મુખ્ય સમાચાર
News of Tuesday, 25th January 2022

2024ની સામાન્ય ચૂંટણીમાં ભાજપને હરાવવો શક્ય : ચૂંટણી રણનીતિકાર પ્રશાંત કિશોરનો દાવો

પ્રશાંત કિશોરે કહ્યું જે પણ પાર્ટી કે નેતા ભાજપને હરાવવા માંગે છે, તેણે ઓછામાં ઓછા 5-10 વર્ષ માટે રણનીતિ તૈયાર કરવી પડશે. આ 5 મહિનામાં થઈ શકે નહી

નવી દિલ્હી : ચૂંટણી રણનીતિકાર પ્રશાંત કિશોરે 2024ની લોકસભા ચૂંટણીની સંભાવનાઓ વિશે ખુલ્લેઆમ પોતાનો અભિપ્રાય આપ્યો છે. પ્રશાંત કિશોરે કહ્યું કે ભાજપે હિંદુત્વ, રાષ્ટ્રવાદ અને લોક કલ્યાણની નીતિઓનું મજબૂત નેરેટિવ તૈયાર કર્યું છે અને વિપક્ષી પાર્ટીઓએ આમાંથી ઓછામાં ઓછા બે મોરચે ભાજપને હરાવવી પડશે. તેમણે કહ્યું કે તેઓ એવો વિપક્ષી મોરચો બનાવવામાં મદદ કરવા માંગે છે, જે 2024માં ભાજપને હરાવી શકે. જો આવતા મહિને યોજાનારી વિધાનસભા ચૂંટણીના પરિણામો – જેને સેમિ-ફાઇનલ તરીકે જોવામાં આવે છે તે પ્રતિકૂળ હોય તો પણ બીજેપીને હરાવી શકાય છે.

પ્રશાંત કિશોરે એનડીટીવીને આપેલા ઈન્ટરવ્યુમાં કહ્યું કે, 2024ની સામાન્ય ચૂંટણીમાં બીજેપીને હરાવવી શક્ય છે. પરંતુ શું વિપક્ષની હાલની પરિસ્થિતિ મુજબ ભાજપને હરાવી શકાય છે. કદાચ નહીં… હું એવો વિપક્ષ બનાવવામાં મદદ કરવા માંગુ છું, જે 2024માં ભાજપને મજબૂત લડત આપી શકે.

પ્રશાંત કિશોરે ફરી એકવાર લોકસભાની તે 200 બેઠકોનો ઉલ્લેખ કર્યો જ્યાં ભાજપ અને કોંગ્રેસ વચ્ચે સીધો મુકાબલો છે અને જ્યાં ભાજપે છેલ્લી બે ચૂંટણીઓમાં આમાંથી 95 બેઠકો જીતી છે, જેનો અર્થ 190 બેઠકો થાય છે. 45 વર્ષીય પ્રશાંત કિશોર પોતાને રાજકીય સલાહકાર તરીકે રજૂ કરવાનું પસંદ કરે છે. પ્રશાંત કિશોરે કહ્યું કે, જે પણ પાર્ટી કે નેતા ભાજપને હરાવવા માંગે છે, તેણે ઓછામાં ઓછા 5-10 વર્ષ માટે રણનીતિ તૈયાર કરવી પડશે. આ 5 મહિનામાં થઈ શકે નહીં.

પ્રશાંતે કહ્યું કે પશ્ચિમ બંગાળની ચૂંટણી પછી લગભગ પાંચ મહિના સુધી ચાલેલી વાતચીત છતાં કોંગ્રેસ સાથે ભાગીદારી કરવાના તેમના પ્રયાસો નિષ્ફળ ગયા. તેમણે કહ્યું, “અન્ય લોકો માટે સ્વાભાવિક લાગે છે કે પ્રશાંત કિશોર અને કોંગ્રેસે સાથે મળીને કામ કરવું જોઈએ, પરંતુ બંને પક્ષોએ આત્મવિશ્વાસ સાથે એક પગલું આગળ વધવું પડશે. પરંતુ કોંગ્રેસ સાથે આવું થઈ શક્યું નથી.”

કોંગ્રેસને એક વિચારના રૂપમાં નબળી થતાં દેખી શકાય નહીં. તેની મજબૂતી લોકશાહીના હિતમાં છે. જ્યારે કોંગ્રેસમાંથી મોટા પ્રમાણમાં નેતાઓ તૃણમૂલમાં જવાના પ્રશ્ન પર પ્રશાંત કિશોરે કહ્યું- “બંગાળ ચૂંટણી પછી પાર્ટીના વિસ્તાર માટે તૃણમૂલ કોંગ્રેસ અને ઈન્ડિયન પોલિટિકલ એક્શન કમિટી ( I-PAC) વચ્ચે એક સહમતિ બની છે. કેટલાક અવસરો પર જ્યારે તેમણે મારી જરૂરત હોય છે તો હું ઉપલબ્ધ રહું છું.”

(12:00 am IST)