મુખ્ય સમાચાર
News of Saturday, 21st August 2021

વસતિ વધારાને કાબુમાં રાખવામાં સફળ થનાર તામિલનાડુ રાજ્યની સંસદમાં બેઠકો ઓછી થઇ ગઈ : જો એક વ્યક્તિ એક મતનું પાલન કરવામાં આવે તો ઉત્તર પ્રદેશ અને બિહાર જેવા રાજ્યોને વધુ બેઠકો મળશે : કેન્દ્ર સરકારના કુટુંબ નિયોજન કાર્યક્રમોનો સફળ અમલ કરનાર રાજ્યના લોકોનું સંસદમાં પ્રતિનિધિત્વ ઘટાડી શકાય ? : મદ્રાસ હાઈકોર્ટ

ચેન્નાઇ : તાજેતરમાં મદ્રાસ હાઇકોર્ટે ટિપ્પણી કરતાં જણાવ્યું છે કે વસતિ વધારાને કાબુમાં રાખવામાં સફળ થનાર તામિલનાડુની સંસદમાં બેઠકો ઓછી થઇ જવા પામી છે. જો એક વ્યક્તિ એક મતનું પાલન કરવામાં આવે તો ઉત્તર પ્રદેશ અને બિહાર જેવા રાજ્યોને વધુ બેઠકો મળશે. તેથી વસતિ વધારા ઉપર નિયંત્રણ મેળવી શકનાર દક્ષિણના રાજ્યોને સંસદમાં વધુ બેઠકો આપવી જોઈએ .

નામદાર કોર્ટે ઉમેર્યું હતું કે 1967 માં લોકસભામાં તમિલનાડુનું રાજકીય પ્રતિનિધિત્વ ઘટાડવામાં આવ્યું તે ગેરવાજબી અને અયોગ્ય છે કારણ કે રાજ્ય સફળ કુટુંબ આયોજન પગલાં દ્વારા તેની વસ્તી ઘટાડવામાં સફળ રહ્યું હતું.

જસ્ટિસ કિરૂબાકરન ગુરુવારે સેવામાંથી નિવૃત્ત થયાના થોડા દિવસો પહેલા 17 ઓગસ્ટના રોજ જસ્ટિસ એન કિરૂબકરણ અને બી પુગલેન્ધીની ખંડપીઠ  દ્વારા આદેશ પસાર કરવામાં આવ્યો હતો કે કેન્દ્ર સરકારના કુટુંબ નિયોજન કાર્યક્રમોનો સફળ અમલ કરનાર રાજ્યના લોકોનું સંસદમાં પ્રતિનિધિત્વ ઘટાડી શકાય ?  

1962 સુધી લોકસભામાં તમિલનાડુના 41 પ્રતિનિધિઓ હતા. પરંતુ વસતિમાં ઘટાડાને કારણે લોકસભા માટે તમિલનાડુ રાજ્યના પ્રતિનિધિઓની સંખ્યામાં  બે બેઠકોનો ઘટાડો કરી 39 કરી દેવાઈ. હકીકતે આ ઘટાડો કેન્દ્ર સરકારના કુટુંબ નિયોજન કાર્યક્રમોનો સફળ અમલ કરવાના કારણે થયો હતો. સામે પક્ષે વસ્તી વધારો ખાળવામાં નિષ્ફ્ળ ગયેલા રાજ્યોને લોકસભાની વધુ બેઠકો મળી રહી છે. આથી તામિલનાડુને  રાજ્યસભામાં વધુ પ્રતિનિધિત્વ આપી ખોટ સરભર કરવી જોઈએ. તેમ જણાવ્યું હતું. તેવું બી.એન્ડ બી.દ્વારા જાણવા મળે છે.

(8:44 pm IST)