મુખ્ય સમાચાર
News of Monday, 22nd January 2018

જજ લોયા કેસમાં નિષ્પક્ષ તપાસ થવી જોઇએ : સુપ્રીમ કોર્ટનો મત

હાઈકોર્ટમાં દાખલ તમામ કેસ સુપ્રીમ કોર્ટમાં ટ્રાન્સફર કરાશે : ભાજપ પ્રમુખ અમિત શાહના નામનો ઉલ્લેખ કરાતા કોર્ટે નારાજગી વ્યક્ત કરી : મહારાષ્ટ્રની બે અરજી સુપ્રીમમાં આવશે : બીજીએ વધુ સુનાવણી થશે

નવી દિલ્હી,તા.૨૨ : સુપ્રીમ કોર્ટમાં આજે જજ લોયાની મોતના મામલામાં તપાસને લઇને દાખલ કરવામાં આવેલી અરજી પર સુનાવણી ચીફ જસ્ટિસ દિપક મિશ્રાની બેંચ દ્વારા હાથ ધરવામાં આવી હતી. બેંચે કહ્યું હતું કે, આ કેસની નિષ્પક્ષ તપાસ થવી જોઇએ. સુપ્રીમ કોર્ટે કહ્યું હતું કે, આ ગંભીર મામલો છે. કોર્ટ તમામ કાગળોમાં ધ્યાન આપશે. તમામ સંબંધિત પક્ષોને સીલકવરમાં દસ્તાવેજો રજૂ કરવા માટે આદેશો કરવામાં આવ્યા છે. સુપ્રીમ કોર્ટે આદેશ કર્યો છે કે, હાઈકોર્ટમાં દાખલ કરવામાં આવેલા તમામ કેસ સુપ્રીમ કોર્ટમાં ટ્રાન્સફર થશે. સુનાવણી દરમિયાન ભાજપ અધ્યક્ષ અમિત શાહના નામનો ઉલ્લેખ કરવામાં આવતા કોર્ટે નારાજગી વ્યક્ત કરી હતી. આ આદેશ બાદ જજ લોયાના મોત સાથે જોડાયેલી બે અરજી મુંબઈ હાઈકોર્ટથી સુપ્રીમ કોર્ટમાં જશે. અલબત્ત મહારાષ્ટ્ર સરકારે પોતાની રજૂઆતમાં કહ્યું છે કે, જજ લોયાનું અવસાન હાર્ડએટેકથી થયું હતું. તપાસમાં કોઇ પણ પ્રકારના કાવતરાની વાત સપાટી ઉપર આવી નથી. સુપ્રીમ કોર્ટે સાફ શબ્દોમાં કહ્યું છે કે, કોઇ પણ હાઈકોર્ટ આ મામલાની સુનાવણી કરશે. મહારાષ્ટ્ર સરકારના વકીલ હરીશ સાલ્વેના જોરદાર વાંધા પર વિચારણા કરીને બેંચે કહ્યું હતું કે, વર્તમાન સ્થિતિ મુજબ આ સ્વભાવિક અવસાન છે. બીજી બાજુ સુપ્રીમ કોર્ટે લોયાના અવસાન સાથે સંબંધિત હાઈકોર્ટના બે કેસો પોતાના હાથમાં લીધા છે. આગામી સુનાવણી માટે બીજી ફેબ્રુઆરીની તારીખ નક્કી કરવામાં આવી છે. મુંબઈ હાઈકોર્ટ અને તેની નાગપુર બેંચમાં બે અરજીઓ પેન્ડિંગ રહેલી છે. ૨૦૧૪માં ખાસ સીબીઆઈ ડીએચ લોયાના રહસ્યમય મોતના સંદર્ભમાં બે અરજીઓ દાખલ કરાઈ હતી. બેંચમાં જસ્ટિસ એએમ ખાનવીલકર અને ડીવાય ચંદ્રચુડ પણ છે.  અત્રે નોંધનીય છે કે સુપ્રીમ કોર્ટના ચાર જજે આક્ષેપ કરતા કહ્યુ હતુ કે મહત્વપૂર્ણ મામલામાં સીજેઆઇ વરિષ્ઠતાનુ ધ્યાન રાખતા નથી. રાષ્ટ્રીય મહત્વના સંવેદનશીલ મામલાને વરિષ્ઠ જજને સોંપવામાં આવી રહ્યા નથી. ચાર સિનિયર જજના આરોપ બાદ દેશમાં ખળભળાટ મચી ગયો હતો. સ્વતંત્ર ભારતમાં પ્રથમ વખત સુપ્રીમ કોર્ટના ચાર જજ દ્વારા હોબાળો કરવામાં આવ્યો હતો. ત્યારબાદ ચીફ જસ્ટીસે કેટલાક મહત્વપૂર્ણ મામલાની સુનાવણી માટે રચવામાં આવેલી બંધારણીય બેંચમાં આ ચાર જજનો સમાવેશ કરવામાં આવ્યો ન હતો. ચીફ જસ્ટીસે આધાર કેસ, કલમ ૩૭૭  અને સજાતીય કેસ સહિત મહત્વપૂર્ણ મામલાની સુનાવણી માટે બંધારણીય બેંચની રચના કરી હતી. તેમાં જસ્ટીસ જે ચેલમેશ્વર, જસ્ટીસ રંજન ગોગોઇ, જસ્ટીસ એમબી લાકુર અને જસ્ટીસ કુરિયન જોસેફને સામેલ કરવામાં આવ્યા ન હતા. આ ચારેય જજે પત્રકાર પરિષદ યોજીને ચીફ જસ્ટીસની કાર્યપ્રણાલીની સામે પ્રશ્નો ઉઠાવ્યા હતા. સુપ્રીમ કોર્ટના ચાર જજે જ્યારે મિડિયાની સામે આવીને તેમની રજૂઆત કરી ત્યારે દેશમાં સનસનાટી મચી ગઇ હતી. એ વખતે પણ જજ લોયાના મોત સંબંધિત મામલો ઉઠ્યો હતો.એ વખતે જસ્ટીસ કુરિયને કહ્યુ હતુ કે અમે આનો ઇન્કાર કરતા નથી. સુપ્રીમ કોર્ટમાં જજ લોયાના મોત સાથે સંબંધિત એક અરજી કોંગ્રેસના નેતા તહસીન પુનાવાલા દ્વારા દાખલ કરવામાં આવી ચુકી છે. બીજી અરજી મહારાષ્ટ્રના પત્રકાર દ્વારા દાખલ કરવામાં આવી છે. જજ લોયા સીબીઆઈના ખાસ કોર્ટમાં સોહરાબુદ્દીન બનાવટી એન્કાઉન્ટર કેસમાં ધ્યાન આપી રહ્યા હતા. આ હાઇપ્રોફાઇલ કેસમાં વર્તમાન ભાજપ અધ્યક્ષ અમિત શાહ સહિત ગુજરાતના કેટલાક મોટા અધિકારીઓના એક વખતે નામ હતા. આ મામલામાં અમિત શાહ નિર્દોષ જાહેર કરવામાં આવી ચુક્યા છે. સુપ્રીમ કોર્ટમાં આજે સુનાવણી દરમિયાન અમિત શાહના નામનો ઉલ્લેખ કરવામાં આવ્યો હતો. સુપ્રીમ કોર્ટે કહ્યું હતું કે, જજ લોયાના મોત સાથે સંબંધિત તમામ દસ્તાવેજોમાં તપાસ થશે. સોહરાબુદ્દીન એન્કાઉન્ટર મામલામાં સુનાવણી કરી રહેલા સીબીઆઈના સ્વર્ગસ્થ જજ બીએચ લોયાના મોતના મામલામાં સ્વતંત્ર તપાસ કરવામાં આવી રહી છે. જજ લોયા સીબીઆઈની સ્પેશિયલ કોર્ટમાં સોહરાબુદ્દીન બનાવટી એન્કાઉન્ટર મામલામાં તપાસ કરી રહ્યા હતા. આ હાઈપ્રોફાઇલ કેસમાં ભાજપ પ્રમુખ અમિત શાહ અને અન્ય ગુજરાતના કેટલાક અધિકારીઓ સામેલ હતા પરંતુ અમિત શાહને મોડેથી ક્લીનચીટ અપાઈ હતી.

(7:36 pm IST)