મુખ્ય સમાચાર
News of Sunday, 28th February 2021

જમ્‍મુ-કાશ્‍મીરમાં શેર એ ગુજ્જર એવોર્ડથી સન્‍માનિત કોંગ્રેસના દિગ્‍ગજ નેતા ગુલાબનબી આઝાદે પ્રધાનમંત્રી મોદીની ભરપુર પ્રસંશા કરી

જમ્‍મુ-કાશ્‍મીરના પ્રવાસ દરમિયાન ગુલાબનબી આઝાદનું શેરએ ગુજ્જર એવોર્ડથી સન્‍માન પ્રસંગે ભાવુક હૃદયે કહ્યું આપણે આપણી ભુતકાળની સરસાઇને કદી છુપાવવી ન જોઇએ.

શ્રીનગર: કોંગ્રેસ ના દિગ્ગજ નેતા ગુલામ નબી આઝાદ જમ્મુ અને કાશ્મીરના ત્રણ દિવસના પ્રવાસે છે. ગુજ્જર દેશ ચેરિટેબલ ટ્રસ્ટે રવિવારે તેમને શેર એ ગુજ્જર એવોર્ડથી સન્માનિત કર્યા. આ દરમિયાન ગુલામ નબી આઝાદે પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદીના વખાણ કર્યા અને કહ્યું કે આપણે આપણી સચ્ચાઈ હંમેશા જણાવવી જોઈએ. 

ગુલામ નબી આઝાદે કહ્યું કે 'હું ગામડામાંથી આવું છું અને મને ગર્વ મહેસૂસ થાય છે. આપણા પ્રધાનમંત્રી પણ કહે છે કે મે વાસણો સાફ કર્યા અને ચા વેચી. આપણે આપણી સચ્ચાઈ હંમેશા જણાવવી જોઈએ. કારણ કે આપણે તેની સાથે છીએ. હું મોટી મોટી જગ્યાએ ગયો. 5 સ્ટાર ગયો, 7 સ્ટાર ગયો પરંતુ પોતાનો સમય યાદ કરીને મજા આવી જાય છે.'

ગુલામ નબી આઝાદે કેન્દ્ર સરકારને જમ્મુ અને કાશ્મીરમાં ગ્રાઉન્ડ સ્તર પર કામ કરવાની અપીલ કરી. તેમણે કહ્યું કે 'દિલ્હીમાં સરકારને કહીશ કે જમીન સ્તરે કામ થવું જોઈએ. ઈન્ડસ્ટ્રી બંધ છે અને ટેક્સ ખુબ લાગી રહ્યા છે. અમારા રાજ્યની આવક ઝીરો થઈ ગઈ છે. આર્થિક સ્થિતિ ઠીક કરવી પડશે અને રાજ્યનો વિકાસ કરવાનો રહેશે. આ માટે 3-4 ગણો પૈસો દિલ્હીથી આવવો જોઈએ. જમ્મુના રસ્તાઓ પર હું ફર્યો છું, ત્યાં રસ્તાઓની હાલત ખરાબ થઈ ગઈ છે. કાગળ પર તો ખુબ વિકાસ દેખાય છે, પરંતુ જમીન પર દેખાતો નથી.'

જમ્મુ કાશ્મીર પ્રવાસ અંગે ગુલામ નબી આઝાદે કહ્યું કે છેલ્લા 3-4 દિવસથી તો હું ત્રણ ચાર કલાક જ સૂઈ જઉ છું. અલગ અલગ ડેલિગેશનને મળું છું. કોરોનામાં ખુબ આરામ કર્યો, હવે ડબલ શિફ્ટમાં કામ કરું છું અને સવારે 7 વાગ્યાથી અલગ અલગ લોકોને જઈને મળું છું. તેમણે કહ્યું કે કોવિડ-19ના કારણે દોઢ વર્ષ સુધી બહાર ગયો નથી. હવે જમ્મુ કાશ્મીર આવ્યો છું. 

(4:53 pm IST)