મુખ્ય સમાચાર
News of Sunday, 27th November 2022

દિલ્હી સરકારના પૂર્વ મંત્રી સત્યેન્દ્ર જૈન જેલમાં કઈ રીતે જલસા કરે છે તેનો નવો વીડિયો વાયરલ થયો

જેલના કર્મચારીઓ દિલ્હીના મંત્રી અને આમ આદમી પાર્ટીના નેતા સત્યેન્દ્ર જૈનના સેલની સફાઈ કરતા જોવા મળી રહ્યા છે, તે જ સમયે, સત્યેન્દ્ર જૈન તેમના સેલમાં કેટલાક લોકો સાથે વાત કરતા જોવા મળે છે

નવી દિલ્હીઃ એક તરફ ગુજરાત વિધાનસભા ચૂંટણીઓમાં આમ આદમી પાર્ટી અને તેના સંયોજક કેજરીવાલ જોરશોરથી સોશિયલ મીડિયામાં પ્રચાર પ્રસાર કરી રહ્યાં છે. પણ બીજી તરફ AAP ના જ દિલ્હી સરકારના પૂર્વ મંત્રી સત્યેન્દ્ર જૈનનો જેલમાં જલસાનો એક બાદ એક વીડિયો સામે આવી રહ્યો છે. જે હવે ગુજરાતની ચૂંટણી ટાણે કેજરીવાલના સોશિયલ મીડિયા અભિયાનને ભારે પડી રહ્યો છે. ફરી એકવાર આમ આદમી પાર્ટીના નેતા અને દિલ્હી સરકારના પૂર્વ મંત્રી સત્યેન્દ્ર જૈન જેલમાં કઈ રીતે જલસા કરે છે તેનો નવો વીડિયો વાયરલ થયો છે. ત્યારે સોશિયલ મીડિયા પર પણ એ સવાલ ઉઠી રહ્યાં છેકે, સત્યેન્દ્ર જૈન જેલમાં છેકે, ગેસ્ટ હાઉસમાં?

બીજી તરફ દિલ્હી મ્યુનિસિપલ કોર્પોરેશન (MCD)ની ચૂંટણીઓ વચ્ચે ભાજપ અને કોંગ્રેસ દિલ્હી સરકારને ઘેરવામાં વ્યસ્ત છે. દરમિયાન, રવિવારે દિલ્હીની તિહાર જેલમાં બંધ અરવિંદ કેજરીવાલ સરકારના મંત્રી સત્યેન્દ્ર જૈનનો વધુ એક સીસીટીવી વીડિયો સામે આવ્યો છે, જેમાં જેલના કર્મચારીઓ દિલ્હીના મંત્રી અને આમ આદમી પાર્ટીના નેતા સત્યેન્દ્ર જૈનના સેલની સફાઈ કરતા જોવા મળી રહ્યા છે. તે જ સમયે, સત્યેન્દ્ર જૈન તેમના સેલમાં કેટલાક લોકો સાથે વાત કરતા જોવા મળે છે.

મની લોન્ડરિંગ કેસમાં જેલમાં બંધ દિલ્હી સરકારના મંત્રી સત્યેન્દ્ર જૈનના CCTV વીડિયો આમ આદમી પાર્ટીને અસહજ કરી રહ્યા છે. ગઈકાલે પણ એક વીડિયો બહાર આવ્યો હતો, જે 12 સપ્ટેમ્બરનો છે. આમાં જૈન સેલમાં જેલ નંબર સાતના તત્કાલીન સુપરિન્ટેન્ડેન્ટ અજીત કુમાર સાથે વાત કરતા જોવા મળે છે. 14 નવેમ્બરે અજીત કુમારને દિલ્હી સરકારના ગૃહ વિભાગે સસ્પેન્ડ કરી દીધા હતા. આરોપ છે કે જેલ નંબર સાતમાં કેદીઓને ગેરકાયદે સુવિધાઓ પૂરી પાડવામાં આવતી હતી. આ મામલે જેલ સુપ્રિટેન્ડેન્ટની ભૂમિકાની તપાસ કરવામાં આવી રહી છે.

19 નવેમ્બરે સત્યેન્દ્ર જૈન સેલમાં મસાજ કરાવતા હોવાનો વીડિયો સામે આવ્યો હતો. જાણીને અચરજ થશે કે સત્યેન્દ્ર જૈનને માલિશ કરનાર કેદી પર તેની જ સગીર પુત્રી પર દુષ્કર્મ કરવાનો આરોપ છે. જેના પર ભાજપના નેતાઓએ આમ આદમી પાર્ટીને ભીંસમાં લીધી હતી. આ પછી, 23 નવેમ્બરના રોજ, સેલમાં જૈનનો ભોજન કરતો વીડિયો પ્રસારિત થયો. જેમાં જૈનોએ પોલીથીનમાં ભોજન કર્યું હતું. ભાજપના નેતાઓએ જૈનોને જેલમાં ઘર જેવી સુવિધા આપવા સહિત અન્ય અનેક આરોપો લગાવ્યા હતા.

(12:20 pm IST)