મુખ્ય સમાચાર
News of Sunday, 28th February 2021

પશ્ચિમ બંગાળમાં સંયુક્ત મોરચો બન્યા પહેલા જ ડખ્ખા શરૂ : મંચ છોડી ભાગ્યા અધીરંજન ચૌધરી

બ્રિગેડસભાના અંત સુધીમાં કોંગ્રેસ અને ISFએ આખું વાતાવરણ બગાડ્યું અધિરરંજન ચૌધરી ભાષણ આપી રહ્યા હતા ત્યારે જ વધુ ટિકિટ માટે દબાણ ઉભું કરાયું

પશ્ચિમ બંગાળમાં ભારતીય જનતા પાર્ટીઅને તૃણમુલ કોંગ્રેસ વિરુદ્ધ કોંગ્રેસ, ડાબેરી અને ભારતીય સેક્યુલર મોરચાના અબ્બાસ સિદ્દીકીનો સંયુક્ત મોરચો રચાયો છે. સંયુક્ત મોરચો આગળ વધે એ પહેલા જ ડખ્ખા શરૂ થયા છે

 વિધાનસભાની ચૂંટણીની તારીખો જાહેર થયા બાદ કોંગ્રેસ, ડાબેરી અને ISFની પહેલી બ્રિગેડસભા હતી. બ્રિગેડસભામાં મોટી સંખ્યામાં કોંગ્રેસ, ડાબેરીઓ અને ISF સમર્થકો એકઠા થયા હતા. સમર્થકોની હાજરીથી વિરોધી પક્ષો ઉત્સાહિત હતા, પરંતુ બ્રિગેડસભાના અંત સુધીમાં કોંગ્રેસ અને ISFએ આખું વાતાવરણ બગાડ્યું. આ સંયુક્ત મોરચામાં ડાબેરીઓએ અબ્બાસ સિદ્દીકીને 30 બેઠકો આપવાની ઘોષણા કરી છે, જ્યારે અબ્બાસ સિદ્દીકી કોંગ્રેસ પાસે વધુ 12 બેઠકોની માંગ કરી રહ્યા છે, પરંતુ કોંગ્રેસ તે આપવા તૈયાર નથી. અબ્બાસ સિદ્દીકીએ બેઠકો માટે મંચ પરથી જ કોંગ્રેસ પર દબાણ ઉભું કર્યું હતું.

 

સંયુક્ત મોરચાની આ બ્રિગેડસભામાં કોંગ્રેસના નેતા અધિરરંજન ચૌધરી ભાષણ આપી રહ્યા હતા. તે જ સમયે ISF નેતા અબ્બાસ સિદ્દીકી સ્ટેજ પર ઉભા થયા અને ડાબેરી નેતાઓએ અબ્બાસ સિદ્દીકીનું સ્વાગત કરવાનું શરૂ કર્યું. તેનાથી નારાજ થઈને અધિરરંજન ચૌધરીએ કહ્યું હતું કે તેઓ આ સભાને સંબોધિત નહીં કરે અને મંચ પરથી નીચે ઉતરી ચાલતી પકડી હતી. ત્યાં હાજર વિમાન બાસુ અને ડાબેરી નેતાઓએ અધિરરંજન ચૌધરીને સમજાવવાના પ્રયત્નો કર્યા અને અંતે અધિરરંજન ચૌધરી માની ગયા અને ફરી સભાને સંબોધવાનું શરૂ કર્યું.

(6:45 pm IST)