મુખ્ય સમાચાર
News of Saturday, 29th January 2022

સોમવારથી સંસદનું સત્ર : મંગળવારે સામાન્‍ય બજેટ

૩૧મીએ સવારે ૧૧ વાગ્‍યે બજેટ સત્રનો પ્રારંભ : રાષ્‍ટ્રપતિ બંને ગૃહોની સંયુક્‍ત બેઠકને સંબોધન કરશે : સત્ર ૧૧ ફેબ્રુ. સુધી ચાલશે : રાષ્‍ટ્રપતિના પ્રવચન બાદ રજુ થશે આર્થિક સર્વેક્ષણ : ૧લી ફેબ્રુઆરીએ ૧૧ વાગ્‍યે બજેટ રજુ કરશે નાણામંત્રીઃ કોંગ્રેસ ખેડૂતો, ચીનની ઘુસણખોરી કોરોના પીડિતોને રાહત જેવા મામલે સરકારનું નાક દબાવશે

નવી દિલ્‍હી તા. ૨૯ : ૩૧ જાન્‍યુઆરીથી શરૂ થતા સંસદના બજેટ સત્રમાં ફરી એકવાર કોરોના પ્રોટોકોલ લાગુ કરવામાં આવશે. રાજ્‍યસભાની કાર્યવાહી સવારે ૯ વાગ્‍યાથી અને લોકસભાની કાર્યવાહી સાંજે ૪ વાગ્‍યાથી શરૂ થશે. એ પહેલા ૩૧ જાન્‍યુઆરીએ ૧૧ વાગ્‍યે રાષ્‍ટ્રપતિનું અભિભાષણ થશે જેના પછી આર્થિક સર્વેક્ષણ રજૂ કરવામાં આવશે. પહેલી ફેબ્રુઆરીએ નાણાકીય વર્ષ ૨૦૨૨-૨૩નું સામાન્‍ય બજેટ રજૂ કરાશે, નવા કોરોના પ્રોટોકોલ બીજી ફેબ્રુઆરીથી લાગુ થશે.
લોકસભા સચિવાલય અનુસાર ૩૧ જાન્‍યુઆરીએ રાષ્‍ટ્રપતિ રામનાથ કોવિંદ સંસદના બન્‍ને સદનોની સંયુકત બેઠકને ૧૧ વાગ્‍યે સંબોધિત કરશે. ૧ ફેબ્રુઆરી ૨૦૨૨ના દિવસે નાણાપ્રધાન નિર્મલા સીતારમણ સામાન્‍ય બજેટ સંસદમાં રજૂ કરશે. નાણાપ્રધાન એનડીએ સરકારના બીજા કાર્યકાળનું અને પોતાનું ચોથું બજેટ રજૂ કરશે.
ઉલ્લેખનિય છે કે બજેટ સત્ર પહેલા જ રાજ્‍યસભાના ચેરમેન અને ઉપરાષ્‍ટ્રપતિ એમ. વેંકૈયાનાયડુ કોરોનાથી સંક્રમિત થયા છે. તો સંસદના ૮૭૫ કર્મચારીઓ પણ કોરોનાની ઝપટમાં આવી ચૂક્‍યો છે. ઉપરાષ્‍ટ્રપતિ સચિવાલયે એક દિવસ પહેલા ટવીટ કરીને જણાવ્‍યું હતું કે, હૈદરાબાદમાં ઉપરાષ્‍ટ્રપતિ સંક્રમિત થયા છે અને ત્‍યાર પછી તેમણે પોતાને એક અઠવાડિયા માટે ક્‍વોરન્‍ટાઇન કરી લીધા છે.
લોકસભા અને રાજ્‍યસભા આગામી બજેટ સત્ર દરમિયાન કોરોના સંક્રમણને ધ્‍યાનમાં રાખીને સોશ્‍યલ ડીસ્‍ટન્‍સ સુનિヘતિ કરવા માટે અલગ અલગ સમયે સંચાલિત થશે. બજેટ સત્ર ૩૧ જાન્‍યુઆરીથી શરૂ થઇને ૧૧ ફેબ્રુઆરી સુધી ચાલશે. લોકસભામાં ૧ ફેબ્રુઆરી સવારે ૧૧ વાગ્‍યે બજેટ રજૂ થશે અને તેના આગલા દિવસથી લોકસભા સાંજે ૪ થી ૯ વાગ્‍યા સુધી સંચાલિત થશે.
૧૨ ફેબ્રુઆરીથી એક મહિનો રજા રહેશે અને બજેટ સત્રનો બીજો તબક્કો ૧૪ માર્ચથી શરૂ થશે જે આઠ એપ્રિલ સુધી ચાલશે. આ દરમિયાન યુપી સહિત પાંચ રાજ્‍યોની ચુંટણી થશે અને તેના પરિણામો આવશે. બીજા તબક્કામાં તેની અસર જોવા મળશે.
કોંગ્રેસ સંસદના બજેટ સત્રમાં મોંઘવારી, બેરોજગારી અને સરહદ પર વધી રહેલી ચીનની આક્રમકતાની સાથે લોકોની આવકમાં વધી રહેલી વિષમતાના મુદ્દા પર ભાજપાને ઘેરવાની કોશિષ કરશે. પક્ષ આના માટે અન્‍ય પક્ષોનો પણ સાથ લેશે. કોંગ્રેસ અધ્‍યક્ષ સોનિયા ગાંધીની આગેવાનીમાં શુક્રવારે પક્ષની સંસદીય રણનીતિ ગ્રુપની બેઠક થઇ હતી. જેમાં બજેટ સત્રમાં વિપક્ષી સમન્‍વય દ્વારા આવકમાં વિષમતાના કારણે કરોડો લોકો ફરીથી ગરીબી રેખા નીચે ચાલ્‍યા જવા ઉપરાંત ચીની પડકારો પર ચર્ચાનું દબાણ ઉભું કરવાને પ્રાથમિકતા આપવાનો નિર્ણય થયો હતો.
સંસદમાં સરકારને ઘેરવાના પ્રયાસોમાં તૃણમૂલ કોંગ્રેસ બહુ અગ્રેસર રહી છે. પણ ગત શિયાળુ સત્ર દરમિયાન ખટપટના કારણે કોંગ્રેસ અને તૃણમૂલ વચ્‍ચે સમન્‍વય નહોતો થયો. આમ તો તૃણમૂલનું વલણ આ મુદ્દાઓ પર કંઇ અલગ નથી એટલે કોંગ્રેસને આશા છે કે તૃણમૂલ ભલે સીધો સમન્‍વય ના કરે પણ આ મુદ્દાઓ પર તે પણ સરકાર પર હુમલો તો કરશે જ.

 

(10:21 am IST)