મુખ્ય સમાચાર
News of Friday, 23rd October 2020

ફેમિલી કોર્ટનો અનોખો નિર્ણયઃ પતિને દર મહિને ૨૦૦૦ રૂપિયા ભરણપોષણ ભથ્થું આપે પત્નિ

કોર્ટમાં કેસ જીત્યા બાદ પણ પતિ સંતુષ્ટ નથીઃ પત્નિના પેન્શનના એક તૃતીયાંશ રકમની કરી માંગ

મુજફ્ફરનગર, તા.૨૩: ઉત્તર પ્રદેશના મુજફ્ફરનગરમાં ફેમિલી કોર્ટ એ એક મોટો ચુકાદો આપતાં પત્નીને આદેશ આપ્યો છે કે તે પતિને ભરણપોષણ ભથ્થું આપે. જોકે, પતિ કોર્ટના આ ચુકાદાથી પૂરી રીતે સંતુષ્ટ નથી. તેમનું કહેવું છે કે પત્નીના પેન્શનનો એક તૃતીયાંશ હિસ્સો મળવો જોઈતો હતો.

મૂળે, કિશોરી લાલ સોહંકારે ૩૦ વર્ષ પહેલા કાનપુરની રહેવાસી મુન્ની દેવી સાથે લગ્ન કર્યા હતા. લગ્નના થોડા સમય બાદ જ બંનેમાં વિવાદ થયો હતો. ત્યારબાદ લગભગ ૧૦ વર્ષથી કિશોરી લાલ અને મુન્ની દેવી અલગ-અલગ રહેતા હતા. આ સમયે પત્ની મુન્ની દેવી કાનપુરમાં સ્થિત ઈન્ડિયન આર્મીમાં ચોથી શ્રેણીની કર્મચારી હતી. થોડા સમય પહેલા કિશોરી લાલની પત્ની મુન્ની દેવી નિવૃત્ત થઈ ગઈ હતી. ત્યારબાદ મુન્ની દેવી ૧૨ હજાર રૂપિયાના પેન્શનમાં પોતાનું ગુજરાન ચલાવી રહી છે. બીજી તરફ કિશોરી લાલ પણ ખતૌલીમાં રહીને ચા વેચવાનું કામ કરી રહ્યા છે.

૭ વર્ષ પહેલા કિશોરી લાલએ પોતાની દયનીય સ્થિતિને કારણે મુજફ્ફરનગરની ફેમિલી કોર્ટમાં ભરણપોષણ ભથ્થા માટે એક અરજી દાખલ કરી હતી. તેમાં ફેમિલી કોર્ટે ચુકાદો આપતા પત્ની મુન્ની દેવીને પતિ કિશોરી લાલ સોહંકારને બે હજાર રૂપિયા ભરણપોષણ ભથ્થું આપવાનો આદેશ કર્યો છે. જોકે, કોર્ટના આ ચુકાદાથી કિશોરી લાલ પૂરી રીતે સંતુષ્ટ નથી. કિશોરી લાલનું કહેવું છે કે લગભગ ૯ વર્ષ બાદ કોર્ટે ચુકાદો આપ્યો છે. લોકો પાસેથી દેવું કરીને તેણે કેસ લડ્યો છે. લોકડાઉનમાં પણ બીજા પાસેથી પૈસા માંગીને પોતાની સારવાર કરાવી છે. જયારે તબિયત સારી રહે છે તો ચાની દુકાન ચલાવું છું. પરંતુ હું હવે દુકાન કરવા માટે સક્ષમ નથી રહ્યો. લગભગ ૨૦ વર્ષથી વિવાદ ચાલી રહ્યો છે.

કિશોરી લાલે જણાવ્યું કે વર્ષ ૨૦૧૩થી કેસ કોર્ટમાં ચાલી રહ્યો હતો. હવે તેમાં ૨૦૦૦ પ્રતિ માસ ભરણપોષણ ભથ્થું આપવાનો આદેશ આપવામાં આવ્યો છે, જયારે ૯ વર્ષથી જે કેસ હું લડી રહ્યો છું તેનો કોઈ ઉલ્લેખ નથી. કાયદો એ છે કે એક તૃતીયાંશ ભરણપોષણ ભથ્થું મળવું જોઈતું હતું, પરંતુ મને ૨૦૦૦ રૂપિયા મળી રહ્યા છે. કિશોરી લાલે કહ્યું કે તેમની પત્નીનું પેન્શન ૧૨૦૦૦ રૂપિયા પ્રતિ માસથી વધુ છે. આવનારા સમયમાં મારી સ્થિતિ વધુ ડાઉન થઈ જશે. હું મારી સારવાર પણ નથી કરાવી શકું.

(10:25 am IST)