઓ પ્રાપ્ત કરી રહ્યા છે. એવી પરિસ્થિતિ ઉભી થઇ ગઇ છે કે સમાજ વિરોધી તત્વો પણ વકીલાતની ડીગ્રી મેળવી લે છે. આંધ્રપ્રદેશ અને કર્ણાટકમાં ઘણી જગ્યાએ કાયદાના કલાસ ગાય - ભેંસના તબેલાઓમાં ચાલી રહ્યા છે. આવા સ્થળોનું યોગ્ય નિરીક્ષણ થવું જોઇએ.
આંધ્રપ્રદેશથી લો કોલેજના પ્રિન્સીપાલો ચેન્નઇ આવીને લોકોની અરજીઓ લઇને નાણા ભેગા કરવાનો ઉલ્લેખ કરતા તેમણે કહ્યું કે, તેઓ ત્રણ વર્ષ પછી લોકોને વકીલાતની ડીગ્રી આપી દે છે. તેનાથી કાયદાના અભ્યાસની ગુણવત્તા કથળે છે કલાસમાં ભણ્યા વગર જ લોકો વકીલાતની ડીગ્રી મેળવી લે છે.

 

(1:45 pm IST)