મુખ્ય સમાચાર
News of Tuesday, 25th January 2022

સ્‍કુટી ચલાવતી વખતે એક બેદરકારીના કારણે 23 હજાર સુધીનું ચલણ કપાઇ શકેઃ નવા નિયમોમાં વાહનચાલકોએ ધ્‍યાન રાખવુ ખૂબ જ જરૂરી

ડ્રાઈવિંગ લાયસન્‍સ, આરસી બુક, વિમા, હેલ્‍મેટ સહિતની બાબતોમાં દંડાત્‍મક કાર્યવાહી થઇ શકે

નવી દિલ્હી: શું તમે પણ સ્કૂટી ચલાવો છો તો તમારા માટે આ ખબર જાણવા ખુબ જરૂરી છે. જ્યારે પણ કોઈ વ્યક્તિ વાહન ચલાવે છે તો તેને સૌથી પહેલા તો ટ્રાફિકના નિયમો વિશે સંપૂર્ણ માહિતી હોવી ખુબ જરૂરી છે. જેથી કરીને ઘરની બહાર નીકળે તો તેણે ભારે નુકસાન સહન ન કરવું પડે. તમારી એક બેદરકારીના કારણે તમારું 23 હજાર રૂપિયા સુધીનું ચલણ કપાઈ શકે છે. આવો જાણીએ નવા નિયમો મુજબ તમારે કઈ કઈ વાતોનું ધ્યાન રાખવું જોઈએ.

તમારું વાહન તમારી જવાબદારી

રોડ પર નીકળતા પહેલા તમારે કેટલીક ખાસ વાતોનું બરાબર ધ્યાન રાખવું જોઈએ. કારણ કે મોટાભાગના લોકો ભૂલી જાય છે કે તેમણે ટ્રાફિકના નિયમોનું પણ પાલન કરવાનું છે. અત્રે જણાવવાનું કે નવા નિયમો મુજબ તમારા સ્કૂટરનું 23000 રૂપિયા સુધીનું ચલણ કપાઈ શકે છે.

1. ડ્રાઈવિંગ લાઈસન્સ વગર સ્કૂટર ચલાવો તો 5000 રૂપિયા સુધીનો દંડ

2. રજિસ્ટ્રેશન સર્ટિફિકેટ (RC) વગર ગાડી ચલાવતા પકડાયા તો 5000 રૂપિયા સુધીનો દંડ

3. વીમા વગરની ગાડી પકડાય તો 2000 રૂપિયાનું ચલણ

4. એક પોલ્યુશન સ્ટાન્ડર્ડ તોડવા બદલ 10,000 રૂપિયાનો દંડ

5. હેલ્મેટ વગર ગાડી ચલાવતા પકડાઈ જાઓ તો 1000 રૂપિયાનો દંડ

નિયમિતપણે જો તમે આ વાતોનો ખ્યાલ રાખશો તો તમને કોઈ પરેશાની નહીં થાય. નવા ટ્રાફિક નિયમો વર્ષ 2019માં લાગૂ કરવામાં આવ્યા હતા. આવો જાણીએ શું કાર ચલાવતી વખતે ફોન પર વાત કરવાથી પણ ચલણ કપાય છે ખરું?

કાર ચલાવતી વખતે ફોન પર વાત કરો તો?

હકીકતમાં જો કોઈ વ્યક્તિ ડ્રાઈવ કરતી વખતે ફોન પર વાત કરી રહ્યો હોય તો ટ્રાફિક નિયમો મુજબ કોઈ પણ ટ્રાફિક પોલીસકર્મી તેનું ચલણ કાપી શકે નહીં. જો તમારી સાથે આવું થાય તો તમે કોર્ટમાં તેના વિરુદ્ધ અરજી દાખલ કરી શકો છો. નિયમો મુજબ વાહન ચલાવતી વખતે જો કોઈ વ્યક્તિ હેન્ડફ્રી કમ્યુનિકેશન ફીચરનો ઉપયોગ કરીને ફોન પર વાત કરી રહ્યો હોય તો તે દંડનીય અપરાધ ગણાશે નહીં. તેણે કોઈ દંડ પણ ભરવો પડશે નહીં. આ વાતની જાણકારી રોડ પરિવહન અને રાજમાર્ગ મંત્રાલયના મંત્રીએ લોકસભામાં આપી હતી.

(5:33 pm IST)