મુખ્ય સમાચાર
News of Friday, 25th September 2020

કોરોનામાં પતિઓના રોજગાર ગયા તો પત્નિઓએ સંભાળ્યો મોરચો

પ્રવાસી મજૂરોની જીવન શૈલીમાં આવ્યા ફેરફારો

ઉદયપુર તા. રપઃ કોરોના મહામારીના કારણે ઉદયપુર જીલ્લાના કેટલાય એવા પ્રવાસી મજૂરો છે જેમણે પોતાના રોજગાર છોડીને ગુજરાત, મુંબઇ, દિલ્હીથી પાછું આવવું પડયું છે. અહીં આવીને તેમની સામે તેમના પરિવારના ભરણ પોષણનું સંકટ હતું, સાથે જ ઘરનું ગુજરાન પણ ચલાવવાનું હતું. આ પરિસ્થિતિમાં ઘણાં પ્રવાસી મજૂરોએ પોતાનો આત્મનિર્ભર બનાવવાનું નક્કી કર્યું. તેમાં મહિલાઓ પણ પાછળ ન રહી અને તેઓ પણ પતિઓની સાથે મળીને ઘર ચલાવવાની જવાબદારી ઉઠાવી રહી છે. જે કામ તેમને આવડે છે અને સહેલાઇથી કરી શકે છે તેવા કામો જ તેમણે પસંદ કર્યા અને પોતાની આજીવિકાનું સાધન બનાવ્યા. હવે તેઓ આત્મનિર્ભર બની ગયા છે.

હવે તેઓ ફરીથી પાછા શહેરોમાં જવા નથી માંગતા પણ જેમણે તેમને શરણ આપ્યું અને પ્રેમથી અપનાવ્યા એ ગામડામાં જ રહેવા માંગે છે. પ્રવાસી મજૂરો જયારે ઘરે પાછા આવ્યા ત્યારે હાલત બહુ ખરાબ હતી. ઘરમાં પહેલાંજ પરિવારના લોકો હતા અને તેમાં આ લોકો વધતા બધાને ખાવા પીવાનો ખર્ચ ઉપાડવો મુશ્કેલ હતો. પરિસ્થિતી ખરાબ હતી પણ માંગીને ખાવા કરતા, કામ કરીને ખાવું તેમણે પસંદ કર્યું, એટલે નક્કી કર્યું કે જે કામ આવડે છે તે જ કરીએ. એટલે કોકે હાથમાં ચમચો કડાઇ પકડી તો કોકે પરચૂરણ સમાન.

આજીવિકા બ્યુરોની આભાર મિશ્રાએ જણાવ્યું કે તેમણે આવા રપ પ્રવાસી મજૂરો સાથે વાતચીત કરી જેઓ આર્થિક મજબૂરીના કારણે પોતાનો ધંધો ચાલુ નહોતા કરી શકતા આજીવિકા બ્યુરોએ આવા નવો ધંધો શરૂ કરવા ઇચ્છતા પ્રવાસી મજૂરોને ધંધો શરૂ કરવા માટે આર્થિક મદદ આપવાનું નકકી કર્યું. ખેરવાડા, ગોગુન્દા અને સલુમ્બર વિસ્તારના આવા કેટલાય પ્રવાસી મજૂરોને સ્થાનિક રીતે ધંધો શરૂ કરવા માટે મદદ કરાઇ છે.

(2:37 pm IST)