મુખ્ય સમાચાર
News of Saturday, 21st August 2021

બાળકીનો જીવ બચાવવા માટે લગ્નની વિધિ છોડીને બ્લડ ડોનેટ કરવા પહોંચ્યા વર-વધુ: તસ્વીર વાયરલ

લગ્નનો દિવસ બધાના જીવનમાં ખાસ દિવસ હોય છે અને આ દિવસે વર-વધુ લગ્નના રીત-રિવાજો પૂરા કરવામાં ખૂબ વ્યસ્ત રહેતા હોય છે, પરંતુ ઉત્તર પ્રદેશમાં વર-વધૂએ પોતાના લગ્નના દિવસે કંઈક એવું કર્યું, જેના કારણે તેઓ એક ઉદાહરણ બની ગયા છે. આ યુગલ એક બાળકીનો જીવ બચાવવા માટે લગ્નની રીત-રિવાજોને વચ્ચે છોડીને હોસ્પિટલ પહોંચ્યું અને બ્લડ ડોનેટ કર્યું હતું. આશિષ મિશ્રાએ રકતદાન કરતાં આ યુગલનો ફોટો શેર કર્યો છે.

   આ ફોટામાં બંને લગ્નના કપડાઓમાં નજરે પડે છે. ફોટોમાં વરરાજા એક સ્ટ્રેચર પર સૂતો દેખાઈ રહ્યો છે અને બ્લડ ડોનેટ કરી રહ્યો છે. આશિષ મિશ્રાએ ફોટો શેર કરતાં લખ્યું કે, 'મારું ભારત મહાન, એક બાળકીને બ્લડની જરૂર હતી, કોઈ પણ રકતદાન કરવા સામે આવી રહ્યું નહોતું, કેમ કે તે કોઈ બીજાની બાળકી હતી, પોતાની હોતી તો કદાચ કરી દેતા, ખેર લગ્નના દિવસે જ એક યુગલે રકતદાન કરીને બાળકીનો જીવ બચાવ્યો, જય હિન્દ. સોશિયલ મીડિયા પર ફોટો વાયરલ થયા બાદ આ યુગલના ખૂબ વખાણ થઈ રહ્યા છે

ફોટા પર એક યુઝરે કોમેન્ટ કરતાં લખ્યું કે 'આ લોકો છે ઉદાહરણ, બધાએ સામાન્ય લોકો માટે જાગવું જોઈએ. બીજા એક યુઝરે લખ્યું કે 'પોતાના મોટા દિવસને યાદગાર બનાવવાની સૌથી સારી રીત.' તો અન્ય એક યુઝરે લખ્યું કે 'મહાન ઉદાહરણ છે.. દંપત્તિને સુખદ જીવન માટે શુભકામનાઓ.' સુમિત રાય નામના યુઝરે લખ્યું કે 'હજુ જીવતા દિલવાળા લોકો દુનિયામાં છે. નીરજ ચેતિવાલ નામના યુઝરે જણાવ્યું કે આ શ્રીમાન છોકરાનું નામ દેશરાજ ખટિક છે, બડૌદ અલવર રાજસ્થાનનો રહેવાસી છે જે કે શ્રીમાન ખટિક છાત્રાવાસ અલવર રાજસ્થાનમાં આયોજિત કેમ્પમાં રકતદાન કરવા પહોંચ્યો. હું દેશરાજ ખટિકને વ્યક્તિગત રૂપે જાણું છું, એટલે સાચા તથ્યો અને માહિતી કૃપયા પુષ્ટિ કરો. .

(12:43 am IST)