મુખ્ય સમાચાર
News of Saturday, 21st August 2021

અમેરિકામાં કોમ્યુનિટી અગ્રણી ડો.પ્રદીપ કણસાગરાનો જન્મદિવસ ઉજવાયો : દેશભક્તિ સભર શૌર્ય ગીતોની રમઝટ સાથે કરાયેલી વર્ચ્યુલ ઉજવણી : ઝુમના માધ્યમથી રજૂ કરાયેલા ગીતોથી દર્શકો ઝૂમી ઉઠ્યા

દિપ્તીબેન જાની દ્વારા : ભારતનો 75 મો આઝાદી પર્વ ડો.પ્રદીપ કણસાગરા રાજકોટની સવાણી કિડની હોસ્પિટલના ફાઉન્ડર ,મેનેજીંગ ટ્રસ્ટી ,અને પૂર્વ ચેરમેનનો જન્મ દિવસ 15 મી ઓગસ્ટે દેશભક્તિના શૌર્ય ગીતોથી અમેરિકાના ડો.મધુભાઈ પારેખે પરીખ ગીતમાળા અંતર્ગત સુરસંગમના કલાકારો દ્વારા વર્ચ્યુઅલ યોજ્યો હતો.

અત્રે એ નોંધનીય છે કે ગયા વર્ષે 70 વર્ષ પુરા થયા ત્યારે જોય એકેડેમીની અમેરિકામાં સ્થાપના કરી હતી.અને એક મહિનો દર અઠવાડિયે જુદા જુદા કાર્યક્રમોનું આયોજન કરી સાદાઈથી જન્મ દિવસ ઉજવ્યો હતો. ત્યારબાદ 25 જેટલા સમાજ ઉપયોગી જુદા જુદા વેબિનારો કર્યા હતા. જેને ઘણાં લોકો તરફથી સારો પ્રતિભાવ મળ્યો હતો.ડો.કણસાગરા જોય એકેડેમીના ચીફ પેટ્રન છે.તેમની સેવાઓની નોંધ લઇ તેઓને અમેરિકામાં જુદી જુદી સેવાકીય સંસ્થાઓમાં આમંત્રિત કરેલ છે.

અમેરિકન ફાઉન્ડેશન ઓફ પ્રોસ્ટેટ કેન્સરના ડાયરેક્ટર ,ડોક્ટર્સ ગુડવિલ ફાઉન્ડેશનમાં એક્ઝિક્યુટિવ કમિટી અને જોય ઓફ હેલપિંગના ડાયરેક્ટર તરીકે તેમની નિમણુંક કરવામાં આવી છે.આ ત્રણે સંસ્થાઓએ મહામારી દરમિયાન ભારતમાં નોંધપાત્ર મદદ કરી છે.ઓક્સિજન કોન્સન્ટ્રેટર તથા ઓક્સિજન જનરેટર માટે માતબર દાન આપ્યું છે.

જોય ઓફ હેલપિંગ તરફથી સિવિલ હોસ્પિટલ રાજકોટ અને સિવિલ હોસ્પિટલ ( સયાજીરાવ ગાયકવાડ હોસ્પિટલ ) વડોદરાને ઈ.એન.ટી.ના અદ્યતન સાધનોનો સેટ ,ઉપરાંત ઝડપી અને સચોટ ઓપરેશન કરવા માટે જર્મનીના માઇક્રોસ્કોપ દાન આપવામાં આવ્યા હતા.જે માટે ડો.પ્રદીપ કણસાગરા તથા ડો.વલ્લભભાઈ કથિરિયાનો સહકાર મળ્યો હતો. આ સાધનોથી સિવિલ હોસ્પિટલમાં મ્યુકરમાઇકોસિસ ( બ્લેક ફંગસ ) ના ઓપરેશનો ઝડપથી થઇ શક્યા હતા.ડો.પ્રદીપ કણસાગરાને તેમના જન્મદિન નિમિત્તે શુભેચ્છાઓ પાઠવેલ છે.

રાષ્ટ્રભક્તિના ગીતોનો ત્રણ કલાકનો કાર્યક્રમ ' ઝૂમ ' ના માધ્યમથી સાંભળી 150 લોકો ઝૂમી ઉઠ્યા હતા અને ભાવવિભોર થઇ ઉઠ્યા હતા. 

(6:52 pm IST)