મુખ્ય સમાચાર
News of Tuesday, 24th May 2022

ટાઇમે દુનિયાના ૧૦૦ સૌથી વધુ પ્રભાવશાળી લોકોની યાદી જાહેર કરી ઝેલેન્‍સ્‍કી, પુતિન, અદાણી સામેલ

બિઝનેસથી લઇને રાજનીતિ અને ખેલ ક્ષેત્રથી દુનિયાના ૧૦૦ હસ્‍તિઓને સામેલ કરવામાં આવી છે

વોશિંગટન તા. ૨૪ : વિશ્વના જાણીતા ટાઇમ મેગેઝિને દુનિયાના ૧૦૦ સૌથી પ્રભાવશાળી લોકોની વાર્ષિક યાદી જાહેર કરી છે. આ યાદીમાં ભારતીય ઉદ્યોગપતિ ગૌતમ અદાણી, સુપ્રીમ કોર્ટના વકીલ કરૂણા નંદી અને કાશ્‍મીરી એક્‍ટિવિસ્‍ટ ખુર્રમ પરવેઝનું નામ સામેલ છે. ટાઈમની યાદીમાં યુક્રેનના રાષ્ટ્રપતિ વોલોડિમિર ઝેલેન્‍સ્‍કી, મિશેલ ઓબામા, એપ્‍પલના સીઈઓ ટિમ કુકનું નામ પણ સામેલ છે. તો અમેરિકી રાષ્ટ્રપતિ જો બાઇડેન, કેવિન મૈકાર્થી, રોન ડેન્‍સિટિસ, કિર્સ્‍ટન સિનેમા, કેતનજી બ્રાઉન જૈક્‍સન અમેરિકી રાજનીતિક હસ્‍તિઓ છે. વિશ્વના ૧૦૦ સૌથી પ્રભાવશાળી વ્‍યક્‍તિઓમાં ૧૮ વર્ષની એલીન ગુ પણ છે તો સૌથી મોટી ઉંમરની વ્‍યક્‍તિમાં રિંગગોલ્‍ડ છે, જેમની ઉંમર ૯૧ વર્ષ છે.

ટાઇમના ૧૦૦ પ્રભાવશાળી લોકોની યાદીમાં ચીની રાષ્ટ્રપતિ શી જિનપિંગને પણ સામેલ કરવામાં આવ્‍યા છે. તો રશિયાના રાષ્ટ્રપતિ પુતિન (૭), ઓપરા વિનફ્રે (૧૦), જો બાઇડેન (૫), ટિમ કુક (૫), ક્રિસ્‍ટીન લેગાર્ડ (૫), એડેલ (૩), રાફેલ નડાલ (૨), અબી અહમદ (૨), એલેક્‍સ મોર્ગન (૨), ઇસ્‍સા રાય (૨), મેગન રાપિનો (૨) અને ઉર્સુલા વાન ડેર લેયેનને પણ ટાઇમની યાદીમાં જગ્‍યા મળી છે.

ટાઇમના ૧૦૦ પ્રભાવશાળી વ્‍યક્‍તિઓમાં મનોરંજન ક્ષેત્ર સાથે જોડાયેલા ચેનિંગ ટૈટમ, પીટ ડેવિડસન, અમાન્‍ડા સેફ્રાઇડ, ઝેન્‍ડાયા, એડેલ, સિમૂ લિયૂ, મિલા કુનિસ, ઓપરા વિનફ્રે, અહમિર ક્‍વેસ્‍ટલોવ થોમ્‍પસન, મૈરી જે બ્‍લિઝ, મિરાન્‍ડા લેમ્‍બર્ટ, જોન બૈટિસ્‍ટ અને કીનૂ રીવ્‍સને જગ્‍યા મળી છે. આ સિવાય એથલિટ્‍સમાં નાથન ચેન, એલેક્‍સ મોર્ગન, એલીન ગુ, કેન્‍ડેસ પાર્કર, મેગન રૈપિનો, બેકી સોરબ્રુન અને રાફેલ નડાલનું નામ છે.

(10:14 am IST)