મુખ્ય સમાચાર
News of Tuesday, 24th May 2022

રાહુલ ગાંધીની જેરેમી કોર્બીન સાથેની મુલાકાત પર ભાજપ અને કોંગ્રેસમાં આરોપ-પ્રત્યારોપનો દોર શરૂ

ભાજપે રાહુલ ગાંધી પર નિશાન સાધતા કહ્યું કે, એક વ્યક્તિ ક્યાં સુધી અને કેટલો સમય પોતાના દેશની વિરુદ્ધ જઈ શકે છે.:કોર્બીન સાથેની વડાપ્રધાન મોદીની મુલાકાતની તસવીરો શેર કરીને કોંગ્રેસે વળતો પ્રહાર કર્યો:સવાલ કર્યો કે શું આ મીટિંગનો અર્થ એ છે કે વડાપ્રધાન પણ કોર્બીનના ભારત અંગેના વિચારોનું સમર્થન કરે છે?

બ્રિટનની લેબર પાર્ટીના નેતા જેરેમી કોર્બીન સાથે કોંગ્રેસના પૂર્વ અધ્યક્ષ રાહુલ ગાંધીની મુલાકાતને લઈને ભાજપ અને કોંગ્રેસમાં આરોપ-પ્રત્યારોપનો દોર શરૂ થઈ ગયો છે. ભારતીય જનતા પાર્ટી (BJP)એ મંગળવારે રાહુલ ગાંધી પર નિશાન સાધતા કહ્યું કે, એક વ્યક્તિ ક્યાં સુધી અને કેટલો સમય પોતાના દેશની વિરુદ્ધ જઈ શકે છે.

કોર્બીન સાથેની વડાપ્રધાન મોદીની મુલાકાતની તસવીરો શેર કરીને કોંગ્રેસે વળતો પ્રહાર કર્યો અને સવાલ કર્યો કે શું આ મીટિંગનો અર્થ એ છે કે વડાપ્રધાન પણ કોર્બીનના ભારત અંગેના વિચારોનું સમર્થન કરે છે? મુખ્ય વિપક્ષી દળે એમ પણ કહ્યું કે ભારતના નેતાઓ ભૂતકાળમાં જુદા જુદા વિચારો સાથે વિદેશી નેતાઓને મળતા આવ્યા છે અને ભવિષ્યમાં પણ તેઓને મળતા રહેશે.

કેન્દ્રીય મંત્રી કિરેન રિજિજુ અને ભાજપના આઈટી સેલના વડા અમિત માલવિયાએ કોર્બીન સાથેની રાહુલ ગાંધીની મુલાકાતની તસવીર શેર કરતા કહ્યું કે કોંગ્રેસના પૂર્વ અધ્યક્ષ એક બ્રિટિશ નેતાને મળ્યા છે જેઓ ભારતથી કાશ્મીરને અલગ કરવાની હિમાયત કરે છે.

આના પર કોંગ્રેસના મુખ્ય પ્રવક્તા રણદીપ સુરજેવાલાએ વડાપ્રધાન મોદી અને કોર્બીન વચ્ચેની અગાઉની મુલાકાતની તસવીર શેર કરી અને કહ્યું કે જો અલગ-અલગ વિચારો ધરાવતા વિદેશી નેતાઓને મળવાના નથી, તો સરકારે આ અંગે સ્પષ્ટતા કરવી જોઈએ. તમને જણાવી દઈએ કે રિજિજુ અને માલવિયા દ્વારા શેર કરવામાં આવેલી તસવીરમાં કોર્બીન અને રાહુલ ગાંધી સાથે ‘ઈન્ડિયન ઓવરસીઝ કોંગ્રેસ’ના ચીફ સામ પિત્રોડા પણ જોવા મળે છે. રાહુલ ગાંધી આ દિવસોમાં યુકેના પ્રવાસે છે, જ્યાં તેમણે સોમવારે કેમ્બ્રિજ યુનિવર્સિટીના સંવાદ સત્રમાં પણ હાજરી આપી હતી.

(11:30 pm IST)