મુખ્ય સમાચાર
News of Sunday, 22nd November 2020

હૈદરાબાદમાં નકલી મેજર બની શખ્સે ૬ કરોડથી વધારે ઠગ્યા

૧૭ મહિલા અને તેમના પરિવારજનોને ચૂનો લગાવ્યો : પોલીસ દ્વારા નકલી પિસ્તોલ, સેનાની ૩ જોડી વર્દી, એક નકલી આર્મી આઈડી અને અનેક નકલી દસ્તાવેજ કબજે

હૈદરાબાદ, તા. ૨૨ : હૈદરાબાદ પોલીસે એક શખ્સને શનિવારે પકડી લીધો જે પોતાને સેનાનો અધિકારી ગણાવીને લગ્નની લાલચ આપીને ૬.૬૧ કરોડ રુપિયા ઠગ્યા છે. તે લગભગ ૧૭ મહિલાઓ અને તેમના પરિવારને ચૂનો લગાવતો હતો. આ શખ્સની ઉંમર ૪૨ વર્ષની છે પરંતુ તે પોતાની ઉંમર છૂપાવીને ઓછી બતાવતો હતો. આ નકલી મેજરની પોલીસ ધરપકડ કરી અને તેમાં જે બાબબતો સામે આવી તે લોકોને ચોંકાવી રહી છે.આરોપી મધુવથ શ્રીનુ નાયક ઉર્ફે શ્રીનિવાસ ચૌહાણ આંધ્રપ્રદેશના પ્રકાશમ જિલ્લાના કેલ્લપલ્લી ગામનો રહેવાસી છે. પોલીસે તેની પાસેથી નકલી પિસ્તોલ, સેનાની ત્રીણ જોડી વર્દી, એક નકલી આર્મી આઈડી અને કેટલાક નકલી દસ્તાવેજ કબજે કર્યા છે. પોલીસને તેની પાસેથી મળેલા ૮૫ હજાર રુપિયા સિવાય તેની ત્રણ કાર કબજે લીધી છે.

પોલીસનું માનવું છે કે તે માત્ર ૯ ધોરણ ભણેલો છે અને તેની પાસે પોસ્ટગ્રેજ્યુએશની નકલી ડિગ્રી પણ છે. તેની પત્નીનું નામ અમૃતા દેવી છે. એક દીકરો પણ છે જે ભણી રહ્યો છે. તેનો પરિવાર આ સમયે આંધ્રપ્રદેશના ગુંટૂર જિલ્લામાં રહે છે અને તે એકલો હૈદરાબાદ આવીને સૈનિકપુરી, જવાહનગરમાં રહેવા લાગ્યો. તેણે પરિવારને જણાવ્યું કે તેને ઈન્ડિયન આર્મીમાં નોકરી મળી ગઈ છે અને તે મેજર બની ગયો છે. પોલીસે એ પણ જણાવ્યું કે શ્રીનિવાસ ચૌહાણે પોતાના નકલી નામ-ખોટી જન્મ તારીખનું આધાર કાર્ડ બનાવડાવ્યું હતું. તેણે પોતાની ૧૨-૦૭-૧૯૭૯ની જગ્યાએ ૨૭-૦૭-૧૯૮૬ જન્મ તારીખ કરી હતી. તે મેરેજ બ્યુરો કે પોતાના પરિવાર દ્વારા એવા લોકોને શોધતો હતો જેઓ પોતાની દીકરીના લગ્ન કરાવવા માગતા હોય. તે નકલી આઈડી, વર્દી, આઈડી કાર્ડ દ્વારા લોકોને પોતાની જાળમાં ફસાવતો હતો. તે પોતાને નેશનલ ડિફેન્સ એકેડમીથી ગ્રેજ્યુએટ ગણાવતો હતો. તે કહેતો હતો કે તે આર્મીની હૈદરાબાદ રેન્જમાં મેજર છે. લોકો પાસેથી ઠગેલા રુપિયાથી તેણે એક મકાન, ત્રણ કાર અને બીજાની પણ મોટી ખરીદીઓ કરી હતી. શનિવારે બાતમી મળ્યા બાદ પોલીસે આ શખ્સની ધરપકડ કરી છે.

(9:23 pm IST)