મુખ્ય સમાચાર
News of Wednesday, 25th May 2022

સોશ્‍યલ મીડીયા પર દવા અને સલાહ નહીં આપી શકે ડોકટરો

એન એમસી દ્વારા બહાર પડયા નિયમો:સાજા થયેલ દર્દીઓની માહિતી અથવા સર્જરીના વીડીયો શેર નહીં કરી શકાય

જયપુર, તા.૨૫: ડોકટરો હવે સોશ્‍યલ મીડીયા પર દવાઓ નહીં પ્રીસ્‍ક્રાઇબ કરી શકે અને દર્દીઓને સલાહ પણ નહીં આપી શકે. સોશ્‍યલ મીડીયા પર લાઇકસ, ફોલોઅર્સ મેળવવા, અને સર્ચ એલ્‍ગોરીધમમાં પોતાનું નામ ટોપ પર બતાવવા માટે રૂપિયા ખર્ચ કરવાથી પણ બચવું પડશે. ડોકટર અંગે દર્દીઓનો મત અથવા તેમના રીવ્‍યુ પણ શેર નહીં કરી શકાય.

આ ઉપરાંત સારવાર પછી સાજા થયેલા દર્દીઓની માહિતી અથવા સર્જરીના વીડીયો અને ફોટો શેર નહીં કરી શકાય. આ આદેશ એન એમસી તરફથી સોમવારે જાહેર કરાયેલ મેડીકલ પ્રેકટીશનર (પ્રોફેશ્‍નલ) કંડકટ રેગ્‍યુલેશન્‍સમાં સામેલ કરાયા છે.

વિદેશથી ભણીને ભારત પાછા ફરેલા અને ભારતમાં પ્રેકટીસ કરવા ઇચ્‍છતા ડોકટરો એન એમસી દ્વારા અનુમોદીત ડીગ્રી જ લખી શકશે. આ પહેલા રશીયાથી ભણીને આવેલા એમબીબીએસ ડોકટરો પોતાના નામ સાથે એમડીની ડીગ્રી લખતા હતા. રશીયામાં એમબીબીએસ ડીગ્રીને એમડી કહેવાય છે. હવે આવુ નહી કરી શકાય.

આયુર્વેદ અને આધુનિક મેડીસીનની પ્રેકટીસ કરવા માટે પાત્ર ડોકટર કોઇ પણ એક જ પ્રેકટીસ કરી શકશે. ક્રોસ પૈથી રોકવા માટે આમ કરાયું છે.

આઇ એમ એ સ્‍ટેન્‍ડીંગ કમિટી ઓન જુનિયર ડોકટર્સના સભ્‍ય ડોકટર શંકુલ દ્વિવેદીએ જણાવ્‍યુ કે ટેલીમેડીસીન માટે લેખીત મંજૂરી લેવી પડશે. દર્દીની ઉંમર ૧૮ વર્ષથી ઓછી હોય તો વાલીઓની મંજૂરી લેવી પડશે. મેડીકલ રીપોર્ટસ ૫ દિવસ સુધી ઉપલબ્‍ધ કરાવી શકાશે પહેલા આ મુદત ૭૨ કલાક હતી.

સોશ્‍યલ મીડીયા પર પ્રમાણીત માહિતી જ શેર કરી શકાશે. સારવારની ચર્ચા તેના પર નહીં કરી શકાય. જો દર્દી ડોકટર પાસે સોશ્‍યલ મીડીયાના માધ્‍યમથી પહોંચ્‍યો હોય તો ટેલીમેડીસીન કન્‍સલટેશન અથવા વ્‍યકિતગત સલાહ આપવાની રહેશે. ડોકટર દર્દીઓની તસ્‍વીર અને તેના રિપોર્ટ સોશ્‍યલ મીડીયા પર શેર નહીં કરી શકે.

(12:18 pm IST)