મુખ્ય સમાચાર
News of Friday, 22nd January 2021

બાઇડને રાષ્ટ્રપતિ પદના શપથ લેતા જ પોર્ટલેન્ડમાં હંગામો ડેમોક્રેટીક પાર્ટીના મુખ્યાલયમાં કરાઇ તોડફોડ

પોર્ટલેન્ડ તા. રરઃ રાષ્ટ્રપતિ જો બાઇડને અમેરિકન રાષ્ટ્રપતિ તરીકે શપથ લીધાના થોડા કલાકો પછી પોર્ટલેન્ડમાં પ્રદર્શનકારીઓએ બુધવારે ડેમોક્રેટીક પાર્ટીના સ્થાનીક મુખ્યાલયમાં તોડફોડ કરી અને બિલ્ડીંગની બારીઓને પણ નુકસાન પહોંચાડયું હતું. જણાવાયું છે કે હંગામા દરમ્યાન પ્રદર્શનકારીઓ પોલિસ વિરૂધ્ધ અને ''ફાંસીવાદી નરસંહાર''ના નારાઓ પોકારી રહ્યા હતા.

સીએટલમાં કેટલીક ધરપકડો પણ કરાઇ હતી, જયાં પ્રદર્શનકારીઓએ ઘણી ઇમારતોને નુકસાન પહોંચાડવાની સાથે સાથે હિંસક રૂપ પણ ધારણ કર્યું હતું. પોર્ટલેન્ડ પોલિસે કહ્યું છે કે આઠ લોકોની ધરપકડ કરવામાં આવી છે જેમના પર ગુનાહિત કામ કરવા, વિધ્વંસક ઉપકરણ રાખવા, તોફાન અને આગ લગાવવાની કલમો લગાવાઇ છે.

ડેમોક્રેટીક પાર્ટી ઓફ ઓરેગને એક બયાન બહાર પાડયું છે જેમાં કહેવાયું છે કે અમારી ઓફિસમાં તોડફોડ કરાઇ હોય તેવી આ પહેલી ઘટના નથી આ પહેલા પણ આવી ઘટનાઓ બની ચૂકી છે. પણ આવી કોઇ ઘટના અમને અમારૃં કામ કરતા રોકી નહીં શકે.

ધ ન્યુયોર્ક ટાઇમ્સ અનુસાર કાળા કપડામાં સજજ લગભગ ર૦૦ પ્રદર્શનકારીઓએ પોલિસ અધિકારીઓ દ્વારા કરાયેલ હત્યાઓ અને ફાંસીવાદી નરસંહારો માટે સરકાર વિરોધી નારાઓ લગાવ્યા અને પ્રદર્શનને પોર્ટલેન્ડની સડકો પર લઇ ગયા. આ દરમ્યાન ''વી ડોન્ટ વોન્ટ બાઇડન, વી વોન્ટ રીવેન્જ'' જેવા નારાઓ લગાવ્યા હતા.

તો સીએટલમાં લગભગ ૧પ૦ લોકોએ બેનરો સાથે માર્ચ કરતા કહ્યું, ''આઇસીઇ ખતમ કરો, અમારે કોઇ પોલિસ નથી જોઇતી, જેલ ન હોવી જોઇએ, સરહદોને ખતમ કરો, અમારે રાષ્ટ્રપતિ નથી જોઇતા.''

(2:53 pm IST)