મુખ્ય સમાચાર
News of Thursday, 23rd September 2021

આંદોલન દરમિયાન દેશભરમાંથી આવી ૨ લાખથી વધુ ઈંટઃ ભવ્ય રામ મંદિર બનાવવામાં થશે ઉપયોગ

રામ મંદિરના પાયાનું કામ પુરૂ થયા પછી રામ જન્મભૂમિ સ્થળ પર નિર્માણનો બીજો તબક્કો શરૂ થઈ ગયો છે : ડિસેમ્બર ૨૦૨૩માં મંદિરના ગ્રાઉન્ડ ફલોરમાં રામલલા ગર્ભગૃહમાં બિરાજમાન થઈ જવાનો અંદાજ

અયોધ્યા,તા.૨૩: અયોધ્યામાં ભવ્ય રામ મંદિરનું નિર્માણ પૂરજોરમાં ચાલી રહ્યું છે. મંદિર નિર્માણમાં દેશભરમાંથી જમા કરાયેલી ૨ લાખથી વધુ ઈંટોનો ઉપયોગ પણ કરાશે. ગત ત્રણ દાયકામાં મંદિર આંદોલન દરમિયાન આ ઈંટો રામભકતોએ દાન આપી છે. સાથે જ, વિશ્વ હિંદુ પરિષદે પણ આખા દેશમાંથી ઈંટો જમા કરી છે. મંદિરનું નિર્માણ જે ઝડપથી થઈ રહ્યું છે, તે જોતાં લાગી રહ્યું છે કે, ડિસેમ્બર ૨૦૨૩માં મંદિરના ગ્રાઉન્ડ ફ્લોરમાં રામલલા ગર્ભગૃહમાં બિરાજમાન થઈ જશે.

મંદિર ટ્રસ્ટના સભ્ય અનિલ મિશ્રાએ કહ્યું કે, '૧૯૮૯ના શિલાન્યાસ દરમિયાન કારસેવકો તરફથી રામ જન્મભૂમિ પર એક લાખ પથ્થર રખાયા હતા. જેમાંથી ઘણા જૂની કાર્યશાળામાં રહી ગયા છે, તેનો હવે મંદિર નિર્માણમાં ઉપયોગ કરાશે. આ ઈંટો પર ભગવાન રામનું નામ લખ્યું છે અને તે કરોડો ભારતીયોની આસ્થાનું પ્રમાણ છે.'

આ દરમિયાન રામ મંદિરના પાયાનું કામ પુરું થયા પછી રામ જન્મભૂમિ સ્થળ પર નિર્માણનો બીજો તબક્કો શરૂ થઈ ગયો છે. નિર્માણ કામ માટે કર્ણાટક-તમિળનાડુ સરહદ પર જંગલી કોલ્લેગલ ક્ષેત્રની ખાણોથી કાળા ગ્રેનાઈટ પથ્થરો મોકલવામાં આવી રહ્યા છે. મિર્ઝાપુરથી મૂર્તિકલા પથ્થર અને રાજસ્થાનના બંસી પહાડપુરથી ગુલાબી આરસપહાણ પણ લાવવામાં આવી રહ્યા છે.

મંદિર ટ્રસ્ટના કાર્યાલય પ્રભારી પ્રકાશ ગુપ્ત મુજબ, લાકડાના મોલ્ડની મદદથી રાફ્ટનું કાસ્ટિંગ થશે. જે પાયાના પ્લેટફોર્મ પર બનનારા મુખ્ય મંદિરને ઘણી મજબૂતી આપશે. રાફ્ટના ફાઉન્ડેશનની જાડાઈ દોઢ મીટર હશે, જેને પૂરું કરવામાં લગભગ ૫૦ દિવસ લાગવાનો અંદાજ છે. આશા છે કે, રાફ્ટનું કામ ૧૦ નવેમ્બર સુધી પુરું થઈ જશે. તે પછી જ મિર્ઝાપુરના પથ્થરોથી પ્લિંથનું કામ શરૂ થશે. મંદિરની પથ્થરોથી બનેલી પ્લિંથ લગભગ ૧૬ ફૂટ ઊંચી હશે. ટ્રસ્ટના સભ્ય અનિલ મિશ્ર મુજબ, પ્લિંથ ઉપર મુખ્ય મંદિરનું નિર્માણ રાજસ્થાનના બંશી પહાડપુરમાંથી લવાયેલા પથ્થરોથી શરૂ થઈ જશે.

(10:37 am IST)