મુખ્ય સમાચાર
News of Wednesday, 25th November 2020

અહેમદ પટેલનું સ્થાન લેવા કોંગ્રેસના ટોચના લિડરોમાં હોળ જામી

ગાંધી પરિવારના વિશ્વાસુની વિદાયથી કોંગ્રેસમાં મૂંઝવણ : કે.સી. વેણુગોપાલ, કમલનાથ, ગહેલોત સહિતના અનેક નેતાઓ ગાંધી પરિવારના ખાસ બનવાની રેસમાં સામેલ

નવી દિલ્હી, તા. ૨૫ : પૂર્વ વડાપ્રધાન ઈન્દિરા ગાંધી, રાજીવ ગાંધીથી લઈ સોનિયા-રાહુલ ગાંધી  સુધી અહેમદ પટેલની જગ્યા ભરવી લગભગ મુશ્કેલ છે. પરંતું તેમનું સ્થાન ભરવા માટે અનેક દિગ્ગજ નેતાઓએ ઈશારામાં પોતાની દાવેદારી કરી છે. તાજેતરમાં કરવામાં આવેલી નિવેદનબાજીને અનેક રણનૈતિક પંડિતો ગાંધી પરિવારની નજરે ચડવાનો પ્રયાસ કરતા જોવા મળ્યા હતા. પાર્ટીમાં કેટલાક નેતાઓ એવા પણ છે જે પોતાને ગાંધી પરિવારના સૌથી નજીકના હોવાનું દેખાડવા માગે છે અને કદાચ આમ થઈ પણ શકે છે.

કોંગ્રેસના ખાસ રણનીતિકારોમાં કે.સી વેણુગોપાલનું નામ પણ શામેલ છે. સંગઠનમાં મહાસચિવની જવાબદારી સંભાળી રહ્યાં છે અને યૂપીએ સરકારમાં રાજ્યમંત્રી પણ રહી ચુક્યાં છે. રાહુલ ગાંધી સાથેની ઘનિષ્ઠતા પણ તેમને અહેમદ પટેલનું સ્થાન લેવામાં મદદરૂપ બની શકે છે. તે ૨૦૦૯ અને ૨૦૧૪માં અલાપિઝા બેઠક પરથી લોકસભાની ચૂંટણી જીત્યા હતાં પરંતુ ૨૦૧૯માં તેમણે ચૂંટણી મેદાનમાં ઉતરવાનું ટાળ્યું હતું. રાહુલ ગાંધીએ તેમને રાજસ્થાનમાંથી રાજ્યસભામાં મોકલ્યા હતાં. રાહુલ ગાંધીની સાથો સાથ વેણુગોપાલના સમીકરણ પાર્ટીમાં તેમનું કદ વધારી શકે છે.

કપિલ સિબ્બલ નેતાઓમાં શામેલ છે જેમને ખુલ્લેઆમ કોંગ્રેસમાં આમુલ પરિવર્તનની વાત કહેવાનું શરૂ કરી દીધું છે. જોકે કપિલ સિબ્બલનું કોંગ્રેસમાં શું કદ છે તેનો અંદાજ તેના પરથી લગાવી શકાય કે ગાંધી પરિવારના અને પાર્ટીના અનેક કેસ લડી ચુક્યા છે. જોકે કપિલ સિબ્બલે તાજેતરમાં પાર્ટીને લઈને જે પ્રકારનું વલણ અપનાવ્યું છે તેનાથી તેમની દાવેદારી ચોક્કસપણે નબળી પડી શકે છેસિબ્બલની માફક ગુલામ નબી આઝાદ પણ પાર્ટીના સીનિયર નેતાઓમાંના એક છે જે પટેલનું સ્થાન લઈ શકે છે. પરંતુ તેઓ પણ ૨૩ નેતાઓમાં શામેલ છે જેમણે સોનિયા ગાંધીને પત્ર લખીને રાજકીય ઘમાસાણ મચાવ્યું હતું.

મધ્ય પ્રદેશના પૂર્વ મુખ્યમંત્રી કમલનાથ અને રાજસ્થાનના મુખ્યમંત્રી અશોક ગેહલોત ગાંધી પરિવારની કેટલા નજીક છે તે સૌ કોઈ જાણે છે. કપિલ સિબ્બલ મામલે પણ તેમણે ખુલીને ગાંધી પરિવારની તરફેણ કરી હતી. બંને ગાંધી પરિવારના ખુબ નજીકના માનવામાં આવે છે. અહેમદ પટેલનું સ્થાન લેનારા ઉમેદવારોમાં બંનેની મજબુત દાવેદારી છે. દિગ્વિજ્ય સિંહ કોંગ્રેસના નેતાઓમાં શામેલ છે જેમણે શાસન અને સંગઠન બંનેનો લાંબો અનુંભવ છે. એક સમયે તેઓ ગાંધી પરિવારના સૌથી વિશ્વાસપાત્ર સલાહકારોમાંના એક હતાં પરંતુ ટીમ રાહુલમાં તેમનું સ્થાન ડામાડોળ છે. તો બીજી બાજુ મિલિંદ દેવડાએ રાહુલ ગાંધીની લોકસભાની ચૂંટણીમાં પરાજયની સાથે કોંગ્રેસ અધ્યક્ષ પદેથી રાજીનામું આપતાની સાથે મિલિંદ દેવડાએ પણ મુંબઈ કોંગ્રેસના અધ્યક્ષ પદેથી રાજીનામું આપી દીધું હતું. તે સમયે તેમણે રાષ્ટ્રીય સ્તરે પાર્ટી માટે કામ કરવાની વાત કરી હતી. તેઓ પણ પાર્ટીમાં પરિવર્તન કરનારા નેતાઓમાં શામેલ રહ્યાં છે. દેવડાની ગાંધી પરિવાર સાથે ઘનિષ્ઠતા છે પણ ઘણી વાર પાર્ટી કરતા તેમનું મંતવ્ય અલગ રહ્યું છે.

(8:46 pm IST)