મુખ્ય સમાચાર
News of Tuesday, 24th May 2022

ભારતે પડોશી ધર્મ બજાવ્‍યો : શ્રીલંકાને ૪૦ હજાર મેટ્રિક ટન પેટ્રોલ મોકલ્‍યું

 નવી દિલ્‍હી,તા.૨૪ : ઈતિહાસની સૌથી ભયંકર આર્થિક કટોકટીનો સામનો કરી રહેલ શ્રીલંકા માટે ભારતે ફરી મદદનો હાથ લંબાવ્‍યો છે. શ્રીલંકાને જરૂરી ખાદ્યવસ્‍તુઓ બાદ ગત સપ્તાહે ઘઉં અને હવે પેટ્રોલ-ડીઝલ ભારત સરકારે મોકલ્‍યા છે.ભારતમાં મોંઘવારી ચરમસીમાએ છે.

 મોંઘવારી દરને કાબૂમાં કરવા ૨૨મી મેના રોજ સરકારે પેટ્રોલ-ડીઝલ પરની એક્‍સાઈઝ ડ્‍યૂટી ઘટાડી હતી પરંતુ તેનાથી મોંઘવારીનો દર માત્ર ૦.૨૫% જ નીચે આવવાની સંભાવના છે. જોકે દેશની આ કપરી પરિસ્‍થિતિમાં પણ આપણે પાડોશી દેશ લંકાને એક બાદ એક મદદ કરી રહ્યાં છે.

 ભારતે પોતાના પાડોશી ધર્મની ભૂમિકા ભજવતા પોતાના નાદારીના દ્રારે પહોંચેલ દેશ શ્રીલંકાને ખરાબ સમયમાં મદદ કરી છે. જો કે આ પહેલીવાર નથી જ્‍યારે ભારતે શ્રીલંકાને પેટ્રોલ મોકલીને મદદ કરી હોય. આ પહેલા ભારતે શ્રીલંકાને બે વખત પેટ્રોલ આપીને મદદ કરી હતી. સોમવારે ભારતે ફરી એકવાર શ્રીલંકાને ૪૦૦૦૦ મેટ્રિક ટન પેટ્રોલ મોકલ્‍યું છે. આ ઈંધણનો જથ્‍થો આજે શ્રીલંકાની રાજધાની કોલંબો પહોંચશે.

 અગાઉ, ભારતે શ્રીલંકાની ડૂબતી અર્થવ્‍યવસ્‍થાને ફરી પાટે ચઢાવવા માટે એક અબજ યુએસ ડોલરની લોનની પણ જાહેરાત કરી હતી. આ અગાઉ ભારતે શ્રીલંકાની મદદ માટે લગભગ ૨ મહિના પહેલા ૩૬ હજાર મેટ્રિક ટન પેટ્રોલ અને ૪૦ હજાર મેટ્રિક ટન ડીઝલ મોકલ્‍યું હતું. આમ કુલ ભારતે આજ સુધી શ્રીલંકાને ૨.૭૦ લાખ ટનથી વધુ ઇંધણ મોકલ્‍યું હતું.

(3:52 pm IST)