મુખ્ય સમાચાર
News of Tuesday, 24th November 2020

ભારતમાં બધા લોકોને વેકસીન લગાવવામાં ૩ વર્ષ લાગશે

સ્વસ્થ લોકોને રસી માટે ૨૦૨૨ સુધી રાહ જોવી પડશેઃ વેકસીને લઈને એક પુસ્તકમાં દાવોઃ ભારતમાં સૌ પહેલા ૧ કરોડ લોકોને વેકસીન લગાવાશેઃ સરકારે યાદી તૈયાર કરી

નવી દિલ્હી, તા. ૨૪ :. દેશમાં કોરોના વેકસીનની ઈન્તેજારી હવે સમાપ્ત થવાની છે. વેકસીનની પહેલી ખેપ આવતા વર્ષે ફેબ્રુઆરીમાં આવી શકે છે પરંતુ નિષ્ણાંતોનું માનીએ તો ભારતમાં વેકસીન લગાવવામાં ઓછામાં ઓછા ૩ વર્ષનો સમય લાગી શકે છે. આ સિવાય દેશભરમાં સ્વસ્થ લોકોને વેકસીન માટે ૨૦૨૨ સુધી રાહ જોવી પડી શકે છે. વેકસીનને લઈને આ દાવો નવા પુસ્તક 'ટીલ વી વીન - ફાઈટ અગેઈન્સ્ટ કોવીડ-૧૯'મા કરવામાં આવ્યો છે. આ પુસ્તક લખ્યુ છે એઈમ્સના ડાયરેકટર રણદીપ ગુલેરીયા, પબ્લિક પોલીસી અને હેલ્થ સિસ્ટમના એકસપર્ટ ડો. ચંદ્રકાંત લહેરીયા અને જાણીતા વેકસીનના સંશોધક ડો. ગગનદીપ કાંગએ આ પુસ્તક ૧૦ ડીસેમ્બરે બજારમાં આવવાનુ છે. દરમિયાન ભારતમાં સૌથી પહેલા ૧ કરોડ લોકોને લાગશે વેકસીન. સરકારે આ માટેની તૈયારી પણ શરૂ કરી છે. જુલાઈ સુધીમાં ૨૦ થી ૨૫ કરોડ લોકોને રસી લગાવી દેવામાં આવશે.

આ પુસ્તકમાં જણાવાયુ છે કે હેલ્થ વર્કરને વેકસીન લગાવવામાં પ્રાથમિકતા અપાશે. આ સિવાય વૃદ્ધો અને વાયરસને લઈને સૌથી વધુ ખતરામાં આવતા લોકોને પહેલા વેકસીન અપાશે. પુસ્તકમાં દાવો થયો છે કે કેટલીક વેકસીન ૨૦૨૧ના પ્રારંભે મળતી થઈ જશે. એવુ લાગે છે કે વેકસીનનો પહેલો ડોઝ ૨૦ ટકા એવા લોકોને અપાશે જેઓ કોરોના વોરીયર્સ છે. સ્વસ્થ લોકોને ૨૦૨૨માં વેકસીનનો પહેલો ડોઝ મળી શકે છે. જ્યારે સમગ્ર દેશના લોકોને વેકસીન લગાવવામા ૨ થી ૩ વર્ષનો સમય લાગી શકે છે.

આ પુસ્તકમાં વિસ્તારથી જણાવાયુ છે કે કોરોના વેકસીનને લઈને કોને પ્રાથમિકતા અપાવવી જોઈએ ? જો વેકસીનનું લક્ષ્યાંક વધુને વધુ લોકોને મોતથી બચાવવા હોય તો પહેલા હેલ્થ વર્કર્સ અને વૃદ્ધોને વેકસીન અપાવવી જોઈએ. પરંતુ જો સરકારનું લક્ષ્યાંક સંક્રમણને રોકવાનુ હોય તો પછી સૌ પહેલા તે યુવાનોને અપાવવી જોઈએ કે જેઓ બીજાને જલદી મળતા હોય છે.

હર્ડ ઈમ્યુનીટી અંગે પુસ્તકમાં લખાયુ છે કે અનેક દેશોમાં અત્યાર સુધી એ સ્થિતિ નથી પહોંચી. ભારતમા કોરોનાની ૫ વેકસીન એડવાન્સ્ડ સ્ટેજ પર છે.

દરમિયાન ભારતમાં વેકસીન ૨૦૨૧ના પ્રારંભે મળશે. પ્રાથમિકતાના આધારે ૧ કરોડ ફ્રન્ટ લાઈન હેલ્થ વર્કર્સને તે અપાશે. જેની યાદી તૈયાર થઈ ગઈ છે. દેશની ૯૨ ટકા સરકારી હોસ્પીટલે ડેટા આપી દીધો છે. આ ઉપરાંત ૫૬ ટકા ખાનગી હોસ્પીટલોએ પણ ડેટા આપી દીધો છે. સૌ પહેલા ૧ કરોડ લોકોને વેકસીન લગાવવામા આવશે. જુલાઈ સુધીમાં ૨૫ કરોડ લોકોને આપવાનું સરકારનુ આયોજન છે.

(10:36 am IST)