મુખ્ય સમાચાર
News of Thursday, 26th November 2020

ભારતમાં લાંચ-રૂશ્વતનો દર ૩૯ ટકા છેઃ ૪૭ ટકાના મતે ૧૨ મહિનામાં ભ્રષ્ટાચાર વધ્યોઃ સરકારી સુવિધાઓ મેળવવા ખાનગી કનેકશનનો ભરપૂર ઉપયોગ

એશિયામાં સૌથી વધુ ભ્રષ્ટાચાર ભારતમાં: આંકડા ચોંકાવનારા

દર ૪માંથી ૩ લોકો માને છે કે સરકારી ભ્રષ્ટાચાર સૌથી મોટી સમસ્યાઃ ભારતમાં પોલીસના સંપર્કમાં આવેલા ૪૨ ટકા લોકોએ લાંચ આપી

નવી દિલ્હી, તા. ૨૬ :. લાંચ-રૂશ્વતના મામલામાં ભારતની સ્થિતિ એશીયામાં સૌથી ખરાબ છે. અહીં લાંચ-રૂશ્વતનો દર ૩૯ ટકા છે. ટ્રાન્સપરન્સી ઈન્ટરનેશનલના એક સર્વે અનુસાર ફકત ૪૭ ટકા લોકો માને છે કે છેલ્લા ૧૨ મહિનામાં ભ્રષ્ટાચાર વધ્યો છે. ૬૩ ટકા લોકોનો મત છે કે સરકાર ભ્રષ્ટાચારને નિપટવામાં સારૂ કામ કરી રહી છે. સર્વે અનુસાર ભારતમાં સરકારી સુવિધાઓ માટે ૪૬ ટકા લોકો ખાનગી કનેકશનનો સહારો લે છે. રીપોર્ટ જણાવે છે કે લાંચ આપનારા લગભગ અડધા લોકો પાસેથી લાંચ માંગવામાં આવી હતી. તો ખાનગી કનેકશનનો ઉપયોગ કરનારામાંથી ૩૨ ટકાએ કહ્યુ હતુ કે જો અમે આવુ ન કરીએ તો અમારૂ કામ ન થાય.

ભારત બાદ સૌથી વધુ લાંચ-રૂશ્વત કંબોડીયામાં છે જ્યાં ૩૭ ટકા લોકો લાંચ આપે છે. જ્યારે ત્રીજા ક્રમે ૩૦ ટકા સાથે ઈન્ડોનેશીયા છે. માલદીવ અને જાપાનમાં લાંચનો દર એશીયામાં સૌથી ઓછો છે જ્યાં ફકત ૨ ટકાનો દર છે. સર્વેમાં પાકિસ્તાનને સામેલ નથી કરાયું.

ગ્લોબલ કરપ્શન બેરોમીટર એશીયાના નામથી પ્રકાશિત સર્વે રીપોર્ટમાં ૧૭ દેશોના ૨૦ હજાર લોકોને સવાલ પુછાયા હતા. આ સર્વે જૂન અને સપ્ટેમ્બર વચ્ચે થયો છે. તેઓને છેલ્લા ૧૨ મહિનામાં ભ્રષ્ટાચારના અનુભવોની માહિતી આપવા જણાવાયુ હતું. દર ૪માંથી ૩ લોકો માને છે કે તેમના દેશમાં સરકારી ભ્રષ્ટાચાર સૌથી મોટી સમસ્યા છે. દર ૩માંથી ૧ વ્યકિત પોતાના સાંસદોને સૌથી ભ્રષ્ટ વ્યકિત તરીકે જુએ છે. મલેશિયા, ઈન્ડોનેશીયા અને થાઈલેન્ડમાં સેકસ્યુઅલ એકસટોર્સનના મુદ્દાને પણ ઉઠાવાયો હતો.

ભારતમાં જે લોકોનો સર્વે થયો તેમાથી પોેલીસના સંપર્કમાં આવેલા ૪૨ ટકા લોકોએ લાંચ આપી હતી. ઓળખપત્ર જેવા સરકારી દસ્તાવેજ મેળવવા માટે પણ ૪૧ ટકા લોકોએ લાંચ આપી હતી. ખાનગી કનેકશનનો ઉપયોગ કરી કામ કઢાવવાના મામલા પોલીસ ૩૯ ટકા, આઈડી મેળવવા ૪૨ ટકા અને અદાલતી મામલા ૩૮ ટકા સાથે જોડાયેલા હતા. ભ્રષ્ટાચારની માહિતી આપવી મહત્વની છે પરંતુ ૬૩ ટકા લોકો તેના અંજામથી ડરે છે તેવુ સર્વેમાં જણાયુ હતું.

(11:02 am IST)