મુખ્ય સમાચાર
News of Tuesday, 24th November 2020

યુએઈને ૧૫૦ દુર્લભ બાજની નિકાસ માટે પાક.ની લીલીઝંડી

સાઉદી અરબ, યુએઈને મનાવવા પાક.ના હવાતિયાં : પાકિસ્તાનની ઇમરાન સરકારે પોતાના દેશની ડૂબતી નૈયાને પાર લગાવા માટે હવે આ દુર્લભ પક્ષીઓની બલિ આપી

ઈસ્લામાબાદ, તા. ૨૪ : પાકિસ્તાનની ઇમરાન ખાન સરકારે સંયુકત અરબ અમીરાત (યુએઈ)ના વાઇસ પ્રેસિડન્ટ અને દુબઇના શાસક શેખ મોહમ્મદ બિન રાશિદ અલ મક્તૂમને ૧૫૦ દુર્લભ બાજ નિકાસ કરવાની મંજૂરી આપી દીધી છે. દુનિયાભરના વન્યજીવ નિષ્ણાતોની ચિંતાઓ બાદ પણ ઇમરાન સરકારના આ ક્રૂર નિર્ણયની જોરદાર આલોચના થઇ રહી છે. જો કે સાઉદી અરબ અને યુએઈ બંને એ પાકિસ્તાનની બોચી દબાવવાનું શરૂ કરી દીધું છે અને હવે દુબઇના શાસકને ઐય્યાશી માટે ઇમરાન સરકાર તેમને બાજ મોકલવા જઇ રહ્યા છે.

પાકિસ્તાની અખબાર ડોનના રિપોર્ટ પ્રમાણે પાકિસ્તાનથી યુએઇને ૧૫૦ બાજ 'નિકાસલ્લ કરવા માટે ખાસ મંજૂરી ઇમરાન ખાન સરકારની તરફથી આપવામાં આવી છે. સૂત્રોના મતે આ મંજૂરી વિદેશ મંત્રાલયની તરફથી આપવામાં આવી હતી અને તેને યુએઇના દૂતાવાસને સોંપી દેવાયા છે. આપને જણાવી દઇએ કે આ દુર્લભ બાજની મદદથી અરબ દેશોના શિકારી હુબાલો પક્ષીઓનો શિકાર કરે છે. ઇમરાન સરકારે આ મંજૂરી એવા સમય પર આપી છે જ્યારે સાઉદી અરબે પોતાના બાકી ૨ અબજ ડોલર પાછા માંગ્યા છે તો યુએઇ એ પાકિસ્તાનીઓને વીઝા આપવા પર પ્રતિબંધ મૂકી દીધો છે. મોટી સંખ્યામાં પાકિસ્તાની નાગરિક યુએઇમાં રહે છે અને પૈસા મોકલે છે.

બાજ પક્ષી આંતરરાષ્ટ્રીય કાયદાઓના મતે સંરક્ષિત જીવ છે અને તેની નિકાસ પ્રતિબંધિત છે પરંતુ પાકિસ્તાનની ઇમરાન સરકારે પોતાના દેશની ડૂબતી નૈયાને પાર લગાવા માટે હવે આ બેજુબાનોની બલિ આપી દીધી છે. અરબના શિકારી હવે આ બાજને પોતાના વૃદ્ધ થઇ ચૂકેલા બાજની જગ્યા પર ઉપયોગ કરશે. ખુદ પાકિસ્તાનમાં જ બાજના વેચાણ પર પ્રતિબંધ છે અને તેનો વેપાર ગેરકાયદે મનાય છે. આની પહેલાં ૨૦૧૪ની સાલમાં પાકિસ્તાનની એક કોર્ટે બાજની નિકાસ અને હુબારોના શિકાર પર પ્રતિબંધ મૂકી દીધો હતો તો સાઉદી અરબ અને યુએઇની સાથે તેમના સંબંધ રસાતલમાં જતા રહ્યા હતા. ભારે તણાવ બાદ પાકિસ્તાન સરકાર ઝૂકી ગઇ હતી અને તેને બાજને મોકલવાની મંજૂરી આપી દીધી હતી. હુબારો તિલોર પક્ષી શરમાળ પરંતુ ખૂબ જ સુંદર હોય છે અને આકારમાં તુર્કી ચકલી જેવા દેખાય છે. દર વર્ષે શિયાળાની સીઝનમાં તેઓ મધ્ય એશિયાથી ઉડીને પાકિસ્તાન આવે છે.

આ હુબારો પક્ષીઓનો શિકાર કરવા માટે ખાડી દેશોના રાજકુમાર અને ધનિક લોકો પાકિસ્તાન જતા રહે છે. સાઉદી અરબના રાજકુમારોની દાદાગીરીની સ્થિતિ એ છે કે સાઉદી પ્રિન્સે અંદાજે ૨૧૦૦ પક્ષીઓ શિકાર કર્યા, જ્યારે તેમને માત્ર ૧૦૦ પક્ષીઓના શિકારની મંજૂરી આપી હતી. છેલ્લાં ચાર દાયકાથી પણ વધુ સમયથી પાકિસ્તાન હવે અરબ દેશોના ઉચ્ચ અધિકારીઓને બાજની મદદથી થનાર શિકાર માટે આમંત્રણ આપી રહ્યા છે. પાકિસ્તાનના બ્લુચિસ્તાન પ્રાંતને શિકારની દરેક સીઝનમાં ઓછામાં ઓછા ૨ અબજ રૂપિયાની કમાણી થાય છે.

(9:00 pm IST)