મુખ્ય સમાચાર
News of Sunday, 26th September 2021

જમ્મુ -કાશ્મીરના બાંદીપોરા જિલ્લામાં સુરક્ષાદળોને મોટી સફળતા :એન્કાઉન્ટરમાં બે આતંકીઓને ઠાર કર્યા

. માર્યા ગયેલા આતંકવાદીઓમાં ભાજપના નેતાની હત્યાના આરોપીનો પણ સમાવેશ

જમ્મુ -કાશ્મીરના બાંદીપોરા જિલ્લામાં સુરક્ષાદળોને મોટી સફળતા મળી છે. સુરક્ષા દળોએ એન્કાઉન્ટરમાં બે આતંકીઓને ઠાર કર્યા છે. માર્યા ગયેલા આતંકવાદીઓમાં ભાજપના નેતાની હત્યાના આરોપીનો પણ સમાવેશ થાય છે.

પોલીસ મહાનિર્દેશક દિલબાગ સિંહે જણાવ્યું કે આબિદ લશ્કર-એ-તૈયબાનો જિલ્લા કમાન્ડર હતો, જ્યારે આઝાદ 8 જુલાઈ 2020 ના રોજ ભાજપના નેતા શેખ વસીમ બારી, તેના ભાઈ ઉમર સુલતાન અને પિતા બશીર અહેમદ શેખની હત્યામાં સામેલ હતો. માર્યા ગયેલા આતંકીઓ પાસેથી મોટી માત્રામાં દારૂગોળો પણ મળી આવ્યો છે.

એક પોલીસ અધિકારીએ જણાવ્યું કે ઉત્તર કાશ્મીરના બાંદીપોરા ના વટનિરા વિસ્તારમાં આતંકવાદીઓની હાજરીની માહિતી મળ્યા બાદ સુરક્ષા દળોએ વિસ્તારને ઘેરી લીધો હતો અને સર્ચ ઓપરેશન શરૂ કર્યું હતું.

તેમણે કહ્યું કે સર્ચ ઓપરેશન દરમિયાન એન્કાઉન્ટર શરૂ થયું જ્યારે આતંકવાદીઓએ સુરક્ષા દળો પર ગોળીબાર કર્યો ત્યારબાદ સુરક્ષા દળોએ પણ જવાબી કાર્યવાહી કરી.

તેમણે કહ્યું કે એન્કાઉન્ટર સ્થળ પરથી અન્ય સામગ્રી સહિત હથિયારો અને દારૂગોળો મળી આવ્યો છે અને હજુ પણ વિસ્તારમાં સર્ચ ઓપરેશન ચાલુ છે.

(11:49 pm IST)