મુખ્ય સમાચાર
News of Sunday, 23rd January 2022

વૈશ્વિક ક્રીપ્ટોકરન્સી બજારમાં વ્યાપક વેચવાલી: મૂલ્યમાં એક જ દિવસમાં 75 લાખ કરોડ સાફ

10 ટકાના ઘટાડા પછી વિશ્વમાં સૌથી વધુ પ્રચલિત બીટકોઈનનો ભાવ અત્યારે 35000 ડોલરની નીચે સરકી ગયો

વૈશ્વિક ક્રીપ્ટોકરન્સી બજારમાં વ્યાપક વેચવાલી જોવા મળી રહી છે અને તેના કારણે ક્રીપ્ટો ચલણના મુલ્યમાં એક લાખ કરોડ ડોલર કે રૂપિયા 75 લાખ કરોડ સાફ થઇ ગયા છે. શુકવારે 10 ટકાના ઘટાડા પછી વિશ્વમાં સૌથી વધુ પ્રચલિત બીટકોઈનનો ભાવ અત્યારે 35000 ડોલરની નીચે સરકી ગયો છે. નવેમ્બર 2021માં 68,925 ડોલરની સર્વાધિક સપાટી સામે આજે ભાવ 50 ટકા જેટલો ઘટી ગયો છે. આજના ભાવ છેલ્લે જુલાઈ 2021માં જોવા મળ્યા હતા.

એકલા બીટકોઈનમાં નવેમ્બરની સરખામણીએ ભાવ ઘટી જતા રોકાણકારોના 600 અબજ ડોલર સાફ થઇ ગયા છે. અમેરિકામાં ફેડરલ રિઝર્વ વ્યાજનો દર વધારશે અને નાણા પ્રવાહિતા ઘટાડશે એ નિશ્ચિત થઇ જતા દરેક જોખમી રોકાણમાં ઘટાડો જોવા મળી રહ્યો છે. અમેરિકામાં ટેકનોલોજી શેર સતત ઘટી રહ્યા છે. નાસ્ડાક ઇન્ડેક્સની 40 ટકા કંપનીઓના શેરના ભાવ 50 ટકા કરતા નીચે ઘટી ગયા છે. પ્રવાહિતા ઘટે એની સાથે જોખમ લેવાની વૃત્તિમાં ઊંચા વ્યાજે ઘટાડો જોવા મળે છે એટલે રોકાણકારો સતત તેમાં વેચાણ કરી નફો બાંધી નીકળી રહ્યા છે

  ક્રિપ્ટોકરન્સીને બજારમાં મોટા કોઇપણ અર્થતંત્ર દ્વારા માન્યતા આપવામાં આવી નહી હોવાથી તેનો ચલણ તરીકે સ્વીકાર થતો નહી હોવાથી તેમાં હમેશા ભાવમાં મોટી વધઘટ જોવા મળે છે. ક્રીપ્ટોકરન્સીના માઈનીંગ, વેચાણ અને સંગ્રહ ઉપર ગુરુવારે જ રશિયાએ પ્રતિબંધ મૂક્યો છે. ચીને પણ આવો પ્રતિબંધ જાહેર કર્યો છે. ભારત જેવા દેશ ક્રીપ્ટોકરન્સીના કારણે દેશની નાણાકીય સ્થિરતા ઉપર જોખમ વધી શકે એવું માને છે એટલે જ તેના ઉપર નિયંત્રણ અને નિયમો માટેસરકાર વિચારી રહી છે.

પ્રવર્તમાન સમય દરમિયાન, ઇન્ટરનેશનલ મોનેટરી ફંડ પણ માને છે કે ક્રીપ્ટોકરન્સીના કારણે ચલણ બજાર અને નાણાકીય સ્થિરતા પર જોખમ વધી શકે છે. વર્ષ 2020 દરમિયાન કોરોના મહામારીનો સામનો કરવા વિશ્વના અર્થતંત્રમાં પુષ્કળ નાણા પ્રવાહિતા ઠાલવવા આવતા ક્રીપ્ટો કરન્સીનું કુલ બજાર મુલ્ય વર્ષ 2017માં 620 અબજ ડોલરથી વધી નવેમ્બરમાં ત્રણ લાખ કરોડ ડોલર થઇ ગયું છે

 

(5:43 pm IST)