મુખ્ય સમાચાર
News of Saturday, 21st August 2021

શ્રી રામ જન્મભૂમિ નૂતન મંદિરની મુલાકાતે માધવપ્રિયદાસજી સ્વામી સાથે હિન્દુ ધર્મ આચાર્ય સભાના ધર્માચાર્યો

અયોધ્યા તા. ૨૧ હિન્દુ ધર્મ આચાર્ય સભાના ધર્માચાર્યો પૂજ્ય પરમાત્માનંદજી મહારાજ, પૂજ્ય માધવપ્રિયદાસજી સ્વામી, પૂજ્ય વિશ્વેશ્વરાનંદજી મહારાજ, પૂજ્ય જ્ઞાનાનંદજી મહારાજ, પૂજ્ય કૃષ્ણમણીજી મહારાજ, પૂજ્ય શંભૂનાથજી મહારાજ તથા તેમના સુપુત્ર યોગીરાજ, બ્રહ્મેશાનંદજી મહારાજ વગેરે અયોધ્યા ખાતે શ્રીરામ જન્મભૂમિ ઉપર નિર્માણ પામી રહેલા મંદિરની મુલાકાતે પધાર્યા હતા. વિશ્વ હિન્દુ પરિષદના અગ્રણી શ્રી સંપતરાયજીના માર્ગદર્શન નીચે સહુ ધર્માચાર્યોએ પ્રથમ રામલલાના દર્શન કર્યા હતા. ત્યારબાદ જ્યાં નૂતન મંદિરે બની રહ્યું છે ત્યાં સહુ નિરીક્ષણ માટે પધાર્યા હતા.

અદભુત અને અકલ્પનીય મંદિર નિર્માણની કાર્યપદ્ધતિ જોઈને સહુ ધર્માચાર્યો ખૂબ જ પ્રસન્ન થયા હતા. મંદિરના પાયામાં ૧૩ મીટર જેટલી કોંક્રીટની ભરતી કરીને મંદિરનો પાયો મજબૂત કરવામાં આવ્યો છે. આ દ્રશ્યનું દર્શન ભવિષ્યમાં દુર્લભ રહેશે. 

સુપ્રસિદ્ધ કન્સ્ટ્રક્શન કંપની લાર્સન એન્ડ ટુબ્રોના કોન્ટ્રાક્ટરના માર્ગદર્શન નીચે મંદિરનું નિર્માણ થઇ રહ્યું છે.

ત્યારબાદ મંદિર નિર્માણમાં જેમનું અનેરું યોગદાન રહ્યું છે એવા પરમ પૂજ્ય નૃત્યગોપાલદાસજી મહારાજના દર્શને સહુ ધર્માચાર્યો પધાર્યા હતા. સહુ ધર્માચાર્યોએ મહારાજશ્રીના તબિયત અંગે ખબર અંતર પૂછ્યા હતા. આ ઉપરાંત અયોધ્યાના સુપ્રસિદ્ધ મંદિર હનુમાન ગઢી તથા બંસીવાલા બાબા દ્વારા નિર્માણ પામેલ જાનકી મહલના દર્શને પધાર્યા હતા. અહીં ગીતા મનીષી જ્ઞાનાનંદજી મહારાજે સહુ ધર્માચાર્યોનો પરિચય કરાવ્યો હતો. અહીં  ચાલી રહેલી શ્રીમદ્ રામાયણની કથામાં ધર્માચાર્યોએ મોટી સંખ્યામાં ઉપસ્થિત ભક્તજનોને શુભ આશીર્વાદ પાઠવ્યા હતા.

(2:27 pm IST)