મુખ્ય સમાચાર
News of Friday, 22nd January 2021

ભારતથી કોરોના રસી બ્રાઝીલ પહોંચી : રાષ્ટ્રપતિએ કર્યું ટ્વીટ : પીએમ મોદીનો આભાર માન્યો : હનુમાનજીની તસવીર શેર કરી

બ્રાઝિલના રાષ્ટ્રપતિ જૈર એમ બોલ્સોનારોએ હિન્દીમાં એક અલગ આભાર પણ લખ્યો

 

નવી દિલ્હી: ભારતમાં બનેલી કોરોના રસી બ્રાઝિલ પહોંચી ગઇ છે. જેનાથી અમેરિકા બાદ કોરોના મહામારીથી સૌથી વધુ અસરગ્રસ્ત આ દેશમાં જીવ બચાવવાની આશા વધી ગઈ છે. કોરોના રસી ભારતથી બ્રાઝિલ જવા રવાના થયા બાદ બ્રાઝિલના રાષ્ટ્રપતિ બોલ્સોનારોએ એક ટ્વીટ કર્યું છે. આ ટ્વીટમાં તેમણે પ્રધાનમંત્રી  મોદીનો આભાર માનતા હનુમાનજીની તસવીર શેર કરી છે. તેમણે આ માટે પ્રધાનમંત્રી મોદીનો આભાર માન્યો.છે 

 બ્રાઝિલના રાષ્ટ્રપતિ જૈર એમ બોલ્સોનારોએ ટ્વીટ કરતા લખ્યું, નમસ્કાર, પ્રધાનમંત્રી  મોદી, બ્રાઝિલ આ મહામારીના દોરમાં તમારા જેવા મહાન સાથીને શોધીને ગૌરવ અનુભવે છે. કોરોના વેક્સીનને ભારતથી બ્રાઝિલમાં પહોંચાડવા બદલ આભાર. તેમણે હિન્દીમાં એક અલગ આભાર પણ લખ્યો હતો.  શુક્રવારે સવારે ભારતથી કોવિશિલ્ડના 20-20 લાખ ડોઝ મુંબઇ એરપોર્ટથી બ્રાઝીલ અને મોરોક્કો માટે રવાના થયા. સીએસએમઆઈએ દ્વારા જારી કરવામાં આવેલી એક અખબારી યાદી મુજબ, સીરમ ઇન્સ્ટીટ્યૂટ ઓફ ઇન્ડિયા દ્વારા તૈયાર કોવિશીલ્ડ વેક્સીનના 20 લાખ ડોઝ લઇને એક વિમાન 'છત્રપતિ શિવાજી મહારાજ આંતરરાષ્ટ્રીય હવાઇમથકથી (સીએસએમઆઇએ) બ્રાઝિલ માટે અને 20 લાખ ડોઝ લઇને અન્ય એક વિમાન મોરોક્કો માટે રવાના થયું. એવું કહેવામાં આવ્યું હતું કે 22 જાન્યુઆરી સુધી સીએસએમઆઇએ વિવિધ આંતરરાષ્ટ્રીય અને સ્થાનિક સ્થળોએ કોવિશિલ્ડના 1.417 કરોડ ડોઝ પહોંચાડ્યા છે. ભારત બુધવારથી ભૂટાન, માલદીવ, બાંગ્લાદેશ, નેપાળ, મ્યાનમાર અને સેશેલ્સમાં કોવિડ -19 વેક્સીન મોકલી રહ્યું છે.

(12:19 am IST)