મુખ્ય સમાચાર
News of Tuesday, 26th October 2021

હવે સત્યપાલ મલિકે ગોવા સરકાર ઉપર બંધુક ફોડી : ભ્રષ્ટાચારમાં ખદબદતી હોવાનો કર્યો આક્ષેપ

વડાપ્રધાન મોદીએ ત્યાં ધ્યાન દેવાની જરૂર છે : ગોવા સરકાર જે કામ કરે છે ત્યાં ભ્રષ્ટાચાર છે : હું એ સામે બોલ્યો એટલે મને કાઢી મૂકયો

નવી દિલ્હી તા. ૨૬ : મેઘાલયના રાજ્યપાલ સત્યપાલ મલિકનું કહેવું છે કે ગોવામાં બહુ જ ભ્રષ્ટાચાર છે. વડાપ્રધાન મોદીએ એ વાત પર ધ્યાન આપવાની જરૂર છે. તેમણે આ વાતો ટીવી ટુડેના રાજદીપ સરદેસાઇને આપેલ એક ખાસ ઇન્ટરવ્યુમાં કહી હતી. સત્યપાલ મલિક ગોવાના રાજ્યપાલ પણ રહી ચૂકયા છે.

મલિકે કહ્યું 'ગોવામાં ભાજપા સરકાર કોરોના સામે બરાબર રીતે નથી લડી અને હું મારા આ સ્ટેટમેન્ટ પર કાયમ છું. ગોવા સરકારે જે કંઇ પણ કર્યું, તેમાં ભ્રષ્ટાચાર હતો. ગોવા સરકાર પર કરેલા ભ્રષ્ટાચારના આક્ષેપોના કારણે મને ત્યાંથી હટાવી દેવાયો હતો. હું લોહીયાવાદી છું, મેં ચરણસિંહ સાથે સમય ગાળ્યો છે. હું ભ્રષ્ટાચાર સહન નથી કરી શકતો.'

તેમણે કહ્યું 'ગોવા સરકારની ઘરે ઘરે રાશન બાંટવાની યોજના અવ્યવહારૂ હતી. આ એક કંપનીના કહેવાથી કરાયું હતું, જેણે સરકારને પૈસા આપ્યા હતા. મને કોંગ્રેસ સહિત ઘણાં લોકોએ તપાસ કરવા કહ્યું હતું. મેં આ બાબતે તપાસ કરી હતી અને વડાપ્રધાનને તેની માહિતી આપી હતી.'

મલિકે કહ્યું 'તેઓ નહીં સ્વીકારે કે તેમણે ભૂલ કરી હતી. એરપોર્ટ પાસે એક વિસ્તાર છે જ્યાં ખનન માટે ટ્રકોનો ઉપયોગ થાય છે. મેં કોરોનાને ધ્યાનમાં રાખીને તેને રોકવા કહ્યું હતું, પણ સરકારે ના માન્યું અને પછી તે વિસ્તાર કોરોનાનો હોટ સ્પોટ બની ગયો હતો.' તેમણે કહ્યું કે આજે દેશમાં લોકો સાચું બોલતા ડરે છે.

સત્યપાલ મલિકે વધુમાં કહ્યું કે ગોવાની સરકાર વર્તમાન રાજભવન પાડીને નવું ભવન બનાવવા માંગતી હતી પણ તેની કોઇ જરૂર નહોતી. તેમણે કહ્યું કે, આ પ્રસ્તાવ ત્યારે મુકવામાં આવ્યો હતો જ્યારે રાજ્ય સરકાર નાણાકીય દબાણમાં હતી.

(11:20 am IST)