મુખ્ય સમાચાર
News of Wednesday, 22nd September 2021

નરેન્દ્ર ગિરી મોતના કેસમાં યોગી સરકારે CBI તપાસની કરી ભલામણ: સંત સમાજની વિનંતી બાદ લીધો નિર્ણય

નવી દિલ્હી :અખિલ ભારતીય અખાડા પરિષદના પ્રમુખ મહંત નરેન્દ્ર ગિરીએ સોમવારે સાંજે તેમના મઠમાં આત્મહત્યા કરી હતી. પોલીસને મહંત નરેન્દ્ર ગિરીના મૃતદેહ પાસે એક સુસાઈડ નોટ પણ મળી હતી. જેને પગલે તપાસનો ધમધમાટ શરૂ થયો હતો.

નરેન્દ્ર ગિરીના મૃત્યુના કેસમાં ઉત્તર પ્રદેશ સરકારે સીબીઆઈ તપાસની ભલામણ કરી છે. યુપી સરકાર વતી અને સંત સમાજની વિનંતી પર આ બાબતની સંવેદનશીલતાને ધ્યાનમાં રાખીને આ નિર્ણય લેવામાં આવ્યો છે. મહંત નરેન્દ્ર ગિરીના મૃત્યુની ઘટનાથી સંત સમાજ આઘાતમાં છે. ત્યારથી તેમના તરફથી આ મામલામાં સીબીઆઈ તપાસની માંગ કરવામાં આવી હતી.

બુધવારે મુખ્ય આરોપી આનંદ ગિરીને 14 દિવસની ન્યાયિક કસ્ટડીમાં મોકલવામાં આવ્યો છે. આ કેસમાં અત્યાર સુધી પોલીસે મહંત નરેન્દ્ર ગિરીના શિષ્યો આનંદ ગિરી અને આદ્યા તિવારીની ધરપકડ કરી છે. મંગળવારે પ્રયાગરાજ પોલીસે આ કેસમાં SIT ની રચના પણ કરી હતી. જે બાદ બુધવારે એસઆઈટીએ મહંત નરેન્દ્ર ગિરીની સુરક્ષા હેઠળ તૈનાત ચાર આરોપીની પૂછપરછ કરી હતી.

 

નરેન્દ્ર ગિરીના શિષ્ય આનંદ ગિરિની પ્રયાગરાજ પોલીસ લાઇનમાં લગભગ 12 કલાક સુધી પૂછપરછ કરવામાં આવી હતી. એવું કહેવામાં આવી રહ્યું છે કે તેમના મહંતજી સાથે તાજેતરના ભૂતકાળમાં કોઈ પણ પ્રકારનો વિવાદ થયો ન હતો. આનંદ ગિરિએ કહ્યું તેને ફસાવવાના પ્રયાસો ચાલુ છે, તેને નરેન્દ્ર ગિરી કેસ સાથે કોઈ લેવાદેવા નથી.

હકીકતમાં પોલીસને મહંત નરેન્દ્ર ગિરીના મૃતદેહ પાસે એક સુસાઈડ નોટ મળી હતી. નરેન્દ્ર ગિરીએ પોતાની સુસાઈડ નોટમાં લખ્યું છે કે હું દુઃખી થઈને આત્મહત્યા કરવા જઈ રહ્યો છું. ચિઠ્ઠીમાં આગળ લખ્યું હતું કે મારા મૃત્યુની જવાબદારી આનંદ ગિરી, હનુમાન મંદિરના પૂજારી આદ્યા તિવારી અને સંદીપ તિવારીની છે. હું પ્રયાગરાજનાં પોલીસ વહીવટી અધિકારીઓને વિનંતી કરું છું કે મારા મૃત્યુ માટે જવાબદાર ઉપરોક્ત લોકો સામે પગલાં લેવા. જેથી મારી આત્માને શાંતિ મળે.

બુધવારે મહંત નરેન્દ્ર ગિરીને ભૂમિ સમાધિ આપવામાં આવી હતી. પોતાની સુસાઈડ નોટમાં તેમણે આ સ્થળે ભૂમિ સમાધિ રાખવાની ઈચ્છા વ્યક્ત કરી હતી. ભૂ સમાધિ દરમિયાન, સાધુને સમાધિમાં બેસાડ્યા પછી જ વિદાય આપવામાં આવે છે. જે મુદ્રામાં તેઓ બેઠા છે તેને સિદ્ધ યોગની મુદ્રા કહેવાય છે. સામાન્ય રીતે સાધકોને આ મુદ્રામાં સમાધિ આપવામાં આવે છે. મહંત નરેન્દ્ર ગિરીને પણ આવી જ સમાધિ આપવામાં આવી છે.

(12:20 am IST)