મુખ્ય સમાચાર
News of Tuesday, 28th June 2022

એક બ્રોકરેજ કંપનીના ભળતા નામની વેબસાઇટ બનાવીને રોકાણકારોને ઓનલાઇન ઠગવાનો પ્રયાસ કરનાર એક મહિલાને LCBએ ઝડપી : મહિલા મુળ મુંબઇની હોવાનું અને કોમોડિટી માર્કેટ સાથે સંકળાયેલી હોવાનું પોલીસની પ્રાથમિક તપાસમાં ખુલ્યુ

યુવતીએ જ ઉપરોક્ત ભળતા નામની વેબસાઇટ બનાવી રોકાણકારોને છેતરવાનો કારસો રચ્યો હોવાનું બહાર આવ્યુ હતું.

શેરબજાર સાથે સંકળાયેલી એક બ્રોકરેજ કંપનીના ભળતા નામની વેબસાઇટ બનાવીને રોકાણકારોને ઓનલાઇન ઠગવાનો પ્રયાસ કરનાર એક મહિલાને LCBએ ઝડપી લીધી છે.

આ મહિલા મુળ મુંબઇની હોવાનું અને કોમોડિટી માર્કેટ સાથે સંકળાયેલી હોવાનું પોલીસની પ્રાથમિક તપાસમાં ખુલ્યુ છે. તેણે બ્રોકરેજ કંપનીની ભળતા નામની વેબસાઇટ બનાવ્યા ઉપરાંત તે બ્રોકરેજ કંપનીના સેબીના રજીસ્ટર નંબરનો પણ બોગસ બ્રોકરેજ વેબસાઇટમાં ઉપયોગ કર્યો હતો. જોકે, પોલીસની પ્રાથમિક તપાસમાં આ ઠગ મહિલાના સકંજામાં સદભાગ્યે કોઇ રોકાણકાર ફસાયો નથી. તેની સાથે અન્ય કોણકોણ સંકળાયેલા છે તે મામલે LCBએ તપાસ લંબાવી છે.

તાજેતરમાં ગિફ્ટ સિટી ખાતે આવેલ કિફ્સ બ્રોકિંગ નામની શેરબજાર સાથે સંકળાયેલી કંપનીમાં લીગલ મેનેજર તરીકે ફરજ બજાવતા તુષાર શાહે અજાણ્યા શખ્સો સામે આઇટી એક્ટ હેઠળ ફરિયાદ નોંધાવી હતી. આ શખ્સોએ WWW.KIFSBROKERAGE.COM નામની વેબસાઇટ પોર્ટલ બનાવ્યુ હતું અને તેમાં સેબી રજીસ્ટર નંબર તરીકે તુષાર શાહની કંપનીનો નંબર દર્શાવ્યો હતો. તુષાર શાહની કિફ્સ બ્રોકિંગ કંપની ગિફ્ટ સિટી ખાતે કાર્યરત છે. તે શેરબજાર સાથે છેલ્લા ૩૫ વર્ષથી સંકળાયેલી છે. ઉપરોક્ત વેબસાઇટ પોર્ટલ તેમના ધ્યાનમાં આવતા ચોંકી ઉઠયા હતા. આ પ્રકારનું વેબપોર્ટલ કે વેબસાઇટ તેઓની કંપની દ્વારા બનાવવામાં આવ્યુ નહતું. પરંતુ તેમાં સેબી રજીસ્ટર નંબર તેમની કંપનીનો હોવાનું જણાયુ હતું. આથી કોઇ શખ્સોએ તુષાર શાહની કંપનીના ભળતા નામે વેબપોર્ટલ વેબસાઇટ બનાવી છેતરપીંડી કરવાનો કારસો રચ્યો હોવાનું તેમના ધ્યાનમાં આવ્યુ હતું.

આ પ્રકારની મોડસ ઓપરેન્ડીથી આ શખ્સો શેરબજારમાં રોકાણકરવા ઇચ્છતા રોકાણકારોને ઓનલાઇન પેમેન્ટ કરાવી છેતરપીંડી કરવાના ફિરાકમાં હતા. આ માટે તેઓેએ બંધન બેંકમાં એકાઉન્ટ પણ ખોલાવ્યુ હતુંઅને વેબસાઇટ પર ટોલફ્રિન નંબર પણ આપ્યો હતો. આ ઘટના મામલે ડભોડા પોલીસમાં અજાણ્યા શખ્સો સામે નોંધાયેલી ફરિયાદ બાદ LCB-૨ના પોલીસ ઇન્સપેક્ટર જે.એચ.સિંધવે તપાસનો દોર સંભાળ્યો હતો. LCBના ટેકનીકલ જાણકાર કોન્સ્ટેબલ જિતેન્દ્રસિંહ પ્રવિણસિંહે આ મામલે વેબસાઇટ, ઇમેઇલ, બેંક ડિટેઇલન્સ સહિતના વિવિધ પાસાની તપાસ કરતા મહારાષ્ટ્રના પનવેલ, મધ્યપ્રદેશના ઇન્દોર ખાતેથી ઓપરેટ થતું હોવાનુ જણાયુ હતું. આ પાછળ એક મહિલા હોવાની શંકા પ્રબળ બની હતી. તેની હાજરી વડાદરો ખાતે પણ જોવા મળી હતી. આથી LCBની ટીમ વડોદરા ખાતે પહોંચી હતી અને આ મામલે એક યુવતી જયદેવી વ્યંકટરાવ નારાયણ લંગુટે (માળી) (રહે. ગેટ નંબર-1, મકાન મનંબર-12, તહુરાપાર્ક, તાંદલજા, વડોદરા) મળી આવી હતી. જેની ધરપકડ કરવામાં આવી હતી. પોલીસની પ્રાથમિક તપાસમાં આ યુવતી લાતુર જિલ્લાના નિલંગા ગામની હોવાનું ખુલ્યુ હતું. આ યુવતીએ જ ઉપરોક્ત ભળતા નામની વેબસાઇટ બનાવી રોકાણકારોને છેતરવાનો કારસો રચ્યો હોવાનું બહાર આવ્યુ હતું.

આ મામલે LCB પોલીસ ઇન્સપેક્ટર જે.એચ.સિંધવે જણાવ્યુ હતું કે, યુવતી અગાઉ મુંબઇ પનવેલમાં ગુરુ કોમોડિટી નામની ઓફિસ શરૂ કરી હતી અને ત્યારબાદ તે ઇન્દોર, સુરત અને છેલ્લા વડોદરા ખાતે નોકરી કરતી હતી. તેણી શેરબજાર અને કોમોડિટી બજારની માહિતગાર છે. ભળતા નામની વેબસાઇટ મારફત તેણે રોકાણકારોને ઓનલાઇન પેમેન્ટ કરાવી છેતરપીંડી આચરવાનો પ્રયાસ કર્યો હતો. જોકે, પ્રાથમિક તપાસમાં આ જાળમાં કોઇ રોકાણકાર ફસાય તે પુર્વે તેની સામે ગુનો દાખલ થયો હતો અને પોલીસે તેની ધરપકડ કરી હતી. આ યુવતી સાથે અન્ય કોઇ સંકળાયેલા છે કે નહી તેની પણ પોલીસ તપાસ ચલાવી રહી છે.

 

(1:07 am IST)