મુખ્ય સમાચાર
News of Sunday, 25th October 2020

પૂર્વ ઓલરાઉન્ડર કપિલ દેવને હોસ્પિટલમાંથી રજા

ચેતન શર્માએ ટ્વીટ કરી જાણકારી આપી : કપિલ દેવને હાર્ટ એટેક આવ્યા બાદ એન્જીયોપ્લાસ્ટી કરવામાં આવી હતી તેમજ હવે તેઓ સ્વસ્થ છે : રિપોર્ટ

નવી દિલ્હી,તા.૨૫ : મહાન ભારતીય ઓલરાઉન્ડર કપિલ દેવને હોસ્પિટલમાંથી રજા આપવામાં આવી છે. પૂર્વ ક્રિકેટર ચેતન શર્માએ ટ્વીટ કરીને આ અંગે માહિતી આપી હતી. કપિલ દેવને હાર્ટ એટેક આવ્યા બાદ શુક્રવારે એન્જીયોપ્લાસ્ટી કરવામાં આવી હતી. છાતીમાં દુખાવો થતાં તેમને દિલ્હીની હોસ્પિટલમાં દાખલ કરવામાં આવ્યા હતા. જ્યાં તેનું ઓપરેશન કરવામાં આવ્યું હતું. ચેતન શર્માએ હોસ્પિટલના ડોક્ટર અતુલ માથુર સાથે કપિલની તસવીર પોસ્ટ કરી છે. ડોક્ટર માથુરે કપિલની એન્જીયોપ્લાસ્ટી કરી હતી. ચેતન શર્માએ ડિસ્ચાર્જ સમયે કપિલદેવનો ફોટો ટ્વીટ કર્યો હતો, જેમાં તેણે કેપ્શન આપ્યું હતું કે, 'ડોક્ટર અતુલ માથુરે કપિલ પાજીની એન્જીયોપ્લાસ્ટી કરી હતી. હવે તે સ્વસ્થ છે અને તેને રજા આપવામાં આવી છે. આ પહેલા ચેતન શર્માએ હોસ્પિટલમાંથી કપિલ અને તેની દીકરીનો ફોટો ટ્વીટ કર્યો હતો. તેણે કહ્યું હતું કે કપિલનું ઓપરેશન સફળ રહ્યું છે અને તેની હાલતમાં ધીમે ધીમે સુધારો થઈ રહ્યો છે. આ તસવીરમાં કપિલ દેવ બંને હાથે થમ્સ અપ બતાવી રહ્યા હતાં. કપિલને હાર્ટ એટેક આવ્યા બાદ સચિન તેંડુલકર, વિરાટ કોહલી અને અન્ય અનેક જાણીતા સેલેબ્સે તેમના સ્વાસ્થ્ય માટે પ્રાર્થના કરી હતી. ૧૯૮૩માં ભારતનો પહેલો ક્રિકેટ વર્લ્ડ કપ જીતનાર કેપ્ટન કપિલ ટેસ્ટ ક્રિકેટમાં ભારતનો બીજો સૌથી સફળ બોલર છે.

(7:29 pm IST)