મુખ્ય સમાચાર
News of Saturday, 21st August 2021

મહારાષ્ટ્રનો રસીકરણમાં નવો રેકોર્ડ : એક જ દિવસમાં 11 લાખ લોકોનું રસીકરણ થયું

એકલા મુંબઈમાં એક દિવસમાં 1 લાખથી વધુ લોકોને રસી અપાઈ

મહારાષ્ટ્રએ શનિવારે (21 ઓગસ્ટ, 2021) ફરી એકવાર નવો રેકોર્ડ બનાવ્યો છે. શનિવારે સમગ્ર રાજ્યમાં 10 લાખ 96 હજાર લોકોને રસી આપવામાં આવી હતી. એક દિવસમાં લગભગ 11 લાખ લોકોનું રસીકરણ કરવા માટે મુખ્યમંત્રી ઉદ્ધવ ઠાકરે અને આરોગ્ય મંત્રી રાજેશ ટોપે દ્વારા આરોગ્ય વિભાગને અભિનંદન આપવામાં આવ્યા અને તેમના કામની પ્રશંસા પણ કરી. એ જ રીતે મુંબઈમાં પણ એક દિવસમાં 1 લાખથી વધુ લોકોને રસી આપવામાં આવી હતી. મુંબઈમાં એક દિવસમાં 1,02,135 લોકોને રસી આપવામાં આવી હતી. આ પણ એક નવો રેકોર્ડ છે.

એક દિવસમાં 10 લાખથી વધુ લોકોને રસી આપી શકાય છે, આ કામ રાજ્યના આરોગ્ય વિભાગે શનિવારે કરીને બતાવ્યું. જ્યારે રાજેશ ટોપેએ જણાવ્યું કે રાજ્યના આરોગ્ય વિભાગ પાસે આનાથી વધુ લોકોને રસી આપવાની ક્ષમતા છે. આ માટે આરોગ્ય વિભાગે સતત પ્રયત્નો કરતાં રહેવું પડશે અને તેની સંપૂર્ણ ક્ષમતાનો સદ્ઉપયોગ કરવો પડશે.

શનિવારે સાંજે 7 વાગ્યા સુધી 10,96,493 લોકોને રસી આપવામાં આવી હતી. આ રસી લગભગ 5,200 રસી કેન્દ્રો દ્વારા આપવામાં આવી હતી. મોડી રાત સુધીમાં આ સંખ્યામાં વધુ વધારો થવાની શક્યતા છે. આરોગ્ય વિભાગના મુખ્ય સચિવ ડો.પ્રદીપ વ્યાસ દ્વારા આ માહિતી આપવામાં આવી છે. થોડા દિવસો પહેલા રાજ્યમાં આપવામાં આવેલા ડોઝની સંખ્યા 5 કરોડ થઈ ગઈ છે. સમગ્ર દેશમાં ઉત્તરપ્રદેશ પછી મહારાષ્ટ્રએ આ પરાક્રમ કરી બતાવ્યું છે.

(12:33 am IST)