મુખ્ય સમાચાર
News of Friday, 22nd October 2021

જમ્મુ કાશ્મીરમાં NIAની મોટી કાર્યવાહી:10 સ્થળોએ દરોડા : આતંકવાદી ગતિવિધિમાં સંડોવાયેલા 8 આરોપીને ઝડપ્યા

રીનગરમાંથી આદિલ અહમદ ડાર , મનન ગુલઝાર ડાર અને ઝમીન આદિલ, કુપવાડામાંથી હિલાલ અહમદ ડાર અને સાકીબ બશીર,પરિમપોરામાંથી સોભિયા , અનંતનાગમાંથી રઉફ ભટ્ટ અને હરિસ નિસાર લાંગુની ધરપકડ

નવી દિલ્હી :  NIA એ જમ્મુ -કાશ્મીરના શ્રીનગર, કુલગામ, શોપિયાં, પુલવામા, અનંતનાગ અને બારામુલ્લા જિલ્લામાં 10 સ્થળો પર દરોડા પાડ્યા અને આતંકવાદી ગતિવિધિમાં સંડોવાયેલા 8 વધુ આરોપીઓની ધરપકડ કરી છે. આ 8 લોકોમાં શ્રીનગરમાંથી આદિલ અહમદ ડાર , મનન ગુલઝાર ડાર અને ઝમીન આદિલ, કુપવાડામાંથી હિલાલ અહમદ ડાર અને સાકીબ બશીર,પરિમપોરામાંથી સોભિયા , અનંતનાગમાંથી રઉફ ભટ્ટ અને હરિસ નિસાર લાંગુની ધરપકડ કરી છે.

આ કેસ પ્રતિબંધિત આતંકવાદી સંગઠનો લશ્કર-એ-તૈયબા (LET), જૈશ-એ-મોહમ્મદ (JEM), હિઝબ-ઉલ-મુજાહિદ્દીન (HM), અલ બદર અને તેમના સહયોગીઓ જેમ કે રેઝિસ્ટન્સ ફ્રન્ટ (TRF), પીપલ અગેન્સ્ટ ફાસીસ્ટ ફોર્સિસ (PAFF) વગેરેના કાર્યકરો દ્વારા જમ્મુ અને કાશ્મીર અને અન્ય મોટા શહેરોમાં હિંસક આતંકવાદી કૃત્યો હાથ ધરવાના કાવતરા સાથે સંબંધિત છે.

NIA એ તા.10-10-2021 ના રોજ RC 29/2021/NIA/DLI તરીકે કેસ નોંધ્યો હતો અને તપાસ શરૂ કરી હતી. NIA દ્વારા આ કેસમાં અત્યાર સુધીમાં 13 આરોપીઓની ધરપકડ કરવામાં આવી છે.

સર્ચ દરમિયાન આજે ઇલેક્ટ્રોનિક ઉપકરણો અને જેહાદી દસ્તાવેજો/ પોસ્ટરો વગેરેને જપ્ત કરવામાં આવ્યા છે.પકડાયેલા 8 આરોપી વ્યક્તિઓ વિવિધ પ્રતિબંધિત આતંકવાદી સંગઠનોના આતંકવાદી કાર્યકરો છે અને આતંકવાદીઓને લોજિસ્ટિકલ અને સામગ્રી સહાય પૂરી પાડવામાં મહત્વની ભૂમિકા ભજવી છે.કેસમાં વધુ તપાસ ચાલુ છે.

(10:33 pm IST)