મુખ્ય સમાચાર
News of Thursday, 26th November 2020

લક્ષ્મી વિલાસ બેન્ક અને ડીબીએસ બેન્કના મર્જર વિરુદ્ધ સ્ટે આપવાનો બોમ્બે હાઇકોર્ટનો ઇન્કાર : ઇન્ડિયાબુલ્સ ફાઇનાન્સ તથા અન્ય શેરહોલ્ડરોની માંગણી ફગાવી

મુંબઈ : લક્ષ્મી વિલાસ બેન્કનું આવતીકાલ 27 નવેમ્બરથી  ડીબીએસ બેંકમાં મર્જર થઇ રહ્યું છે.તે અટકાવવા તાત્કાલિક સ્ટે આપવા  ઇન્ડિયાબુલ્સ ફાઇનાન્સ હાઉસિંગ લિમિટેડ તથા અન્ય શેરહોલ્ડરોની માંગણી બોમ્બે હાઇકોર્ટે ફગાવી દીધી છે.

સીનીઅર એડવોકેટ ડેરિયસ ખંભાતા તથા દિન્યાર મદન એ જણાવ્યું હતી કે રિઝર્વ બેંકે લક્ષ્મી વિલાસ બેન્કને  ડીપોઝીટરોના હિતનું રક્ષણ કરવા તથા તેમની આર્થિક પરિસ્થિતિને આંચ ન આવે તે  જોવા 30 દિવસનો સમય આપ્યો હતો.

આથી લક્ષ્મી વિલાસ બેંકમાં શેર હિસ્સો ધરાવતા ઇન્ડિયાબુલ્સનની શેર કેપિટલ માંડવાળ થઇ જવાથી શેરહોલ્ડરોને નુકશાન જશે .કેન્દ્ર સરકારે શેરહોલ્ડરો કે લોકોનો અભિપ્રાય લીધા વિના મર્જરની મંજૂરી આપી દીધી છે.

સામે પક્ષે આરબીઆઇ ના એડવોકેટ રવિ કદમે દલીલ કરતા જણાવ્યું હતું કે કાયદા મુજબ રિઝર્વ બેન્કને આ નિર્ણય લેવાનો અધિકાર છે.જો આ નિર્ણય લેવાય નહીં તો લક્ષ્મી વિલાસ બેન્કના 20 લાખ જેટલા ગ્રાહકોને નુકશાન થાય તેમ હતું.

બંને પક્ષોની દલીલ સાંભળ્યા બાદ નામદાર કોર્ટે વચગાળાનો સ્ટે આપવાનો ઇન્કાર કરી ફાઇનલ હિઅરીંગ વખતે નિર્ણય લેવાશે તેમ જણાવ્યું હતું.તેવું બી.એન્ડ બી.દ્વારા જાણવા મળે છે.

(8:25 pm IST)