મુખ્ય સમાચાર
News of Wednesday, 25th May 2022

કોંગ્રેસ છોડ્યા બાદ કપિલ સિબ્બલે કહ્યું કે આગળ વધવું હંમેશા મુશ્કેલ હોયમ્પન દરેકે પોતાના માટે વિચારવું પડશે

કપિલ સિબ્બલે રાજીનામા અંગે કહ્યું કે મને લાગ્યું કે હવે સમય આવી ગયો છે કે હું સંસદમાં સ્વતંત્ર અવાજ ઉઠાવું. હું અત્યારે કોઈ પક્ષ સાથે રહેવા માંગતો ન હતો.

નવી દિલ્હી : કોંગ્રેસના વરિષ્ઠ નેતા કપિલ સિબ્બલે પોતાની 30 વર્ષની પાર્ટી એટલે કે કોંગ્રેસ છોડી દીધી છે. સિબ્બલે 16 મેના રોજ રાજીનામું આપી દીધું હતું અને સાથે જ સપાના સમર્થનથી સ્વતંત્ર ઉમેદવાર તરીકે રાજ્યસભાની ચૂંટણી માટે નોમિનેશન ફાઇલ કર્યું હતું. આ સાથે જ પાર્ટીને અલવિદા કહ્યા બાદ સિબ્બલનું કોંગ્રેસ પાર્ટીને લઈને પહેલું નિવેદન સામે આવ્યું છે. નિવેદનમાં સિબ્બલે કહ્યું કે આગળ વધવું હંમેશા મુશ્કેલ હોય છે, પરંતુ દરેકે પોતાના માટે વિચારવું પડશે.

કપિલ સિબ્બલે  રાજીનામા અંગે કહ્યું કે મને લાગ્યું કે હવે સમય આવી ગયો છે કે હું સંસદમાં સ્વતંત્ર અવાજ ઉઠાવું. હું અત્યારે કોઈ પક્ષ સાથે રહેવા માંગતો ન હતો.”

તેમણે કહ્યું કે જ્યારે તમે લાંબા સમય સુધી કોઈ પાર્ટી સાથે જોડાયેલા હોવ તો તેને છોડવું હંમેશા મુશ્કેલ હોય છે. પરંતુ, દરેક વ્યક્તિએ પોતાના માટે વિચારવું પડશે. 2024ની રાષ્ટ્રીય ચૂંટણીમાં ભાજપ સામે લડવા માટે તેમણે તમામ રાજકીય પક્ષોને એક મંચ પર લાવવાનું કામ કરવું પડશે. પરંતુ શું કોંગ્રેસ વિના વિપક્ષી ગઠબંધન શક્ય છે?

નોંધનીય છે કે, કપિલ સિબ્બલે આજે લખનૌમાં રાજ્યસભાના ઉમેદવારનું નામાંકન ભરતી વખતે કહ્યું હતું કે તેમણે 16 મેના રોજ જ કોંગ્રેસ પાર્ટીમાંથી રાજીનામું આપી દીધું હતું.

કપિલ સિબ્બલે તાજેતરમાં લખનૌમાં સમાજવાદી પાર્ટીના અધ્યક્ષ અખિલેશ યાદવ સાથે મુલાકાત કરી હતી. મળતી માહિતી મુજબ, સિબ્બલે સુપ્રીમ કોર્ટમાં સમાજવાદી પાર્ટીના વરિષ્ઠ નેતા આઝમ ખાનનું પ્રતિનિધિત્વ કર્યું હતું. આઝમ ખાનને બે વર્ષની જેલ બાદ સુપ્રીમ કોર્ટે વચગાળાના જામીન પર મુક્ત કર્યા હતા. જયારે આવતા મહિને રાજ્યસભાની ચૂંટણીમાં ઉત્તર પ્રદેશની 11 બેઠકોનો સમાવેશ કરવામાં આવશે.

(11:36 pm IST)