મુખ્ય સમાચાર
News of Thursday, 26th November 2020

કોરોના કહેર યથાવત : આજે ૨૮ કેસ : ૫ના મોત

શહેરના કુલ કેસ ૧૦૪૭૪ થયા તેની સામે ૯૫૯૯ સાજા થયા : ગઇકાલે ૮૩ દર્દીઓને રજા અપાઇ : રિકવરી રેટ વધ્યો આજે ૯૧.૮૯ ટકા : પોઝિટિવ રેટ ૪૨.૪૭ ટકા થયો : કોવિડ હોસ્પિટલોમાં ૧૯૭૦ બેડ ઉપલબ્ધ

રાજકોટ તા. ૨૬ : શહેરમાં દિવાળીના તહેવારો બાદ ફરી કોરોના સંક્રમણ વધવા લાગ્યું છે. તંત્રએ કાબુ મેળવવા રાત્રી કર્ફયુ, ચા-પાનની દુકાનોને સીલ કરવા સહિતના કડક પગલા લેવાનું શરૂ કર્યું છે. આમ છતાં કોરોનાના કેસ વધી રહ્યા છે. આજે બપોરે ૧૨ સુધીમાં ૨૮ નવા કેસ નોંધાતા કુલ ૧૦૪૭૪ કેસ થયા છે. અને શહેર જિલ્લામાં કોરોના કહેર વચ્ચે વધુ ૫ વ્યકિતઓના જીવ ગયા છે. જોકે સરકારની કોવિડ ડેથ કમિટિએ આજે એક પણ કોવિડ ડેથ જાહેર નથી કર્યુ.

મ.ન.પા.ના આરોગ્ય તંત્રએ જાહેર કર્યા મુજબ આજે બપોરે ૧૨ વાગ્યા સુધીમાં નવા ૨૮ પોઝિટિવ કેસ નોંધાયા છે. આજે બપોરે વધુ ૨૮ કેસ નોંધાતા શહેરમાં આજ સુધીમાં કુલ ૧૦૪૭૪ કેસ થયા છે. તેની સામે ૯૫૯૯ લોકો સાજા થતાં રિકવરી રીટ ૯૧.૫૦ ટકા થયા છે અને પોઝિટિવ રેટ ૨.૪૭ ટકા છે. ગઇકાલે ૮૩ દર્દીઓને રજા અપાઇ હતી.

રાજકોટ : કોરોના સંક્રમણ મ.ન.પા. કચેરીમાં પણ ફેલાઇ રહ્યું છે ત્યારે મહત્વના એવા જનરલ એડમીનીસ્ટ્રેશન (જી.એ.ડી.) વિભાગના મુખ્ય અધિકારી શ્રી મેતાનો રીપોર્ટ પણ પોઝિટિવ આવતા તેઓ હોમ આઇસોલેટે થયા છે.

રાજકોટ : શહેરમાં કોરોના સંક્રમણ વધી રહ્યું હોઇ માઇક્રો કન્ટેન્ટમેન્ટ ઝોન ૮૪ થયા છે. જેમાં સોપાન હાઇટ સાધુ વાસવાણી રોડ, સોમનાથ સોસાયટી કીડવાઇનગર મેઇન રોડ, સાનિધ્ય ગ્રીન એપાર્ટમેન્ટ નાના મૌવા રોડ, સૂર્યોદય સોસાયટી કાલાવડ રોડ, ઓસ્કાર સિટી સાધુ વાસવાણી રોડ, સાકેત પાર્ક ૧૫૦ ફુટ રીંગ રોડ, પ્રગતિ સોસાયટી રૈયા રોડ, અમૃતધારા એપાર્ટમેન્ટ માસ્ટર સોસાયટી, મારૂતિનગર બિગબજાર પાસે, શાંતિનગર રૈયાધાર વિગેરે વિસ્તારોનો સમાવેશ થાય છે. જ્યારે ગ્રામ્ય વિસ્તારોમાં ૨૪૭ કન્ટેન્ટમેન્ટ ઝોન કાર્યરત છે. તેમ જિલ્લા આરોગ્ય તંત્રએ જાહેર કર્યું છે.

(2:49 pm IST)