મુખ્ય સમાચાર
News of Friday, 24th June 2022

ઇડીએ રિયલ એસ્ટેટ કંપની અંસલ ગ્રુપ વિરુદ્ધ મની લોન્ડરિંગ એક્ટ હેઠળ કેસ દાખલ કર્યો

ઈડીએ લખનૌ પોલીસ કમિશનરેટને પત્ર લખીને અંસલ સામે અત્યાર સુધી નોંધાયેલા તમામ કેસોની માહિતી માંગી

નવી દિલ્હી :એન્ફોર્સમેન્ટ ડિરેક્ટોરેટ (ED) એ રિયલ એસ્ટેટ કંપની અંસલ ગ્રુપ વિરુદ્ધ પ્રિવેન્શન ઓફ મની લોન્ડરિંગ એક્ટ હેઠળ કેસ નોંધ્યો છે. ઈડીએ લખનૌ પોલીસ કમિશનરેટને પત્ર લખીને અંસલ સામે અત્યાર સુધી નોંધાયેલા તમામ કેસોની માહિતી માંગી છે.

 અત્રે ઉલ્લેખનીય છે કે અંસલ ગ્રુપ વિરુદ્ધ લખનૌમાં ત્રણ ડઝનથી વધુ કેસ નોંધાયેલા છે. મોટા ભાગના કિસ્સાઓ લોભામણી સ્કીમો દ્વારા પ્લોટમાં રોકાણ અને ત્યારપછીની છેતરપિંડી સાથે સંબંધિત છે. લખનૌ પોલીસે અંસલ ગ્રૂપના માલિક સુશીલ અંસલના પુત્ર પ્રણવ અંસલ સામે લુકઆઉટ નોટિસ પણ જારી કરી હતી અને સપ્ટેમ્બર 2019માં લંડન જતી વખતે દિલ્હીના ઈન્દિરા ગાંધી એરપોર્ટ પરથી તેની ધરપકડ કરી હતી.

ઈડીએ લખનૌ પોલીસને અંસલ ગ્રુપ વિરુદ્ધ નોંધાયેલા કેસોની તપાસ કર્યા બાદ કોર્ટમાં દાખલ કરવામાં આવેલી ચાર્જશીટ પ્રદાન કરવા પણ કહ્યું છે. સૂત્રોના જણાવ્યા અનુસાર લખનૌ પોલીસ સિવાય EDએ રિયલ એસ્ટેટ રેગ્યુલેટરી ઓથોરિટી (RERA) અને લખનૌ ડેવલપમેન્ટ ઓથોરિટીને પણ પત્ર લખીને અંસલ જૂથની અનિયમિતતાઓ વિશે સંપૂર્ણ વિગતો આપવા કહ્યું છે. EDએ RERA દ્વારા હાથ ધરાયેલા અંસલ ગ્રુપનો ફોરેન્સિક ઓડિટ રિપોર્ટ પણ માંગ્યો છે. જયારે અંસલ ગ્રુપ તેના રોકાણકારો અને ગ્રુપ હાઉસિંગની યોજનાઓને મંજૂરી આપતા અધિકારીઓની યાદી એલડીએ પાસેથી મંગાવવામાં આવી છે.

હકીકતમાં રિયલ એસ્ટેટના ઘણા મોટા ખેલાડીઓએ પણ અંસલ ગ્રુપના પ્રોજેક્ટ્સમાં રોકાણ કર્યું હતું. એમઓયુ પર હસ્તાક્ષર કર્યા પછી અંસલ જૂથે તેનું વચન પાળ્યું ન હતું, જેના કારણે ઘણા રોકાણકારો સાથે વિવાદ શરૂ થયો હતો. આ જ રીતે સામાન્ય લોકો જેમણે પોતાનું ઘર બનાવવાની ઇચ્છામાં અંસલ હાઉસિંગમાં રોકાણ કર્યું હતું તેમની સાથે પણ છેતરપિંડી કરવામાં આવી હતી, જે પછી લખનૌમાં પણ ઘણા કેસ નોંધાયા હતા.

ઉપરાંત અંસલ ગ્રુપ વિરુદ્ધ યુપી અને દેશના અન્ય ઘણા શહેરોમાં પણ છેતરપિંડીના કેસ નોંધાયા છે. મોટાભાગના કેસો જમીન ખરીદ્યા વિના લોકોને પ્લોટ વેચવાના છે. તાજેતરમાં દિલ્હી પોલીસએ પણ અંસલ જૂથ વિરુદ્ધ કેસ દાખલ કર્યો છે.

(12:10 am IST)