મુખ્ય સમાચાર
News of Thursday, 26th November 2020

પાકિસ્તાનના ૬ ક્રિકેટરોને કોરોના : પ્રોટોકોલનો ભંગ કર્યો હતો

પાક.ની ટીમ ન્યુઝીલેન્ડના પ્રવાસે છે, ક્રાઈસ્ટ ચર્ચમાં કવોરન્ટાઈનમાં છે : આઈસોલેશનના પ્રથમ જ દિવસે ખેલાડીઓએ નિયમોનો ભંગ કરેલો, છ માંથી ચાર ખેલાડીઓને કોરોના હોવાનું કન્ફર્મ : બાકીના ખેલાડીઓ ટ્રેનીંગ પણ નહિં કરી શકે, આકરા નિયમો લાદયા

નવી દિલ્હી : પાકિસ્તાની ક્રિકેટ ટીમ હાલમાં ન્યૂઝીલેન્ડના પ્રવાસે છે. ૧૮મી ડિસેમ્બરથી બંને વચ્ચેની સિરીઝનો પ્રારંભ થનારો છે પરંતુ હાલમાં પાકિસ્તાની ટીમ કોરોનાના પ્રોટોકોલ હેઠળ ક્રાઇસ્ટચર્ચમાં કોરોન્ટાઈન છે. આ ગાળામાં ટીમના કેટલાક ખેલાડીએ પ્રોટોકોલનો ભંગ કર્યો હતો અને છ ખેલાડી કોરોનામાં પોઝિટિવ આવ્યા છે. આઇસોલેશનના પહેલા જ દિવસે ખેલાડીઓએ નિયમોનો ભંગ કર્યો હતો. આ ખેલાડીઓમાં શાહિદ અસ્લમ, મોહમ્મદ હાફીઝ, મોહમ્મદ રિઝવાન, બાબર આઝમ તથા અન્ય બે ખેલાડીનો સમાવેશ થાય છે.

ન્યૂઝીલેન્ડ ક્રિકેટ બોર્ડે એક યાદીમાં જણાવ્યું હતું કે છ ખેલાડીમાંથી ચારને કોરોના પોઝિટિવ આવ્યો હોવાનું કન્ફર્મ છે. આ ખેલાડીને હવે આઇસોલેશનની સવલતમાંથી કોરોન્ટાઈન કરવાના રહેશે.

આ સાથે જ પાકિસ્તાની ટીમ પર કેટલાક નિયંત્રણ આવી ગયા છે. અગાઉ આઇસોલેશન દરમિયાન પાકિસ્તાની ટીમને ટ્રેનિંગની મંજૂરી આપવામાં આવી હતી પરંતુ હવે તે સ્થગિત કરી દેવામાં આવી છે અને આ મામલે તપાસ હાથ ધરાશે. તપાસ પૂરી થાય નહીં ત્યાં સુધી પ્રવાસી ટીમને પ્રેકિટસ કરવા દેવામાં આવશે નહીં.

પાકિસ્તાની ટીમ ન્યૂઝીલેન્ડ માટે રવાના થઈ તે અગાઉ લાહોરમાં તમામ ખેલાડીના કુલ મળીને ચાર ટેસ્ટ કરાવાયા હતા અને એ તમામમાં નેગેટિવ આવ્યા બાદ જ ખેલાડી ન્યૂઝીલેન્ડ માટે રવાના થયા હતા.

કોરોના અને ત્યાર બાદના લોકડાઉન બાદ પાકિસ્તાની ટીમ બીજો પ્રવાસ ખેડી રહી છે. અગાઉ તેઓ ઇંગ્લેન્ડના પ્રવાસે ગયા હતા.

પાકિસ્તાની ટીમ તેની પહેલી મેચ ૧૦મી ડિસેમ્બરે રમશે અને ૧૯મી ડિસેમ્બરથી તેની ઇન્ટરનેશનલ સિરીઝ શરૂ થશે. પાકિસ્તાન અને ન્યૂઝીલેન્ડ વચ્ચે ત્રણ ટી૨૦ અને બે ટેસ્ટ મેચ રમાશે.

ન્યૂઝીલેન્ડ ક્રિકેટ બોર્ડે જણાવ્યું હતું કે અમને જાણ થઈ હતી કે પ્રવાસી ટીમના કેટલાક ખેલાડીએ પ્રોટોકોલનો ભંગ કર્યો છે. હવે અમે આ મામલે સહકાર આપવા માટે પાકિસ્તાની ટીમ મેનેજમેન્ટને વિનંતી કરી છે.

(3:31 pm IST)