મુખ્ય સમાચાર
News of Friday, 23rd October 2020

અક્ષયકુમાર ફિલ્‍મ ‘લક્ષ્મી બોમ્‍બ'નું ટ્રેલર લોન્‍ચઃ ફિલ્‍મ ધાર્મિક ભાવનાઓને દુભાવી રહી હોવાથી પ્રતિબંધ મુકવા હિન્‍દુ સંગઠનોની રજૂઆત

નવી દિલ્હી: બોલીવુડ સ્ટાર અક્ષય કુમારની ફિલ્મ લક્ષ્મી બોમ્બનું ટ્રેલર લોન્ચ કરવામાં આવ્યું હતું. ફિલ્મની રિલીઝ ડેટ હવે નજીક આવી રહી છે, ત્યારે ફિલ્મના નામને લઇને વિવાદ થઇ રહ્યો છે. દેશમાં કેટલાક સંગઠન ફિલ્મના નામને લઇને વિરોધ કરી રહ્યાં છે. આ સંગઠનોનું કહેવું છે કે, ફિલ્મ પર પ્રતિબંધ મુકવો જોઇએ. કેટલાક લોકોનું કહેવું છે કે ફિલ્મ ધાર્મિક ભાવનાઓને દુભાવી રહી છે. હવે રાષ્ટ્રીય હિન્દુ સેનાએ પણ ફિલ્મની સામે મોરચો ખોલ્યો છે.

રાષ્ટ્રીય હિન્દુ સેના કરી રહી છે લક્ષ્મી બોમ્બનો વિરોધ

રાષ્ટ્રીય હિન્દુ સેનાએ કેન્દ્રીય મંત્રી પ્રકાશ જાવડેકરને પત્ર લખ્યો છે. આ પત્રના માધ્યમથી ફિલ્મ લક્ષ્મી બોમ્બ પર પ્રતિબંધ લગાવવાની માગં કરી છે. સંગઠને ચેતવણી આપી છે કે, જો ફિલ્મનું નામ બદલવામાં આવ્યું નહીં તો રિલીઝના સમયે સંગઠનના કાર્યકર્તા વિરોધ પ્રદર્શન કરશે.

હિન્દુ સેનાના રાષ્ટ્રીય અધ્યક્ષએ ટ્વીટ કરી આપી ચેતવણી

હિન્દુ સેનાના રાષ્ટ્રીય અધ્યક્ષ વિષ્ણુ ગુપ્તા એ ટ્વીટ કરી કેન્દ્રીય મંત્રી પ્રકાશ જાવડેકરને લખેલો પત્ર શેર કર્યો છે. તેમણે ટ્વીટમાં લખ્યું કે, હિન્દુ સેનાએ પ્રકાશ જાવડેકરને એક પત્ર લખ્યો છે. તેમાં માંગ કરવામાં આવી છે કે, લક્ષ્મી બોમ્બના મેકર્સ અને કાસ્ટની સામે એક્શન લેવામાં આવે. ફિલ્મ દ્વારા હિન્દુ દેવી લક્ષ્મીનું અપમાન કરવામાં આવ્યું છે.

ફિલ્મના નામથી થઈ રહ્યું છે માતા લક્ષ્મીનું અપમાન

પત્રમાં જણાવવામાં આવ્યું છે કે, મેકર્સે હિન્દુ સમાજને ઉકસાવવાનો પ્રયાસ કર્યો છે. હિન્દુ સેનાનું કહેવું છે કે, લક્ષ્મીના બોમ્બનો ઉપયોગ ખોટો છે અને તેઓ આ સ્વીકાર કરશે નહીં. બોમ્બનો ઉપયોગ કરી માતા લક્ષ્મીનું અપમાન કરવામાં આવી રહ્યું છે. સાથે જ કહેવામાં આવ્યું છે કે, આ ફિલ્મમાં લવ જેહાદને પ્રોત્સાહન આપવામાં આવી રહ્યું છે. ફિલ્મમાં હિન્દુ છોકરાને મુસ્લિમ છોકરી સાથે પ્રેમ કરતા દેખાળવામાં આવ્યો છે.

9 નવેમ્બરના રિલીઝ થશે ફિલ્મ

તમને જણાવી દઇએ કે, અક્ષય કુમારની ફિલ્મ 9 નવેમ્બરના ઓટીટી પ્લેટફોર્મ પર રિલીઝ થવાની છે. ફિલ્મમાં કિયારા અડવાણી ફિમેલ લીડમાં છે. ફિલ્મનું ટ્રેલર પણ ટ્રેન્ડિંગમાં છે અને ફિલ્મનું પ્રથમ સોન્ગ પણ રિલીઝ થયું છે. ફિલ્મમાં બુર્ઝ ખલીફા સોન્ગ પણ હિટ થઇ રહ્યું છે.

(5:00 pm IST)