મુખ્ય સમાચાર
News of Tuesday, 25th January 2022

રશિયા અને યુક્રેન વચ્ચે સૈન્ય તકરાર વચ્ચે અમેરિકાએ ચીનને ચેતવણી આપી: કહ્યું તાઇવાનમાં હસ્તક્ષેપ ના કરે

ચીન દ્વારા તાઈવાન સરહદે જે-10 અને જે-16 જેવા લડાયક વિમાનોનો સહિત 39 જેટલાં યુદ્ધ જહાજો મોકલ્યા બાદ અમેરિકા અને સાથી દેશો આકરા પાણીએ

નવી દિલ્હી ;રશિયા અને યુક્રેન વચ્ચે વધી રહેલી સૈન્ય તકરાર વચ્ચે અમેરિકાએ ચીનને ચેતવણી આપી છે કે તે આ તકરારનો ઉપયોગ તાઇવાનમાં પોતાનો હસ્તક્ષેપ વધારવા ના કરે.

  અત્રે ઉલ્લેખનીય છે કે, ચીન દ્વારા તાઈવાન સરહદે જે-10 અને જે-16 જેવા લડાયક વિમાનોનો સહિત 39 જેટલાં યુદ્ધ જહાજો મોકલ્યા બાદ અમેરિકા અને સાથી દેશો આકરા પાણીએ આવ્યા છે. અમેરિકા સહિતના દેશો તેને ચેતવણી આપી ચૂક્યા હોવા છતાં ડ્રેગન પીછેહઠ કરવા તૈયાર નથી.

અમેરિકા પરમાણુ હથિયારથી સજ્જ ત્રણ યુદ્ધજહાજ તૈનાત કરી ચૂક્યું છે. યુદ્ધજહાજ કાર્લ વિન્સન તેમજ અબ્રાહમ લિંકન તાઇવાન નજીક પેટ્રોલિંગ કરી રહ્યાં છે. તો ત્રીજું જહાજ રોનાલ્ડ રેગન જાપાનના યોકોસૂકા ખાતે તૈનાત છે. યુદ્ધજહાજો તૈનાત કરીને અમેરિકાએ ચીનને તાઇવાનથી દૂર રહેવા કડક સંદેશો આપી દીધો છે. આ ઉપરાંત જાપાનના હ્યુગો શ્રેણીના હેલિકોપ્ટર્સે પણ મોરચો સંભાળી લીધો છે. અમેરિકા પાંચમી પેઢીના બોમ્બવર્ષક લડાયક 26 એફ- 35 વિમાનો પણ તૈનાત કરી ચૂક્યું છે.

અમેરિકાએ રાજદ્વારીઓના પરિવારોના સભ્યોને યૂક્રેન છોડી દેવા ફરમાવ્યું છે. રશિયાના સૈન્ય તરફથી જોખમ વધતાં અમેરિકી નાગરિકોને પણ આ જ રીતે યૂક્રેન છોડી દેવા સલાહ આપવામાં આવી છે. અમેરિકી વિદેશ વિભાગે રવિવારે એક એડવાઇઝરી બહાર પાડીને દૂતાવાસના કર્મચારીઓ તેમજ તેમના પરિવારજનોને સ્વૈચ્છિક રીતે યૂક્રેન છોડી દેવા સલાહ આપી હતી. યૂક્રેન પહોંચેલા અમેરિકી નાગરિકોને પણ કોર્મિશયલ ફ્લાઇટ કે પછી હાથવગી ટ્રાન્સપોર્ટ વ્યવસ્થાનો ઉપયોગ કરીને યૂક્રેન છોડવા સલાહ આપવામાં આવી છે. એડવાઇઝરીમાં કહેવામાં આવ્યું છે કે યૂક્રેનમાં રશિયા ક્યાંય પણ સૈન્ય પગલું ભરશે તો અમેરિકી દૂતાવાસ તે પછી સેવા યૂક્રેન છોડવામાં સહાય સહિતની સહાય આપવાની સ્થિતિમાં નહીં હોય.

યુરોપીય વિદેશપ્રધાનોની સોમવારે મળનારી બેઠકમાં અમેરિકી વિદેશપ્રધાન એન્ટની બ્લિન્કન પણ વીડિયો લિંકથી જોડાવાના છે. સંકલિત ધોરણે રશિયાને જવાબ આપવા આ બેઠકમાં વિચારણા થઇ શકે છે. શુક્રવારે યુરોપના દેશો અને રશિયાના વિદેશપ્રધાન સર્જી લોવરોન વચ્ચે યોજાયેલી બેઠક પણ તંગદિલીને ઘટાડવામાં નિષ્ફળ ગઇ હતી. જોકે તંગદિલી ઘટાડવા વાટાઘાટોની દિશામાં આગળ વધવા બંને પક્ષો સહમત થયા હતા. પશ્ચિમના દેશો આક્ષેપ કરી રહ્યા છે કે રશિયાએ એક લાખ સૈનિકો યુક્રેન સરહદે તૈનાત કરી દીધા છે. ક્રેમલીનનું કહેવું છે કે સૈન્ય તૈનાતી આક્રમણ માટે નથી.

(12:12 am IST)