મુખ્ય સમાચાર
News of Wednesday, 25th November 2020

પુખ્ત વયની યુવતિ યોગ્ય લાગે તે જગ્યાએ અને યોગ્ય લાગે તે વ્યક્તિ સાથે રહેવા માટે સ્વતંત્ર છે : સપ્ટેમ્બર માસથી ગૂમ જણાયેલી યુવતીએ એક યુવક રાજીખુશીથી લગ્ન કર્યા હોવાનો ખુલાસો કરતા દિલ્હી હાઇકોર્ટનો ચુકાદો : પરિવારે યુવતીને કોઈ યુવક ભગાડી ગયો હોવાની શંકા સાથે ભાળ મેળવી દેવા અરજ ગુજારી હતી

ન્યુદિલ્હી : સપ્ટેમ્બર માસથી ગૂમ થઇ ગયેલી પુખ્ત વયની સુલેખા નામક યુવતી ખોવાઈ ગઈ હોવા અંગે તથા તે માટે બબલુ નામક યુવકનો હાથ હોવાની શંકા પરિવારે વ્યક્ત કરી હતી. તથા તેને પાછી મેળવી આપવા પરિવાર વતી તેની બહેન પરવીને  દિલ્હી હાઇકોર્ટમાં હેબિયસ કોર્પ્સ  હેઠળ અરજ ગુજારી હતી.

આ અરજીના અનુસંધાને નામદાર કોર્ટે પોલીસની મદદથી યુવતીનો પતો લગાડ્યો હતો.તથા વિડિઓ કોન્ફરન્સ દ્વારા તેની સાથે વાત કરી હતી.જેમાં યુવતીએ જણાવ્યું હતું કે તે બબલુ નામક યુવક સાથે રહે છે.અને તેની સાથે રાજીખુશીથી લગ્ન પણ કરી લીધા છે.

યુવતીની કબૂલાતને ધ્યાને લઇ નામદાર કોર્ટે જણાવ્યું હતું કે પુખ્ત વયની યુવતિ યોગ્ય લાગે તે જગ્યાએ અને યોગ્ય લાગે તે વ્યક્તિ સાથે રહેવા માટે સ્વતંત્ર છે.તેના ઉપર ઘેર પાછા ફરવાનું દબાણ લાવી શકાય નહીં.ઉપરાંત આ યુવતી કે તેના પતિ  ઉપર યુવતીના વાલીઓ દ્વારા કોઈ જોરજુલમ કરવામાં ન આવે તે માટે જરૂર પડ્યે તેઓને પોલીસ રક્ષણ આપવાની સૂચના પણ આપી હતી.તથા યુવતીને તથા તેના પતિને પોલીસના મોબાઈલ નંબર અપાવ્યા હતા.તેવું બી.એન્ડ બી.દ્વારા જાણવા મળે છે.

(7:25 pm IST)