મુખ્ય સમાચાર
News of Thursday, 25th February 2021

દિલ્હીના બગીચાઓમાં ખેતી કરશે ખેડૂતો: રાજસ્થાનમાં મહાપંચાયતમાં હજારો ખેડૂતોની હાજરીમાં રાકેશ ટિકૈતનો હુંકાર

ખેડૂતોને દિલ્હી કૂચ કરવાનું આહ્વાન: 40 લાખ ટ્રેક્ટરની સાથે સંસદ માર્ચ કરવાની જાહેરાત

નવી દિલ્હી : કૃષિ કાયદાઓની વિરુદ્ધ આંદોલન કરી રહેલા ખેડૂત નેતા રાકેશ ટિકૈતે રાજસ્થાન ના કરીરીમાં ખેડૂતોને સંબોધિત કરતા ખેડૂતોને દિલ્હી કૂચ કરવાનું આહ્વાન કર્યું. તેમણે 40 લાખ ટ્રેક્ટરની સાથે સંસદ માર્ચ કરવાની જાહેરાત કરતા દિલ્હી કૂચની શરૂઆત કરવાની વાત કહી. કરૌલીના કરીરીમાં હજારોની સંખ્યામાં ખેડૂતો ટિકૈતને સાંભળવા પહોંચ્યા હતા. કૃષિ કાયદાઓની વિરુદ્ધ ખેડૂત નેતા રાકેશ ટિકૈત ઉગ્ર બની રહ્યા છે અને અનેક શહેરોમાં ખેડૂત સભાઓ સંબોધિત કરી રહ્યા છે.

ટોડાભીમના ભૈરવ બાબા કુશ્તી દંગલ સ્ટેડિયમમાં આયોજિત ખેડૂત મહાપંચાયતમાં મોટી સંખ્યામાં ખેડૂતો પોતાના ટ્રેક્ટરની સાથે સભામાં પહોંચ્યા.હતા 

રાકેશ ટિકૈતે અહીંથી ખેડૂતોને ટ્રેક્ટરની સાથે દિલ્હી કૂચ કરવાની અપીલ કરી. રાકેશ ટિકૈત ખુલ્લી કારમાં સવાર થઈને સ્ટેજ પર પહોંચ્યા, જ્યાં લોકોએ 101 ફૂટનો સાફો પહેરાવીને અને હળ ભેટ કરીને તેમનું સ્વાગત કર્યું. ખેડૂતોને સંબોધિત કરતા તેમણે સરકાર પર ખેડૂતોની અવગણના કરવાનો આરોપ લગાવ્યો હતો .

રાકેશ ટિકૈતે ત્રણેય કૃષિ કાયદા પાછા લેવા તેમજ MSP નક્કી ના થવા સુધી આંદોલન ચાલું રહેવાની ચેતવણી આપી છે. તેમણે કહ્યું કે, 24 માર્ચ સુધી અલગ-અલગ સ્થાનો પર સભાઓને સંબોધિત કરવાનો કાર્યક્રમ છે. ત્યારબાદ આસામ, કર્ણાટક તેમજ અન્ય રાજ્યોમાં પણ જઇશું અને આંદોલન ચલાવીશું. તેમણે કહ્યું કે, આનાથી કોઈ પણ રાજકીય દળને સંબંધ નથી. તેમણે લાંબા સમય સુધી ચાલનારા આંદોલન માટે તૈયાર રહેવા અને દિલ્હી કૂચની જાહેરાત પર ટ્રેક્ટર લઇને આવવા પણ અપીલ કરી.હતી 

ટોડાભીમના કરીરીમાં ખેડૂત મહાપંચાયતમાં ખેડૂત નેતા રાકેશ ટિકૈતને 101 ફૂટનો સાફો પહેરાવવામાં આવ્યો. મહાપંચાયતમાં યોગેન્દ્ર યાદવ, જાટ નેતા રાજારામ મીલ પણ પહોંચ્યા. કરીરીમાં ખેડૂત મહાપંચાયતને યોગેન્દ્ર યાદવે સંબોધિત કરી. તેમણે પોતાના ભાષણમાં લોકોને પ્રત્યેક ઘરેથી એક સભ્ય શાહજહાંપુર બૉર્ડર મોકલવાની અપીલ કરી. સાથે જ સરકારથી પાકના વેચાણ પર MSPની ગેરંટીની માંગ પણ કરી. ખેડૂત નેતા રાકેશ ટિકૈતે કહ્યું કે, કલમ અને કેમેરા પર બંદૂકનો પહેરો છે અને આજે કૃષિ કાયદાઓની વિરુદ્ધ આખો દેશ એકત્ર થઈ ગયો છે અને આ એક ક્રાંતિ છે જેને ડંડા અને બંદૂકના દમ પર ના તો રોકી શકાય છે અને ના ખત્મ કરી શકાય છે. ખેડૂતો હવે દિલ્હીના ઇન્ડિયા ગેટની પાસે આવેલા તમામ ગાર્ડનમાં ખેતી કરશે.

(12:55 am IST)