મુખ્ય સમાચાર
News of Sunday, 22nd November 2020

' આયુષ ' એ તમામ આધુનિક દવાઓની જનેતા છે : કોવિદ -19 સારવાર માટે આયુર્વેદને બિન અસરકારક ગણાવી બદનામ કરવા બદલ IMA ને વૈદ્ય પ્રશાંત તિવારીની લીગલ નોટિસ : કેન્દ્ર સરકારે આપેલી માન્યતાને પણ લોકોના આરોગ્ય સાથે ચેડાં સમાન ગણાવી પ્રોટોકોલનો ભંગ કર્યો છે : બિનશરતી માફી માગતું નિવેદન સમાચાર પત્રોમાં પ્રસિદ્ધ નહીં થાય તો બદનક્ષીનો દાવો માંડવાની ચીમકી

ન્યુદિલ્હી : કોવિદ -19 ની સારવાર માટે આયુર્વેદિક ઉપચારોને અયોગ્ય ગણી આયુર્વેદને બદનામ કરવા બદલ આયુર્વેદ પ્રેક્ટિશનર વૈદ્યં પ્રશાંત તિવારીએ ઇન્ડિયન મેડિકલ એશોશિએશનને  લીગલ નોટિસ પાઠવી  છે.

એડવોકેટ અર્ચના પાઠક દવે મારફત મોકલવામાં આવેલી નોટિસમાં દર્શાવ્યા મુજબ તમે આયુર્વેદ સારવારની અસરકારતા વિષે કરેલી ટીકા આયુર્વેદને તથા તેની પ્રેક્ટિસ કરતા વૈદ્યોને બદનામ કરનારી છે.

કેન્દ્ર સરકારની હેલ્થ મિનિસ્ટ્રીએ કોવિદ -19 માટે આયુષને અસરકારક ગણાવેલ છે.જેની વિરુદ્ધ તમે પ્રસિદ્ધ કરેલ સમાચાર આયુર્વેદિક સંશોધનો તેમજ પદ્ધતિને બદનામ કરનારા  તથા પ્રોટોકોલના ભંગ સમાન  છે.

કેન્દ્ર સરકારે આયુષને આપેલી માન્યતા આયુર્વેદ તજજ્ઞોના મંતવ્યો અને આયુર્વેદિક દવાઓ ,સંશોધનો  તથા હકીકતોને ધ્યાનમાં રાખીને આપવામાં આવી છે.તેમજ ઓલ ઇન્ડિયા ઇન્સ્ટિટ્યૂટ ઓફ આયુર્વેદ દ્વારા  કોવિદ -19 પોઝિટિવ કેસની સારવારમાં અકસીર નીવડ્યા પછી આપેલી છે.

નોટિસમાં વિશેષમાં જણાવ્યા મુજબ તમોએ આયુર્વેદ સારવારને બદનામ કરવાની સાથોસાથ કેન્દ્રના હેલ્થ મિનિસ્ટરને પણ લોકોના આરોગ્ય સાથે ચેડાં કરવાનો આરોપ લગાવ્યો છે.

આમ તમોએ પ્રજાનો આરોગ્ય ઉપરથી વિશ્વાસ ઉઠી જાય તેવું મંતવ્ય વ્યક્ત કર્યું છે.જે આયુર્વેદ દવાઓ તથા પ્રેક્ટિશનર્સને હાનિ પહોચાડનારું છે.

આ માટે સમાચાર પત્રોમાં બિનશરતી માફી માંગી અગાઉના વિધાન પાછા ખેંચી લેવા તથા સરકારી પ્રોટોકોલના ભંગ બદલ માફી માંગવા જણાવ્યું છે.જેમાં ચૂક થયે કાયદેસરની કાર્યવાહી કરવામાં આવશે તેવી નોટિસ આપી છે.તેવું બી.એન્ડ બી.દ્વારા જાણવા મળે છે.

(7:51 pm IST)