મુખ્ય સમાચાર
News of Sunday, 22nd May 2022

કુતુબ મિનાર પરિસરમાં પણ ખોદકામ કરવામાં કેન્દ્ર મંત્રાલય દ્વારા મંજુરી અપાઇ

ખોદકામના આદેશ પહેલા 21 મેના રોજ સાંસ્કૃતિક મંત્રાલયના સચિવ ગોવિંદ મોહને 12 લોકોની ટીમ સાથે કુતુબ મિનાર પરિસરની મુલાકાત લીધી હતી

નવી દિલ્‍હી : વારાણસીમાં જ્ઞાનવાપી મસ્જિદના થયેલા સર્વે બાદ હવે કુતુબ મિનાર પરિસરમાં પણ ખોદકામ કરવામાં આવશે. કેન્દ્રના સાંસ્કૃતિક મંત્રાલય દ્વારા આર્કિઓલોજિકલ સર્વે ઓફ ઈન્ડિયાને આ આદેશ આપવામાં આવ્યો છે. સાથે સાથે પરિસરમાં આવેલી મૂર્તિઓની આઈકનોગ્રાફી કરવા માટે પણ સૂચના અપાઈ છે. એ પછી આર્કિઓલોજિકલ સર્વે ઓફ ઈન્ડિયા આ અંગેનો રિપોર્ટ સાંસ્કૃતિ મંત્રાલયને આપશે.

ખોદકામના આદેશ પહેલા 21 મેના રોજ સાંસ્કૃતિક મંત્રાલયના સચિવ ગોવિંદ મોહને 12 લોકોની ટીમ સાથે કુતુબ મિનાર પરિસરની મુલાકાત લીધી હતી. આર્કિઓલોજિકલ સર્વે ઓફ ઈન્ડિયાના અધિકારીઓનુ કહેવુ છે કે, અહીંયા 1991 બાદ કોઈ પ્રકારનુ ખોદકામ થયુ નથી.એવુ કહેવાય છે કે, કુતુબ મિનારના દક્ષિણ તરફ મસ્જિદથી 15 મીટરના અંતરે ખોદકામ કરવામાં આવશે.

કુતુબ મિનારને લઈને વિવાદની શરૂઆત ત્યારે થઈ હતી જ્યારે આર્કિઓલોજિકલ સર્વે ઓફ ઈન્ડિયાના પૂર્વ રિજનલ ડાયરેકટર ધર્મવીર શર્માએ કહ્યુ હતુ કે, કુતુબ મિનારનુ નિર્માણ કુતુબુદ્દીન ઐબકે નહીં બલ્કે રાજા વિક્રમાદિત્યે કરાવ્યુ હતુ. આ પહેલા વિશ્વ હિન્દુ પરિષદના પ્રવકતાએ કહ્યુ હતુ કે, આ વાસ્તવમાં વિષ્ણુ સ્તંભ હતો. કુતુબ મિનારનુ નિર્માણ કરવા માટે 27 હિન્દુ અને જૈન મંદિરોને ધ્વસ્ત કરાયા હતા અને તેના મટિરિયલમાંથી કુતુબ મિનાર બનાવાયો હતો.

(4:33 pm IST)