મુખ્ય સમાચાર
News of Saturday, 24th September 2022

ઘાટીમાં બિન-કાશ્મીરીઓની હત્યાનો સિલસિલો યથાવત : આતંકીઓએ બે લોકોને મારી ગોળી

આતંકવાદીઓએ ખરબાતાપુર વિસ્તારના ખરપોરા રત્નીપોરામાં બિહારી નાગરિકોને ગોળી

જમ્મુ-કાશ્મીરમાં આતંકવાદીઓએ ફરી એકવાર બે બિન-સ્થાનિક નાગરિકોને ગોળી મારી  છે. બંને ગંભીર રીતે ઘાયલ થયા છે અને તેમને હોસ્પિટલમાં દાખલ કરવામાં આવ્યા છે.

બંને વ્યક્તિઓ બિહારના રહેવાસી છે. આ ઘટના પુલવામા જિલ્લાના કાકાપોરા વિસ્તારની છે. પોલીસના જણાવ્યા અનુસાર, આતંકવાદીઓએ ખરબાતાપુર વિસ્તારના ખરપોરા રત્નીપોરામાં બિન-સ્થાનિક નાગરિકોને ગોળી મારી હતી. ઘાયલોની ઓળખ શમશાદ પુત્ર ઇસ્લામ શેખ અને ફૈઝાન કસરી પુત્ર ફયાઝ કાદરી (નિવાસી જિલ્લા બેતિયા, બિહાર) તરીકે થઈ છે. પોલીસે જણાવ્યું કે, બંને અહીં મજૂરી કામ કરે છે. ઘટના બાદ બંનેને હોસ્પિટલમાં દાખલ કરવામાં આવ્યા છે, જ્યાં તેમની હાલત સ્થિર હોવાનું કહેવાય છે. આતંકીઓ વિશે માહિતી મેળવવામાં આવી રહી છે.

અત્રે ઉલ્લેખનિય છે કે, ઘાટીમાં બિન-કાશ્મીરીઓની હત્યાનો સિલસિલો અટકવાનું નામ લઈ રહ્યું નથી. આ પહેલા 12 ઓગસ્ટના રોજ બાંદીપોરામાં બિહારના એક વ્યક્તિની ગોળી મારીને હત્યા કરાઈ હતી. કાશ્મીરમાં ટાર્ગેટ કિલિંગની ઘટનાઓને કારણે સરકારી કર્મચારીઓ, પ્રવાસી મજૂરોમાં દહેશત જોવા મળી રહી છે. આતંકવાદીઓ અહીં સતત બિન-કાશ્મીરીઓને નિશાન બનાવી રહ્યા છે. ખાસ કરીને અહીં રહેતા મજૂરોની હત્યાથી તણાવ વધી ગયો છે. છેલ્લા 10 મહિનામાં આતંકવાદીઓએ બિહારના 7 લોકોની ગોળી મારીને હત્યા કરી છે. ગોળીબારની ઘટના આ મહિને ફરી સામે આવી છે.

ઓગસ્ટમાં માર્યા ગયેલા મજૂરની ઓળખ મોહમ્મદ અમરેજ (19 વર્ષ) તરીકે થઈ હતી. અમરેજ મધેપુરા જિલ્લાના બેસાઢ ગામનો રહેવાસી હતો. તેમના પિતાનું નામ મોહમ્મદ જલીલ હતું. અમરેજ અહીં કામ અર્થે આવ્યો હતો. તેના વિશે વધુ માહિતી મેળવવામાં આવી રહી છે. જમ્મુ-કાશ્મીર પોલીસે કહ્યું કે આ મધરાતની ઘટના છે. બાંદીપોરાના સોદનારા સુમ્બલમાં આતંકવાદીઓએ એક મજૂર પર ગોળીબાર કરીને તેને ઘાયલ કર્યો હતો. તેને સારવાર માટે હોસ્પિટલમાં લઈ જવામાં આવ્યો હતો, જ્યાં તેનું મોત નીપજ્યું હતું.

(12:22 am IST)