મુખ્ય સમાચાર
News of Wednesday, 25th November 2020

કેરળના ચૂંટણી ઇતિહાસમાં ભાજપે પહેલીવાર બે મુસ્લિમ મહિલાઓને ટિકિટ ફાળવી

સ્થાનિક સ્વરાજની ચૂંટણીમાં મુસ્લિમ બહુમતી ધરાવતા મલપ્પુરમ જિલ્લા ભાજપ દ્વારા મુસ્લિમ ઉમેદવાર ઉભા રાખતા કાર્યકરોમાં પ્રાણ ફૂંકાયા

નવી દિલ્હી : કેરળના ચૂંટણી ઈતિહાસમાં ભાજપે પહેલીવાર બે મુસ્લિમ મહિલાઓને સ્થાનિક સ્વરાજની ચૂંટણીમાં ટિકિટ ફાળવી છે ભાજપે  મલ્લપુરમ જિલ્લામાં યોજાનારી ચૂંટણીમાં આ મહિલાઓને ટિકિટ આપી છે.ભાજપના આ પગલાને રણનીતિ દ્રષ્ટિએ પણ ખૂબ જ મહત્વપૂર્ણ માનવામાં આવી રહ્યું છે. ઈન્ડિયન મુસ્લિમ લીગના ગઢ અને મુસ્લિમ બહુમતી ધરાવતા મલપ્પુરમ જિલ્લામાં ભાજપ દ્વારા અચાનક મુસ્લિમ ઉમેદવારોને ઉભા કરવાથી પાર્ટીના કાર્યકર્તાઓમાં નવા પ્રાણ ફૂંકાયા છે. જો કે સ્થાનિક સ્વરાજની ચૂંટણીમાં ભાજપ તરફથી અનેક મુસ્લિમ પુરુષ ઉમેદવારો પણ ઉભા જ છે, પરંતુ આ સમાજની માત્ર બે મહિલાઓ મલપ્પુરમથી ચૂંટણી લડી રહી છે.

વંડૂરમાં રહેતી ટીપી સુલ્ફાત વંડૂર ગ્રામ પંચાયતના વોર્ડ નંબર 6થી ચૂંટણી મેદાનમાં છે. ચેમ્મડમાં રહેતી આઈસા હુસૈન પોનમુડામ ગ્રામ પંચાયતની વોર્ડ નંબર 9થી ઉમેદવાર છે. બન્ને જણાએ ભાજપનીટિકિટ પર ચૂંટણી લડવા માટેના પોતાના કારણે જણાવ્યા છે. સુલ્ફાત કેન્દ્રની ભાજપ સરકારની વિકાસશીલ નીતિઓથી પ્રભાવિત છે.

જ્યારે આઈશાનું કહેવું છે કે, તેના પતિ ભાજપમાં છે. આથી જ તે ભાજપની ટિકિટ પર ચૂંટણી લડી રહી છે. સુલ્ફાતે કહ્યું, ટ્રીપલ તલાક પર પ્રતિબંધ અને મહિલાઓના લગ્નની ઉંમર 18 વર્ષથી વધારીને 21 કરવાના કારણે હું પ્રભાવિત થઈ.

સુલ્ફાતના લગ્ન 15 વર્ષની વયે થઈ ગયા હતા અને હાલ તે બે બાળકોની માતા છે. તેણે કહ્યું કે, તે એવી મહિલા છે, જેની સગીરાવસ્થામાં લગ્ન થઈ ગયા હતા. જેના કારણે તેમને અનેક તકલીફોનો સામનો કરવો પડ્યો હતો. આથી જ તેમને લાગે છે કે, કેન્દ્ર સરકાર દ્વારા નીતિઓમાં પરિવર્તન કરવાથી મુસ્લિમ મહિલાઓને ખૂબ જ મદદ મળશે.

સુલ્ફાતે શિક્ષા પ્રાપ્ત કરીને સરકારી નોકરી મેળવવાનું સપનું જોયું હતુ, પરંતુ જલ્દી લગ્ન થઈ જવાના કારણે તે ધોરણ 10 બાદ આગળ અભ્યાસ નહતી કરી શકી.

આઈશા હુસૈન પોતાના પતિ થકી ભાજપથી પ્રભાવિત થઈ. તેના પતિ ભાજપના સ્થાનિક અલ્પસંખ્યક મોર્ચાના સક્રિય સભ્ય છે.

તેણે કહ્યું કે, હું મોદીજી અને ભાજપની સાહસિક નીતિઓની સમર્થક છુ. જે દેશ માટે કલ્યાણકારી છે. આઈશાના પતિ હુસૈન વરિકોટિલ પણ મલ્લપૂરમ જિલ્લા પંચાયતના એડરિકોડે ડિવિઝનથી ભાજપની ટિકિટ પર ચૂંટણી લડી રહ્યાં છે.

(10:02 am IST)