મુખ્ય સમાચાર
News of Thursday, 26th November 2020

કેન્દ્રીય ગૃહમંત્રી આદિવાસીના ઘરે જમ્યા પણ ભોજન ફાઈવસ્ટાર હોટલમાંથી મંગાવ્યું : મમતા બેનર્જીનો આરોપ

મમતા બેનરજીએ કેન્દ્ર સરકાર સામે ભેદભાવના આરોપ લગાવ્યા

કોલકતા : પશ્ચિમ બંગાળમાં થનારી વિધાનસભાની ચૂંટણી પહેલાં ભારતીય જનતા પાર્ટી અને તૃણમૂલ કોંગ્રેસ વચ્ચે તલવારો ખેંચાઇ ચુકી છે. મુખ્યમંત્રી મમતા બેનરજીએ કેન્દ્ર સરકાર સામે ભેદભાવના આરોપ લગાવ્યા હતા. મમતાએ કહ્યું કે કેન્દ્ર સરકાર તરફથી પશ્ચિમ બંગાળને કોઇ મદદ મળતી નથી. માત્ર બંગાળ પાસેથી ટેકસની રકમ વસુલવામાં આવે છે અને પાછો એવો વહેવાર કરવામાં આવે છે જાણે ટેકસની રકમની માલિકી તો એમની જ હોય. મમતાએ ગૃહમંત્રી શાહ અને ભાજપ સામે પણ નિશાન સાંધ્યું હતું. મમતાએ એવો પણ આરોપ લગાવ્યો કે નવા કિસાન બિલના નામે કેન્દ્રની બીજેપી સરકાર ખેડુતોની જમીન હડપી લેવાનું કામ કરે છે.

બંગાળના મુખ્યમંત્રી મમતા બેનરજીએ કહ્યું હતુ કે ખેડુતો માટે જે નવું બિલ લાવવામાં આવ્યું છે, એમાં ખેડુતોની જમીન હડપવાનું કામ થઇ રહ્યું છે. મમતાએ કહ્યું કે મેં કેટલીય વાર કેન્દ્રને પત્ર લખ્યા અને નાણાંની માંગ કરી હતી, પરંતુ હજુ સુધી કોઇ અસર નથી થઇ. બેનરજીએ કહ્યુ કે, તેઓ લોકોને એવું કહી રહ્યા છે કે, જો તૃણમૂલ કોંગ્રેસ પૈસા આપે તો લઇ લેવા, પણ વોટ અમને આપજો.

મમતા બેનરજીએ કેન્દ્રીય ગૃહ મંત્રી શાહ સામે નિશાન સાધીને કહ્યું હતું કે, ગૃહમંત્રી એક આદિવાસીના ઘરે ગયા હતા, પણ જમવાનું ફાઇવ સ્ટાર હોટલમાંથી મંગાવ્યું હતું. એક બ્રાહ્મણ કુકે રસોઇ બનાવી હતી. આવા નાટક કરીને આદિવાસીઓને ઠગવાનું કામ કરવામાં આવ્યું છે.

મમતા બેનરજીએ કહ્યું હતું કે અમે નારો આપ્યો છે, બદલા નહીં બદલાવ ચાહિયે. હું બીજેપીને પડકાર ફેંકુ છુ કે મારી ધરપકડ કરીને બતાવે,હું જેલમાંથી ચૂંટણી જીતીને બતાવીશ. કેન્દ્ર સરકારે લાલૂ યાદવને જેલમાં નાંખ્યા એનાથી શું થયુ, બિહારમાં એનડીએ ચોરીથી ચૂંટણી જીત્યું છે એવો આક્ષેપ બંગાળના મુખ્યમંત્રી મમતાએ લગાવ્યો હતો.

બીજેપી સામે બોલતા મમતાએ કહ્યું હતું કે આજે દેશમાં બેરોજગારીનો દર 40 ટકા કરતા વધારે થઇ ગયો છે. બીજેપી વાળા કહે છે જો ગૌમૂત્રનો ઉપયોગ કરો તો કોરોના નહીં થાય.મમતાએ વધુમાં કહ્યું કે કેટલાંક બહારથી આવેલા લોકો અહીં દિલ્લીનો લાડલો બતાવવા આવ્યા હતા. પરંતુ એવા લોકો માત્ર ચૂંટણીના સમયે જ પશ્ચિમ બંગાળમાં દેખાય છે. બીજેપીને લાગે છે કે તેઓ પશ્ચિમ બંગાળમાં સરકાર બનાવી શકે છે. પરંતું હું કહી દેવા માગું છું કે પશ્ચિમ બંગાળમાં તેમને કોઇ ચાન્સ નથી.

(12:00 am IST)