મુખ્ય સમાચાર
News of Tuesday, 24th May 2022

આઈએએસ વતી જીપીએસસીના ઉમેદવારે મિટિંગ લીધી હતી

કે.રાજેશના કથિત કૌભાંડમાં રોજ નવા નવા ફણગાં ફૂટે છે : જમીનની ટોચમર્યાદાના વિવાદ પર એક બેઠકની અધ્યક્ષતામૂળ મોરબીનો વતની પોતાની ઓળખ એચપી તરીકે આપનારાએ કરી હતી

અમદાવાદ , તા.૨૪ : શું તમે ક્યારેય સાંભળ્યું છે કે ગુજરાત પબ્લિક સર્વિસ કમિશન (જીપીએસસી) નો ઉમેદવાર આઈએએસઓફિસર વતી મીટિંગ લે? આ કથિત રીતે સુરેન્દ્રનગર જિલ્લા કલેક્ટર કચેરી માં બન્યું હતું જ્યાં એક વ્યક્તિ, જે મૂળ મોરબીનો વતની છે, તેણે તત્કાલિન કલેક્ટર કે. રાજેશ વતી જમીનની ટોચમર્યાદાના વિવાદ પર એક બેઠકની અધ્યક્ષતા કરી હતી. આ વ્યક્તિ પોતાને એચપીતરીકે ઓળખાતો અને પોતે કડવા પાટીદાર સમાજના એક પ્રભાવશાળી ભાજપ નેતાના ભત્રીજા તરીકે ઓળખાવતો હતો. જોકે હવે આ વ્યક્તિ ૨૦૧૧-બેચના આઈએએસઅધિકારી સાથેના પોતાના અનૈતિક નાણાકીય વ્યવહારો માટે સીબીઆઈના રડારમાં છે. તેમ કેન્દ્રીય તપાસ એજન્સીના એક અધિકારીએ જણાવ્યું હતું. સીબીઆઈ અધિકારીએ, પ્રારંભિક પૂછપરછ દરમિયાન એચપીને ૫ લાખ રૃપિયાના પાંચ ટ્રાન્ઝેક્શન અંગે પૂછપરછ માટે બોલાવવામાં આવ્યો હતા જે તેણે કથિત રીતે રાજેશના ખાતામાં ચૂકવ્યા હતા.

સીબીઆઈઅધિકારીએ ઉમેર્યું હતું કે, એચપીપ્રથમ વખત કે રાજેશને ત્યારે મળ્યો હતો જ્યારે તેઓ મોરબીના મદદનીશ જિલ્લા કલેક્ટર તરીકે પોસ્ટ કરવામાં આવ્યા હતા. તેમની વચ્ચે ટૂંક સમયમાં મિત્રતા વિકસી હતી. જે બાદ જ્યારે રાજેશની સુરત જિલ્લા વિકાસ અધિકારી તરીકે બદલી કરવામાં આવી ત્યારે તેમની સાથે એચ.પી. પણ સુરત ગયો હતો એટલું જ નહીં જ્યારે રાજેશની સુરતના જિલ્લા કલેક્ટર તરીકે નિમણૂક કરવામાં આવી ત્યારે પણ એચપી રાજેશના ઘરે રોકાતો હતો. સૂત્રોએ દાવો કર્યો હતો કે એચપી ઘણીવાર કહેતો હતો કે તે હજુ જીપીએસસીપરીક્ષાઓની તૈયારી કરી રહ્યો છે પણ તેમ છતાં તેને હંમેશા એવું લાગતું કે પોતે અત્યારથી જ કલેક્ટર છે.

સુરેન્દ્રનગર કલેક્ટર કચેરીના એક સૂત્રએ આક્ષેપ કર્યો હતો કે, એચપીએ કલેક્ટર કચેરી ખાતે અનેક બેઠકોની અધ્યક્ષતા કરી છે. ઘણી મીટિંગ્સમાં તે કલેક્ટરની ખુરશીમાં બેઠો હોય જ્યારે રાજેશ અને નાયબ મામલતદાર જયંતિ ગોલવાડિયા તેની બાજુમાં તેના જુનિયર હોય તેમ બેસતા હતા. પ્રાંત અધિકારીઓ પણ જમીનની ટોચમર્યાદાના વિવાદ અંગેની બેઠકનો ભાગ હતા જેની અધ્યક્ષતા એચપીએ કરી હતી.

૨૦૧૮ થી ૨૦૨૧ સુધી સુરેન્દ્રનગર કલેક્ટર રહેલા ૩૬ વર્ષીય રાજેશ હાલમાં ગાંધીનગરમાં સામાન્ય વહીવટ વિભાગમાં સંયુક્ત સચિવ તરીકે પોસ્ટેડ છે. સીબીઆઈએ ગુરૃવારે મોડી રાત્રે રાજેશના ગુજરાતના ગાંધીનગર અને અમદાવાદમાં રહેઠાણ, ઓફિસ અને અન્ય જગ્યાઓ તેમજ આંધ્રપ્રદેશના રાજમુન્દ્રીમાં તેના વતન પર તપાસ હાથ ધરી હતી. તેમની વિરુદ્ધ ફરિયાદીએ સુરેન્દ્રનગર જિલ્લા કલેક્ટર તરીકેના તેમના કાર્યકાળ દરમિયાન જમીન અને હથિયાર લાઈસન્સ સંબંધિત અરજીઓના નિકાલ માટે લાંચ લેવાના આરોપ સાથે ફરિયાદ નોંધાવી હતી. જે બાદ સીબીઆઈએ સુરતના એક વચેટિયાની પણ ધરપકડ કરી છે જે કથિત રીતે રાજેશ માટે લાંચ લેતો હતો. બાદમાં, સીબીઆઈએ કે. રાજેશ અને કથિત વચેટિયા રફીક મેમણ સામે બનાવટી બિલ બનાવવા, ગુનાહિત કાવતરું અને પુરાવાનો નાશ કરવાના આરોપો સાથે ભ્રષ્ટાચાર નિવારણ અધિનિયમ અને માહિતી ટેકનોલોજી અધિનિયમની જોગવાઈઓ હેઠળના આરોપો હેઠળ FIR દાખલ કરી હતી

(8:22 pm IST)